એક ભક્ત મંદિરમાં ભગવાનની પાસે આવ્યો, અને મૂર્તિની સામે મૂર્તિને ઉદ્દેશીને આંખોમાં આંસુની સાથે સાથે ચહેરા પર ગુસ્સા સાથે ફરિયાદ કરવા લાગ્યો, ‘ભગવાન, હું રોજ સવાર – સાંજ તમારા દર્શન કરવા આવું છું …આ નિયમ ક્યારેય તોડતો નથી…રોજ તમારું નામ પણ લઉં છું…છતાં તમે મારી સામે જોતા નથી.હું જે માંગું છું તે તમે મને આપતા નથી…ક્યારેય મને માંગ્યા વિના કઈ મળતું જ નથી ….’આવી અનેક ફરિયાદો ભક્તે કરી. વૈકુંઠમાં નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, ‘પ્રભુ, તમે તો દયાનિધાન છો તો આ ભક્તને તમારા પ્રત્યે આટલી ફરિયાદ કેમ છે ?? તમે તેનું સાંભળતા કેમ નથી ??’ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા, ‘દેવર્ષિ, આ તમે પૂછો છો ??
શું તમે જાણતા નથી માણસનો સ્વભાવ …દરેક મ્ન્સને વિધાતાએ જે આપ્યું છે કે તેઓ જીવનમાં જે મેળવી રહ્યા છે તે તેમને ઓછું જ લાગે છે અને ઓછું જ પડે છે.હંમેશા તેમને એમ જ લાગે છે કે ભગવાને અમને જ ઓછું આપ્યું છે.આ એક ભક્તની વાત નથી …મારા લગભગ દરેક ભક્તની આ જ અને આવી જ ફરિયાદ હોય છે.અને તેઓ મારી ભક્તિ કે પૂજા કરતા નથી તેઓ માત્ર અમે માત્ર પોતાની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓની પૂજા કરતા હોય છે …તેઓ મારા દર્શન કરવા કે પ્રાર્થના કરવા મંદિરે આવતા નથી તેઓ માત્ર અને માત્ર પોતાની ઈચ્છા મુજબ માંગવા માટે આવે છે.’
નારદજી બોલ્યા, ‘પ્રભુ તમે તો પાલનહાર છો અને સૃષ્ટિ પર દરેકનું પાલન કરો છો તો પછી બધાને ઓછું શું કામ આપો છો જેને જે જોઈએ તે આપતા કેમ નથી ??’ભગવાને જવાબ આપ્યો, ‘નારદજી હું બધાનું પાલન કરું છું, બધાની સાથે જ રહું છું …પણ હું કોઈને કઈ આપતો નથી જેને જે મળે છે તે પોતાના કર્મફળ મુજબ જ મળે છે.અને જેને માટે જે સારું હોય છે ,જે જેના હિતમાં હોય છે તે જ તેને મળે છે.પણ આ મારા ભક્ત બનવાનો નાટક કરતા લાલચુ માણસોને બધું જ જોઈએ છે અને તે પણ બીજા કરતા વધારે …અને મહેનત વગર…માણસોને ફરિયાદ છે કે હું તેમનું સાંભળતો નથી અને માંગેલું આપતો નથી પણ મને ફરિયાદ છે કે માણસો મારી પૂજા કરતા નથી પોતાની ઇચ્છાઓની પૂજા કરે છે અને તેમની માંગણીઓ પણ પૂરી થતી જ નથી સતત વધતી જ રહે છે.આ માણસોને જે મળ્યું છે તે ઓછું જ લાગે છે એટલે તેઓ સદા દુઃખી રહે છે અને ફરિયાદ કરતા રહે છે…તેઓ મને ફરિયાદ કરે છે હું તો ફરિયાદ પણ કોને કરું ??’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.