એક દિવસ બેંકમાં એક વૃધ્ધ કાકા આવ્યા, ધીમે ધીમે રીક્ષામાંથી ઉતર્યા અને બેંકમાં આવ્યા.થોડીવાર કંઇક આમતેમ ગોતી રહ્યા. એક સજ્જનને લાગ્યું કે તેમને પેન જોઈતી લાગે છે. તેઓ કાકા પાસે ગયા અને પેન આપતા બોલ્યા, ‘આ લો કાકા, પેન જોઈએ છે ને..’કાકા બોલ્યા, ‘ભાઈ પેન અને સ્લીપબુક તો છે પણ હવે ઉંમરને કારણે હાથ બહુ ધ્રુજે છે એટલે મારે સ્લીપ ભરવા માટે મદદ જોઈએ છે એટલે આમ તેમ જોઈ રહ્યો છું કે કોઈ મદદ કરી દે.’ સજ્જને કહ્યું, ‘કાકા, તમને વાંધો ન હોય તો હું ભરી દઉં ?’પછી સજ્જને કાકાએ કહ્યું તે પ્રમાણે સ્લીપ ભરી દીધી, તેમની સહી લીધી તે સ્લીપ લઈને કાકા કાઉન્ટર પર ગયા પૈસા લઈને આવ્યા અને પેલા સજ્જનને કહ્યું, ‘ભાઈ આ રકમ જરા ગણી આપ.’સજ્જને પૈસા ગણી આપ્યા અને કાકાએ તેને બરાબર ખિસ્સામાં મુક્યા પછી સજ્જનને કહ્યું, ‘મને જરા માધવનગરની રીક્ષા કરી આપ અત્યારે રીક્ષા મળશે નહિ.તારો ખુબ ખુબ આભાર.’
સજ્જન બોલ્યા, ‘કાકા હું પણ તે તરફ જ જાઉં છું તમને મૂકી જાઉં છું.’સજજન ગાડીમાં કાકાને તેમના ઘરે મુકવા ગયા.,માધવનગરના સૌથી મોટા બંગલા પાસે કાકાએ ગાડી રોકવા કહ્યું…બંગલાનો ચોકીદાર અને તેમના પત્ની બંને કોઈ અજાણ્યું કાકાને મુકવા કેમ આવ્યું તે જોઇને ચિંતાથી દોડી આવ્યા.તેમને ચિંતામાં જોઇને કાકા જ બોલ્યા, ‘મને કઈ નથી થયું આ ભાઈ ભગવાનના માણસ છે તેમણે મને ઘણી મદદ કરી અને અહીં સુધી મુકવા પણ આવ્યા.’
બંગલાનું નામ ‘હરિ ધામ’હતું. કાકાના પત્નીએ સજ્જનનો આભાર માનતા ઘરે ચા પીવા માટે આવવા બહુ આગ્રહ કર્યો.ચા પીતાં પીતાં વાતોમાં કાકાએ કહ્યું, ‘અમારો એક નો એક દીકરો વિદેશ રહે છે અને આ ભગવાનના ઘરમાં અમે બંને એકલા રહીએ છીએ. ચોકીદાર અને તેની પત્ની છે જે ઘરના કામ કરે છે.’કાકા વાત વાતમાં ત્રણ ચાર વાર ભગવાનનું ઘર એમ બોલ્યા એટલે સજ્જનથી રહેવાયું નહિ તેમણે પૂછ્યું, ‘કાકા ભગવાનનું ઘર કેમ બોલો છો??’
કાકા બોલ્યા, ‘આ તો મને મારી દાદીએ શીખવાડેલી પરંપરા છે.દાદીએ શીખવાડ્યું છે કે આ જીવન ભગવાને આપ્યું છે.જીવનમાં જે કઈ મળ્યું છે તે પણ ભગવાને આપ્યું છે.એટલે આપણું કઈ નથી બધું ભગવાનનું આપેલું છે.એટલે આ ઘર ભગવાનનું છે અને આપણે તેમાં રહીએ છીએ તેવી ભાવના હંમેશા રાખવી.’ કાકાની વાત સાંભળી સજ્જન વિચારમાં પડી ગયા કે લોકો એમ જ કહે છે કે આ અમારું ઘર છે અને અમારા ઘરમાં ભગવાનનું મંદિર છે જેમાં ભગવાન રહે છે.— પણ રીત અને ભાવના કાકાની સાચી છે કે આ ભગવાનું ઘર છે અને અમે તેમાં એમની સાથે રહીએ છીએ.કાકા બોલ્યા, ‘ભગવાનું ઘર હોય એટલે હંમેશા સદવિચાર અને સકારાત્મક વિચારથી ભરેલું રહે કોઈ નકારાત્મકતાની જગ્યા જ નહિ.’
સજ્જને કાકાનું આ વાક્ય પ્રસાદની જેમ સ્વીકાર્યું ‘ઘર ભગવાનનું છે અને આપણે તેમાં રહીએ છીએ.’