ગાઝા સિટીઃ (Gaza City) ઈઝરાયેલ (Israel) પર હમાસના હુમલા (Hamas Attack) બાદ પેલેસ્ટાઈનમાં (Palestine) ઉજવણીનો માહોલ છે. ઘણી જગ્યાએ હમાસ સમર્થકો ઇઝરાયેલ પ્રત્યે દુશ્મનાવટ દર્શાવતા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ગાઝા પટ્ટીના ઘણા વિસ્તારોમાં આ ઉજવણી દરમિયાન નાના બાળકોના હાથમાં AK-47 જેવા ઘાતક હથિયારો જોવા મળ્યા છે. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેશ યુદ્ધમાં છે અને દુશ્મો આની કિંમત ચોક્કસ ચુકવવી પડશે.
એક ટેલિવિઝન સંબોધનમાં નેતન્યાહુએ તેમના દેશવાસીઓને કહ્યું કે આપણે યુદ્ધમાં છીએ… કોઈ ઓપરેશન અથવા રાઉન્ડમાં નહીં, પરંતુ યુદ્ધમાં છીએ. આજે સવારે હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો સામે ઘાતક આશ્ચર્યજનક હુમલો કર્યો છે. અમે આ સવારથી કામમાં જોડાઈ ગયા છીએ. ઈઝરાયલના વડા પ્રધાને કહ્યું, “મેં સુરક્ષા સંસ્થાઓના વડાઓને બોલાવ્યા છે અને પહેલા તે વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં આતંકવાદીઓ ઘૂસ્યા છે.”
જણાવી દઈએ કે હમાસના હુમલાઓને કારણે યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહેલા દેશ ઈઝરાયેલમાં સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે (ભારતીય સમયાનુસાર) જારી કરાયેલા અપડેટ અનુસાર હુમલામાં મૃત્યુઆંક 40 પર પહોંચી ગયો છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. હજારો રોકેટ હુમલા થયા છે તેથી મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.
આ દરમિયાન હમાસના સર્વોચ્ચ નેતા ઈસ્માઈલ હાનિયાએ કહ્યું છે કે અમે અલ-અક્સા મસ્જિદની સુરક્ષા માટે ઈઝરાયેલ સાથે યુદ્ધ લડી રહ્યા છીએ. અમારા અભિયાનનું નામ છે ‘ઓપરેશન અલ-અક્સા ફ્લડ’. આ પૂર ગાઝામાં શરૂ થયું હતું અને પશ્ચિમ કાંઠે અને વિદેશમાં ફેલાશે. ઇસ્માઇલ હાનિયા પશ્ચિમ કાંઠે હમાસના ટોચના નેતૃત્વ સાથે લાઇવ ટીવી પર ઇઝરાયેલ પરના હુમલાને જોતા અને તેમના લડવૈયાઓની જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
હમાસના સૈન્ય કમાન્ડર મુહમ્મદ ડેઇફે એક રેકોર્ડેડ સંદેશમાં કહ્યું કે આજે લોકો તેમની ક્રાંતિ પાછી મેળવી રહ્યા છે. તેમણે પૂર્વ જેરુસલેમથી ઉત્તર ઇઝરાયેલ સુધીના પેલેસ્ટાઈનીઓને લડાઈમાં જોડાવા, કબજેદારોને બહાર કાઢવા અને દિવાલો તોડી પાડવા માટે પણ હાકલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે હમાસે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર 5,000 થી વધુ રોકેટ છોડ્યા હતા. ઇઝરાયેલે રોકેટની સંખ્યા 2,200 થી વધુ હોવાનું જણાવ્યું છે. તેને ઓપરેશનલી અલ અક્સા ફ્લડ નામ આપવામાં આવ્યું છે. હમાસ કમાન્ડરે લોકોને ઈઝરાયલીઓ વિરુદ્ધ હિંસા કરવા માટે ઉશ્કેર્યા હતા અને કહ્યું હતું કે આપણે કબજે કરનારાઓના પગ નીચેથી જમીન લઈ લેવી જોઈએ.
અલ અક્સા મસ્જિદનો બદલો
મુહમ્મદ ડેઇફે તેમના 10 મિનિટના ભાષણમાં દાવો કર્યો હતો કે આ ઓપરેશન જેરુસલેમમાં ટેમ્પલ માઉન્ટ પર આવેલી અલ-અક્સા મસ્જિદની ઇઝરાયલની અપવિત્રતાનો બદલો છે. હમાસે ચેતવણી બાદ આની શરૂઆત કરી હતી. તેમએ જણાવ્યું હતું કે આ હુમલો ઇઝરાયેલે આ વર્ષે સેંકડો પેલેસ્ટાઈનીઓને માર્યા અને ઘાયલ કર્યા તેના જવાબમાં પણ હતો. તેમણે દાવો કર્યો હતો કે ઇઝરાયલે કેદીઓના બદલામાં હમાસના આતંકવાદીઓને છોડવાની ઓફરને ફગાવી દીધી છે. જેના કારણે હમાસને ઈઝરાયેલ પર હુમલો કરવાની ફરજ પડી છે.
MASના ડેપ્યુટી ચીફે ઇસ્લામિક દેશો પાસેથી મદદ માંગી
હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ-અરૌરીએ પણ આવું જ નિવેદન જારી કર્યું હતું. સાલેહ અલ-અરૌરીને પશ્ચિમ કાંઠે હમાસના નેતા માનવામાં આવે છે. તેમણે આરબ અને ઇસ્લામિક દેશોને “ઓપરેશન અલ-અક્સા ફ્લડ” માં જોડાવા માટે હાકલ કરી છે.
ટેમ્પલ માઉન્ટને લઈને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જૂનો વિવાદ
ટેમ્પલ માઉન્ટ સાઇટને યહુદી ધર્મમાં સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. કારણ કે તે બે બાઈબલના મંદિરોનું સ્થાન છે, જ્યારે અલ-અક્સા મસ્જિદ ઇસ્લામમાં ત્રીજું સૌથી પવિત્ર મંદિર છે જે આ વિસ્તારને ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષમાં મુખ્ય કેન્દ્ર બનાવે છે. આ સ્થળ પર બનેલી ઘટનાઓથી મોટી અથડામણો અને હિંસા ફાટી નીકળી છે. અહીં દાયકાઓથી ચાલતી યથાવત્ વ્યવસ્થા હેઠળ યહૂદીઓ અને અન્ય બિન-મુસ્લિમોને અમુક કલાકો દરમિયાન મુલાકાત લેવાની છૂટ છે પરંતુ તેઓ ત્યાં પ્રાર્થના કરી શકતા નથી. તાજેતરના વર્ષોમાં શાસક ગઠબંધનના સભ્યો સહિત યહૂદી ધાર્મિક રાષ્ટ્રવાદીઓએ આ સ્થળની વધુને વધુ મુલાકાત લીધી છે અને ત્યાં યહૂદીઓ માટે સમાન પ્રાર્થના અધિકારોની માંગણી કરી હતી જેનાથી સમગ્ર વિશ્વમાં પેલેસ્ટિનિયનો અને મુસ્લિમો નારાજ થયા છે.