કામરેજ: કામરેજની (Kamrej) સોસાયટીમાં ઘર બંધ કરી પરિવાર વતનમાં ગયોને તસ્કરો નકુચો તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના (Jewelry) મળી કુલ્લે રૂ.62200ની ચોરી (Theft) કરી નાસી છુટયા હતા. આ જ સોસાયટીના બીજા એક મકાનમાં પણ એક જ રાત્રિએ ચોરી થઈ હતી. એક જ સોસાયટીમાં બે ઘરમાં ચોરીની આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની પોલ ઉઘાડી પાડી છે.
મુળ અમરેલી જિલ્લાના પીપરીયા ગામના વતની અને હાલ કામરેજના કેનાલ રોડ પર આવેલી શાલીગ્રામ સોસાયટીમાં મકાન નંબર 50 માં કલ્પેશ હરીભાઈ માલવીયા રહીને સુરત ડાયમંડ પાર્ટસની દુકાન ચલાવે છે. ગઈ તા.11મી નવેમ્બરના રોજ ઘર બંધ કરી વતનમાં ગયા હતા.ત્યા રે 23મી નવેમ્બરના રોજ સોસાયટીમાં રહેતા વિજય ઠુમ્મરે ફોન કરીને ઘરના દરવાજાનો લોક તુટેલી હાલતમાં જોતા જણાવતા ત્રણ દિવસ અગાઉ વતનમાંથી આવીને ઘરમાં જોતા બેડરૂમમાં મુકેલા કબાટનો લોક તુટેલી હાલતમાં હતો.
કબાટના લોકરમાં મુકેલા સોના ચાંદીનાના દાગીનામાં સોનાનું પેન્ડલ, સોનાની કડી, ચાંદીનો કંદોરો, ચાંદીના સાંકળા, ચાંદીનું બ્રેસલેટ, ચાંદીની કડલી, ચાંદીના નજરીયા મળી કુલ્લે 32500ની ચોરી થઈ હતી. સોસાયટીમાં મકાન નંબર 28 માં રહેતા દિલીપભાઈ વિનુભાઈ ભાયાણીના મકાનમાં પણ બેડરૂમમાં મુકેલા કબાટમાંથી સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી, ચાંદીની ઝાંઝરી મળી કુલ રૂ.29800ની ચોરી કરી ગયા હતા.
અજાણ્યા તસ્કરો બન્ને મકાનોમાં મળી કુલ્લે રૂ.62200ની ચોરી કરી નાસી છુટયા હતા.જે અંગે કામરેજ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયણમાં સુરતની મહિલાનો મોબાઈલ લુંટાયો
સાયણ: સુરત શહેરથી સાયણ માસીના ઘરે આવેલ એક શ્રમજીવી મહિલાનો ભરબપોરે ત્રણ અજાણ્યા શખ્સો 5000ની કિંમતનો મોબાઇલ ફોન ઝુંટવી ફરાર થઈ જતા સાયણ પંથકમાં લૂંટારાઓના આંતકથી ફફડાટ ફેલાયો છે.
સુરત શહેરના વરીયાળી બજારમાં મદારીવાડના ઘર નં-૧૩૩૫ માં ભારતીબેન ભીખુભાઇ રાઠોડ(ઉ.વ.૩૦)રહે છે.તે સુરત અઠવા ગેટ પાસે આવેલ મોંટીસ કીચન રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે.ગત મંગળવાર,તા.૨૮ ના રોજ ભારતી રાઠોડ તેની એક્ટીવા મોપેડ સાયણ ડબગર ચાલમાં રહેતી તેની માસી સવિતાબેનના ઘરે પાર્ક કરી સાયણ બજારમાં ખરીદી કરવા ગઈ હતી.
તે બપોરે-૨:૦૦ કલાકના સુમારે ખરીદી પુરી કરી સાયણ રેલ્વે ઓવરબ્રીજની નીચે સાયણ-કઠોર રોડ પરથી મોબાઈલ ફોન ઉપર વાત કરતા- કરતા પગપાળા પસાર થઈ રહી હતી.તે સમયે રોડ ઉપર પાછળથી કાળા કલરની મોપેડ ઉપર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો પૈકી મોપેડ પાછળ સવાર ઇસમે ભારતી રાઠોડના હાથમાંથી રૂ.૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન ઝુંટવી ત્રણે ભાગી છૂટ્યા હતા.