રાજકોટ: ગીર (Gir) સોમનાથ (Somnath) જિલ્લામાં આભ ફાટ્યું છે. સતત વરસી રહેલા વરસાદના (Rain) કારણે નદીમાં (River) પાણીની આવક વધી જતા ગામમાં અડધી રાતે પાણી ફરી વળ્યા હતા. સૂત્રાપાડા (Sutrapada), કોડીનાર અને વેરાવળ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાત કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સતત વરસી રહેલા વરસાદના કારણે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદના પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેના કામ અંર્તગત કઢાયેલા રસ્તાો સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થઈ જતા વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો હતો તેમજ બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ઘૂસી ગયા છે.
ગતરાત્રિ દરમિયાના ખાબકેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કોડીનાર, સુત્રાપાડામાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી આસપાસના અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. પંથકના મટાણા સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાના દ્રશ્યો જોવા મળ્યા છે. ગામની શેરીઓમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાના અન્ય ગામોને જોડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા માર્ગ બંધ થઇ જતા વાહનચાલકો મુશ્કેલ બન્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયા કાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડિનાર તાલુકામાં 9 ઈંચ વરસાદ વરસતા હાઈવે પરના વાહન વ્યવહાર ખોળવાયો હતો. સુત્રાપાડામાં રાત્રીના શરૂ થયેલી વરસાદ સવારે 10 વાગ્યા સુધી સાત કલાકમાં 280 મિમી (12 ઇંચ), કોડીનારમાં 225 મિમી (9 ઇંચ) અને વેરાવળમાં 124 મિમી (5 ઇંચ) વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદીની આગાહી વચ્ચે રાજ્યના 219 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 10 ઈંચ, કોડીનાર અને કલ્યાણપુરમાં 9 ઈંચ વરસાદ, કડાણામાં 5.75 ઈંચ, માંગરોળમાં 4.75 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 26 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ છે, તો 30 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે.