SURAT

સચિન GIDCમાં નવી બંધાતી બિલ્ડિંગમાં કલર કામ કરતી વખતે ત્રીજા માળેથી પટકાયેલા બે મજૂર પૈકી એકનું મોત

સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (GIDC) નવી બંધાતી બિલ્ડિંગમાં કલર કામ કરતી વખતે ત્રીજા માળેથી નીચે પડેલા બે મજૂર પૈકી એકનું મોત નિપજ્યું હતું. દિવાળીની રજા હતી પરંતુ સારા રૂપિયા મળવાના હોવાથી મજૂર કામ ઉપર ગયા હતા.

  • સચિન જીઆઇડીસીમાં નવી બંધાતી બિલ્ડિંગમાં કલર કામ કરતી વખતે ત્રીજા માળેથી નીચે પડેલા બે મજૂર પૈકી એકનું મોત
  • દિવાળીની રજા હતી પરંતુ સારા રૂપિયા મળવાના હોવાથી મજૂર કામ ઉપર ગયા હતા

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની શિરીષ હરીશ ભમાની (21 વર્ષ) હાલ અમરોલી કોસાડ પાસે સાથી મિત્રો સાથે રહેતો હતો. શિરીષ કલરકામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. શિરીષ અન્ય 5 મજૂરો સાથે સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બરફ ફેકટરી પાસે આવેલ નવી બંધાતી બિલ્ડિંગમાં છેલ્લા બે મહિનાથી કલરકામ કરતો હતો. દિવાળી રજા હતી પરંતુ સારા રૂપિયા મળવાના કારણે શિરીષ અન્ય મિત્રો સાથે ગુરુવારે કલરકામ કરવા માટે સચિન જીઆઇડીસી ગયો હતો.

ગુરુવારે સાંજના સુમારે શિરીષ લલ્લુ કેવટ નામના સાથી મિત્ર સાથે બિલ્ડિંગના ત્રીજા માળે કલરકામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક શિરીષ લલ્લુ સાથે નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં અન્ય મજૂરો દોડી આવ્યા હતાં. તેમજ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શિરીષનું મોત નિપજ્યું હતું. તેમજ અન્ય મજૂર લલ્લુની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. શિરીષના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા તેમજ તેની પત્નીને ગર્ભ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Most Popular

To Top