National

ગો-ફર્સ્ટ દ્વારા સુરતથી એક સાથે 19 વન-વે ફલાઇટની જાહેરાત, હવે આ શહેરો સુધી ઝડપથી પહોંચી શકાશે

સુરત: ડોમેસ્ટિક એરલાઇન્સ (Domestic Airlines) કંપની ગો-એરલાઇન્સની (Go Air) સહયોગી કંપની ગો-ફર્સ્ટ (Go First) દ્વારા સુરત એરપોર્ટથી (Surat Airport) શરૂ થયેલી સુરત દિલ્હીની 2 ફલાઇટને 13 શહેરો સાથે સિંગલ કનેકટીવિટીથી જોડી છે. ગો-ફર્સ્ટ દ્વારા આજે સુરતથી વાયા દિલ્હી થઇ અમૃતસર, દેહરાદુન, ગૌહાટી, હૈદરાબાદ, જમ્મુ, કોચી, લેહ, લખનઉ, પટના, પૂણે, રાંચી, શ્રીનગર અને વારાણસી સુધી વન-ડે ફલાઇટ શરૂ કરી છે. વન-વે ફલાઇટ એટલે કે સુરતથી આ 13 શહેરોમાં 19 ફલાઇટ થકી જઇ શકાશે પરંતુ આ ફલાઇટ પાછી સુરત એજ શહેરોમાંથી આવી શકશે નહીં. વન-વે ફલાઇટનો ઉપયોગ કરવાથી સુરતથી ઉપડેલી ફલાઇટ દિલ્હી, એરપોર્ટ પર ઉતરશે. અને અહીંથી કેટલીક ફલાઇટમાં લગેજ બીજા વિમાનમાં તબદીલ કરી તેમાં જઇ શકાશે. મોટાભાગની ફલાઇટ માટે દિલ્હી એરપોર્ટ પર 2 થી 4 કલાક રોકાવવું પડશે. કેટલીક ફલાઇટમાં તો વેઇટિંગનો સમયગાળો 6 થી 10 કલાકનો પણ છે. જોકે બાય રોડ અથવા ટ્રેનમાં જે શહેરોમાં પહોંચવા માટે 2 દિવસનો સમય લાગે છે તેવા શહેરોમાં ઇમરજન્સીમાં પહોંચવા માટે આ ફલાઇટ મહત્ત્વની બની શકે છે.

  • વાયા દિલ્હી વારાણસી, શ્રીનગર, રાંચી, લખનઉ, કોચી, જમ્મુ, સહિતના શહેરોની કનેક્ટિવિટી
  • સુરતથી ફલાઇટ ઉપડયા પછી દિલ્હીમાં વિમાન બદલી 2 થી 4 કલાકના હોલ્ટ પછી અન્ય શહેરની કનેક્ટવિટી

નોંધનીય છે કે, કોરોનાના લીધે છેલ્લાં બે વર્ષથી સુરત એરપોર્ટ પર ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી ઘટી હતી, જેના લીધે પેસેન્જરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. દિવાળી અગાઉ ડોમેસ્ટીક કનેક્ટિવિટી ધીમે ધીમે પૂર્વવત્ત થવા માંડી ત્યાર બાદથી સુરત એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં ઉછાળો નોંધાયો છે. તેના પગલે સુરત-શારજાહની ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ તેના રૂટિન શિડ્યુલ અનુસાર શરૂ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકનો સારો રિસ્પોન્સ જોતાં સ્પાઈસ જેટ, ઈન્ડીગો, એરઈન્ડિયા બાદ હવે ગો એર દ્વારા પણ ડોમેસ્ટીક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.

સારી બાબત એ છે કે ગો એર દ્વારા દેશના મોટા ભાગના મોટા શહેરો અને પ્રવાસન સ્થળોની સુરતને કનેક્ટિવિટી મળી રહે તે મુજબ ફ્લાઈટ્સના શિડ્યુલ ગોઠવવામાં આવ્યા છે. ગો એરની વન ડે 19 ફ્લાઈટના શિડ્યુલ એવા ગોઠવવામાં આવ્યા છે જેથી સુરતમાંથી લેહ જેવી દૂરની જગ્યાએ પણ સુરતીઓ સરળતાથી અને ઝડપથી પહોંચી શકશે.

Most Popular

To Top