Business

પાર્કિન્સનને શરૂઆતના સ્ટેજથી જ નાથીએ!

60 વર્ષથી વધુની જો તમારી ઉંમર છે અને તમારાં અંગોમાં ખાસ કરીને હાથમાં ધ્રૂજારી /કંપારી/ ઝણઝણાટી આવે છે, તમારી ચાલ ધીમી પડે છે, સ્નાયુઓ જકડાઇ જાય છે, શરીરનું સંતુલન બરાબર જળવાતું નથી, આપમેળે થતી હલન-ચલનની પ્રક્રિયાઓ જેમ કે આંખ પલકવી, હસવું, ચાલતી વખતે હાથ હાલવા વગેરે લુપ્ત થવા લાગે છે, ચહેરો વધુ અભિવ્યક્તિ નથી બતાવી રહ્યો, સ્પીચ અને લખવામાં તકલીફ ઊભી થાય છે તો આ બધાં જ ચિહ્નો પાર્કિન્સનનાં છે. આવાં કોઈ પણ ચિહ્નો દેખાય તો તમારા ફિઝિશ્યન અથવા ન્યૂરોલોજીસ્ટને વેળાસર બતાવવું હિતાવહ છે. આ રોગના વિવિધ 5 સ્ટેજ છે અને તેથી જ આ ચિહ્નોને શરૂઆતના સ્ટેજમાં જ નિરીક્ષણ કરવા રહ્યાં જેથી તબીબનો સંપર્ક કરી વધુ વિપરીત અસરોથી બચી શકીએ.

હવે ચિહ્નો વિશે તો આપણે આમ ટૂંકમાં સમજી લીધું પણ સાહજિક સવાલ એ થાય કે આ પાર્કિન્સન શું છે? કેવી રીતે થાય છે? એનો ઈલાજ શું છે? તો 1817માં ડૉ. જેમ્સ પાર્કિન્સન નામના તબીબે ‘એસે ઓન ધ શેકિંગ પાલ્સી’ (ધ્રુજારી પાલ્સી પર નિબંધ) પ્રસિદ્ધ કર્યું જેમાં તેમણે પોતાના ખુદના નામ હેઠળ વિવિધ ચિહ્નોનો ઉલ્લેખ કર્યો અને તેમના નામ પરથી આ રોગને ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો કબજિયાત, સૂંઘવાની ક્ષમતા નબળી પડવી તથા REM સ્લીપ ડિસઑર્ડરનાં અમુક ચિહ્નો તમને ધ્રૂજારી તથા અન્ય આદર્શ લક્ષણો પાર્કિન્સનના આવે એ પહેલાં જ દેખાવા લાગે છે.

પાર્કિન્સન થવાનું કારણ શું?

પાર્કિન્સનમાં મગજના અમુક ચોક્કસ ચેતાકોષો ધીરે-ધીરે મૃત થવા લાગે છે. ઘણાં બધાં ચિહ્નો રાસાયણિક સંદેશાવાહક ‘ડોપામાઇન’ ઉત્પન્ન કરતા ચેતાકોષોની ઘટ પડવાને કારણે જણાઈ આવે છે. જ્યારે ડોપામાઇનનું પ્રમાણ ઘટવા લાગે છે ત્યારે આ સ્થિતિ મગજમાં અસામાન્ય પ્રક્રિયાઓ સર્જે છે અને ક્ષતિગ્રસ્ત ચાલઢાલ તરફ દોરી જાય છે તથા પાર્કિન્સન ડિસીઝના અન્ય જણાવેલ ચિહ્નો ઉદભવે છે.

પાર્કિન્સન ડિસીઝનું સાચું કારણ હજી અજ્ઞાત છે પરંતુ, જે પરિબળો મુખ્યત્વે ભાગ ભજવે છે એમાં જીન્સ અને પર્યાવરણીય પરિબળોનો સમાવેશ થાય છે. આ બંનેનું પણ પ્રમાણ ખૂબ જ ઓછું છે. જીન્સમાં પણ મુખ્યત્વે એવા લોકોમાં વધુ સામાન્ય છે જેના કુટુંબમાં અન્ય ઘણા સભ્યો પાર્કિન્સન ડિસીઝથી અસરગ્રસ્ત થયા હોય. હાલમાં સંશોધકો લેવી બોડીઝ્ અને એમાં મળી આવતા પદાર્થ આલ્ફા સાયનુક્લીઇન ખરેખર પાર્કિન્સન માટે કેટલા જવાબદાર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરી સ્ટડી કરી રહ્યા છે.

જોખમી પરિબળો કયાં છે?

ઉંમર, વારસાગત, ઝેરી પદાર્થોના સતત સંપર્કમાં આવવું જેવાં પરિબળો તમારું રોગ પ્રત્યેનું જોખમ વધારે છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં પણ જોખમ વધુ હોય છે.

કોમ્પ્લિકેશન શું હોઈ શકે?

વિચારવામાં તકલીફ, ચિત્તભ્રમ એટલે કે ભૂલવાની બીમારી 50 થી 80% માં, લગભગ 50% ટકા લોકોમાં ડિપ્રેશન, ઈમોશનલ બદલાવ, ચાવવા, ગળવા, ખાવામાં તકલીફ, ઊંઘમાં બદલાવ કે એના સંબંધિત રોગો, 80% જેટલા લોકોમાં કબજિયાત (ધીમા પાચન માર્ગને લીધે) વગેરે જેવા કોમ્પ્લીકેશન ઊભા થઇ શકે છે. પડી જવું (fall), એનું પણ જોખમ લગભગ ત્રણ ગણું વધી જાય છે.

સારવાર શું છે અને કઈ રીતે રોકી શકીએ?

જસ્ટ બીકોઝ, પાર્કિન્સનનું કારણ હજી અજ્ઞાત છે એટલે આ રોગને અટકાવવાની સાબિત થયેલી કોઈ પણ રીતો અંગે પણ રહસ્ય જ મંડાઈ રહયું છે. કેટલાક સંશોધનો દર્શાવે છે કે નિયમિત એરોબીક કસરત આ રોગનું જોખમ ઘટાડી શકે છે. તો વળી એવું પણ કહેવાય છે કે જે લોકો કેફીન લે ( ચા, કોફી, કોકો-કોલા/ઠંડાં પીણાં વગેરે) છે એ લોકોમાં અન્ય કરતાં આનું જોખમ ઓછું છે પણ આ અંગે કોઇ ખાસ પુરાવા નથી. સારવારમાં દવાથી આ રોગને કાબૂમાં રાખી શકાય અને વધતો અટકાવી શકાય. દવા ઉપરાંત મગજની કસરતો એટલે કે વાંચો, લખો, ક્રોસવર્ડ કોયડા ઉકેલવા, સુડોકુ જેવી એક્ટિવિટી કરી શકાય જે તમારા મગજને પ્રવૃત્ત રાખે. ચાલવું, સ્વિમિંગ અને રોજિંદી એક્ટિવિટી જે તમે કરી શકો છો એ કરતા રહેવું. ટાઇ-ચી પણ અજમાવી શકાય તથા નિયમિત યોગ કરી શકાય. ઘણાં સંશોધનો ચાલી રહ્યાં છે ત્યાં સુધી કે એવા નવા ચેતાકોષો કઈ રીતે સર્જી શકાય કે જે ડોપામાઇનને ઉત્પન્ન કરી શકે.

Most Popular

To Top