ગાઝા: (Gaza) ઇજિપ્તે આખરે ઇઝરાયેલના (Israel) બોમ્બમારાથી તબાહ થયેલા ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનો માટે તેની સરહદો (Border) ખોલી દીધી છે. ઇજિપ્તે ગાઝા સરહદ ખોલતાની સાથે જ પેલેસ્ટિનિયનોને દવા અને ખોરાક જેવી આવશ્યક ચીજવસ્તુઓ મળવા લાગી છે. તેનાથી યુદ્ધ પીડિતોને મોટી રાહત મળવાની આશા છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ભારત સહિત ઘણા દેશો દ્વારા પેલેસ્ટાઈનીઓને રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જોકે ગાઝામાં પ્રવેશવાનો રસ્તો ન હોવાને કારણે અત્યાર સુધી સેંકડો ટ્રકો સરહદ પાસે ઉભી હતી. હવે ઇજિપ્તે માનવતાનો ધર્મ નિભાવીને ગાઝા સરહદ ખોલી છે. જેના કારણે હજારો પીડિતોને ખૂબ મોટી રાહત મળશે.
મળતી માહિતી મુજબ શનિવારે ઇજિપ્ત અને ગાઝા વચ્ચેની સરહદ ખોલવામાં આવી હતી જે પછી ઇઝરાયેલી ઘેરાબંધી વિસ્તારમાં ખોરાક, દવા અને પાણીની અછતથી પીડિત પેલેસ્ટાઇનીઓને સહાય પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગાઝા માટે લગભગ 3,000 ટન સહાય વહન કરતી 200 થી વધુ ટ્રકો ઘણા દિવસોથી સરહદ પર રાહ જોઈ રહી હતી. એસોસિએટેડ પ્રેસ (એપી) ના સંવાદદાતાએ આ ટ્રકોને પેલેસ્ટાઈનમાં પ્રવેશતા જોયા હતા. ઓક્ટોબર 7 ના રોજ હમાસના આતંકવાદીઓએ દક્ષિણ ઇઝરાયેલના શહેરો પર હુમલો કર્યા પછી ઇઝરાયેલે ગાઝા પટ્ટીને ઘેરી લીધી હતી અને ઘણા જવાબી હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા.
ખોરાક અને પાણી માટે તરસી રહ્યાં છે પીડિતો
ગાઝા પર થયેલા હુમલાને કારણે લોકો ભૂખ, તરસ અને દવા માટે તરસી રહ્યા છે. દિવસમાં એક વાર ભોજન ખાવાની ફરજ પડી છે અને પીવાના પાણીની અછત સાથે સંઘર્ષ કરી રહ્યા છે, ગાઝામાં ઘણા લોકો મદદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બોમ્બ ધડાકામાં મોટી સંખ્યામાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરતા હોસ્પિટલના કર્મચારીઓને પણ તબીબી પુરવઠો અને જનરેટર માટે ઇંધણની તાત્કાલિક જરૂર હતી. સેંકડો વિદેશી નાગરિકો પણ યુદ્ધ વચ્ચે ગાઝાથી ઇજિપ્ત તરફ જવા માટે સરહદ ખોલવાની રાહ જોઈ રહ્યા હતા. હવે યુદ્ધ પીડિતોને મોટી રાહત મળવા લાગી છે.
ઇઝરાયેલ હુમલા બંધ કરશે તો બંધકોને મુક્ત કરવામાં આવશે- હમાસ
દરમિયાન હમાસ દ્વારા એક અમેરિકન મહિલા અને તેની કિશોરવયની પુત્રીને મુક્ત કર્યા પછી પરિસ્થિતિ બદલાય તેવું દેખાઈ રહ્યું છે. ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસે કહ્યું છે કે જો ઈઝરાયેલની સેના હુમલા બંધ કરશે તો તે બંધક બનાવવામાં આવેલા નાગરિકોને પણ મુક્ત કરશે. હમાસના રાજકીય બ્યુરોના સભ્ય મોહમ્મદ નઝલે આ વાત કહી છે. અલ જઝીરા સાથે વાત કરતા નઝલે કહ્યું કે ઈઝરાયેલની સેનાએ આક્રમકતા રોકવી પડશે તો જ નાગરિકોને મુક્ત કરી શકાશે. જો કે મોહમ્મદ નઝલે એમ પણ કહ્યું હતું કે નાગરિકો અને સેના દ્વારા સ્થાયી થયેલા લોકોને એક સાથે જોડવા જોઈએ નહીં.