Business

ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા, અંબાણી તો ટોપ ટેનમાં પણ નહીં

નવી દિલ્હી: ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીના (GautamAdani) નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના પાંચ સૌથી મોટા અબજપતિઓની યાદીમાં ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ જેવા દિગ્ગજોને પાછળ છોડીને ગૌતમ અદાણીએ આ સ્થાન પર કબજો જમાવ્યો છે.  આ પહેલીવાર છે જ્યારે કોઈ એશિયન વ્યક્તિએ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે. ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં (BlumbergBillionersIndex) 137 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. 

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સના રિપોર્ટ મુજબ અદાણી અબજોપતિની યાદીમાં વિશ્વમાં ટોપ થ્રીમાં સ્થાન જમાવ્યું છે. 137.4 અબજ ડોલર (11 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ ફ્રાન્સના બર્નાડ અરનોલ્ટને પાછળ છોડી દીધા છે. હવે ગૌતમ અદાણીથી આગળ માત્ર એલન મસ્ક અને જેફ બેજોસ જ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સની યાદીમાં પહેલા સ્થાને એલન મસ્ક છે. તેઓની નેટવર્થ 251 બિલિયન ડોલર એટલે કે અંદાજે 20 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે નંબર ટુ પર જેફ બેજોસ છે. બેજોસની સંપત્તિ 153 બિલિયન ડોલર એટલે કે 12 લાખ કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર થઈ ગયા
અદાણીના સૌથી નજીકના ભારતીય હરીફ મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ઘટાડો નોંધાયો છે. મુકેશ અંબાણી પતન સાથે ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં 11મા સ્થાને છે. બીજી તરફ ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ 20માં સ્થાને સરકી ગયા છે. મુકેશ અંબાણી ટોપ ટેનમાં સ્થાન મેળવી શક્યા નથી. 91.9 અબજ ડોલર (73.43 હજાર કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણી 11માં સ્થાને છે.

અદાણીની સંપત્તિ રોકેટ ઝડપે વધી રહી છે
ટોચના 5 અબજપતિઓની યાદીમાં ગૌતમ અદાણી એકમાત્ર એવા વ્યક્તિ છે જેમની સંપત્તિમાં વધારો નોંધાયો છે. તે જ સમયે, બાકીના ચાર અબજોપતિઓની નેટવર્થમાં ઘટાડો થયો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2022માં જ અદાણીની સંપત્તિમાં $60.9 બિલિયનનો વધારો થયો છે. આ અગાઉ ગયા મહિને બ્લૂમબર્ગ બિલિયોનર્સની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાને હતા. બિલ ગેટ્સના સ્થાને તેઓ ચોથા નંબરના અમીર વ્યક્તિ બન્યા હતા. એક મહિનામાં અદાણી એક ક્રમ ઉપર ચઢ્યા છે. 2022માં અદાણીની સંપત્તિમાં 60.90 અબજ ડોલરનો વધારો થયો છે, જે બીજા લોકોની સરખામણીએ પાંચ ગણી વધારે છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં અદાણીએ પહેલીવાર ફેબ્રુઆરી 2022માં મુકેશ અંબાણીને પછાડ્યા હતા. હાલમાં અદાણી જૂથની કંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડે વિશ્વપ્રધાન કોમર્શિયલ લિમિટેડનો 100 ટકા ઈક્વિટી હિસ્સો રૂ. 114 કરોડમાં હસ્તગત કર્યો હતો. આ હસ્તાંતરણ બાદ અદાણી ગ્રુપે NDTVમાં 29.18 ટકા હિસ્સો ખરીદવાનો મોકો લીધો હતો. ન્યૂઝ ચેનલમાં વધુ 26 ટકા હિસ્સાની ખરીદીની ઓપન ઓફર પણ મુકી હતી.

Most Popular

To Top