Columns

ભગવાન.. આવીને મળે છે

એક નાનકડો છોકરો દાદા સાથે મંદિરે જાય છે. દાદા તેને રોજ ભગવાનની જુદી જુદી વાર્તા કરે.એક દિવસ નાનકડો છોકરો દાદાને કહે છે કે, ‘મારે આ ભગવાનને મળવું છે..’દાદા હસીને કહે છે, ‘દિલથી પ્રાર્થના કર તો ભગવાન તને મળશે.’નાનકડો છોકરો પ્રાર્થના કરે છે, ‘ભગવાન મારે તમને મળવું છે..તમારી સાથે વાતો કરવી છે ..મને આવીને મળો ને..’ બાળકની પ્રાર્થના પૂરી થતાં જ પુજારી તેના હાથમાં પ્રસાદનો પેંડો મૂકે છે.દાદા કહે છે, જો ભગવાને તને પ્રસાદરૂપે જવાબ આપ્યો.છોકરો ખુશ થઇ જાય છે.

જયારે જયારે છોકરો દાદા સાથે મંદિરે આવે ને ભગવાનને પ્રાર્થના કરે, ‘ભગવાન, મારે તમારી સાથે વાત કરવી છે ..મારે તમને મળવું છે ..મારે તમને જોવા છે ..’અને દરેક વખતે પુજારી તેને પ્રસાદ આપે કે કોઈ ભક્તજન ફૂલ આપે કે કયાંક કોયલ ટહુકે …કોઈક ભક્ત આવીને ઘંટ વગાડે…ક્યારેક આરતી તો ક્યારેક શંખનાદ થાય ….આમ ભગવાન કોઈક ને કોઈક રૂપે તેની પ્રાર્થનાનો જવાબ આપે જ…પણ બાળકને બહુ કંઈ સમજાય નહિ. બાળક થોડો મોટો થયો, પણ હજી ભગવાનને એ જ પ્રાર્થના ચાલુ હતી.

ભગવાન તેને ક્યારેક મેઘધનુષ રૂપે મળતાં તો ક્યારેક આકાશમાં ગડગડાટ રૂપે તેની પ્રાર્થનાનો જવાબ આપતા.ક્યારેક કોઈક પંખી ટહુકતું તો ક્યારેક પતંગિયું સ્પર્શી જતું.પણ ઈશ્વરની આ હાજરી તેને સમજાતી નહિ. આ પ્રાર્થના કરતાં કરતાં બાળક યુવાન થયો. એક દિવસ તો તેણે ભગવાનને અલ્ટીમેટમ આપ્યું કે, ‘ભગવાન આજે તો તારે મારી પ્રાર્થનાનો જવાબ મને આપવો જ પડશે..જો તું હોય તો મને મળવા આવ ..કોઈક ચમત્કાર દેખાડ..’તે જ સમયે યુવાનનો મોબાઈલ રણક્યો અને સમાચાર આવ્યા કે તેની મોટી બહેને નાનકડી પરીને જન્મ આપ્યો છે.

સાક્ષાત્ લક્ષ્મી પધાર્યાં છે.યુવાન હોસ્પિટલ દોડી ગયો.તેનું ધ્યાન ઈશ્વરના નવજીવન સર્જનના ચમત્કાર પર ન ગયું. આમ ને આમ એ જ પ્રાર્થના કરતાં કરતાં યુવાન જીવનની જવાબદારીઓનો ભાર ઉપાડતો આગળ વધતો રહ્યો.જિંદગીથી થાકીને તેણે ભગવાનને પ્રાર્થના કરી, ‘પ્રભુ, નાનપણથી તમને મળવાની ઈચ્છા રાખી પ્રાર્થના કરું છું પણ તમે તો સાંભળતા જ નથી. મને મળવા આવતાં જ નથી.હવે તો હું પ્રાર્થના કરીને પણ થાક્યો છું અને જીવનથી પણ થાક્યો છું.હવે મને જરા આરામ આપો. કંઇક એવું કરો કે આ થાકેલા જીવને ટાઢક મળે.’

રાત્રે યુવાન કામ પરથી મોડો ઘરે પહોંચે છે.પપ્પા દરવાજા પર રાહ જોતા હોય છે અને મમ્મી ગરમ ગરમ રોટલી જમાડે છે.પછી દૂધ આપી જલ્દી સૂઈ જવા કહે છે અને અડધી રાતે તે જ મા યુવાનનું ઓઢવાનું સરખું કરી માથે હાથ ફેરવે છે.યુવાનના જીવનમાં આ શીતલ છાયા છે તેની તેને ખબર જ નથી. આપણા બધાના જીવનમાં આવા જ અનુભવો અને આવી જ પ્રાર્થના હોય છે..જીવનના ડગલે ને પગલે કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન આપણને આવીને મળે છે કે સંદેશ આપે છે પણ આપણે તેને મળી શકતા નથી.
   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top