સુરત(Surat): પોલીસ કમિશનર (Commissioner of Police) વિનાનું સુરત શહેર (Surat City) જાણે અનાથ બન્યું હોય તેવી સ્થિતિ છે. પોલીસનું અસ્તિત્વ જ નહીં હોય તેમ ગુનેગારો બેફામ થયા છે. છેલ્લાં પંદરેક દિવસથી શહેરમાં છૂટક હત્યાના (Murder) બનાવો બનતા હતા, પરંતુ આજે તા. 11 એપ્રિલે શહેરમાં જાહેર માર્ગ પર સરાજાહેર જે રીતે હત્યા થઈ છે તેને શહેરીજનોને ચોંકાવી દીધા છે. હત્યાના આ બનાવ સાથે જ શહેરમાં ગેંગવોર (Gang War) ફાટી નીકળી હોવાનું ચિત્ર ઉભું થયું છે.
આજે સુરત શહેરમાં જાહેર માર્ગ પર લોકોની નજર સામે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. યુવકનો હાથ કાપી નાંખ્યા બાદ દોડાવી દોડાવી તેની ગળું કાપી હત્યા કરાઈ હતી. યુવકનો કપાયેલો હાથ અને લાશ કલાકો સુધી રસ્તા પર પડી રહી હતી આ રસ્તા પર પડેલો કપાયેલો હાથ જોઈ શહેરીજનો કાંપી ઉઠ્યા હતા.
ફિલ્મોમાં જોવા મળતા ગેંગવોરના દ્રશ્યો વાસ્તવિકતામાં જોઈ શહેરીજનો થરથર ધ્રુજી ઉઠ્યા હતા. ઉધના વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. બીજી તરફ મૃત યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જાહેર માર્ગ પર પરિજનોના વિલાપથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
આ કેસની વધુમાં મળતી વિગત અનુસાર મૃત યુવકનું નામ ભજન સરદાર (Bhajan Sardar) હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવાય છે કે ભજનસિંગ ચીકલીગર ઉર્ફે ભજન સરદારનો બે મહિના પહેલાં બુટલેગર ભાઉ સરદારના જમાઈ સિંગોડી સરદાર અને તેના માણસો સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી આજે બદલો લેવાના ઈરાદે ભજન સરદાર પર ભાઉ સરદારના માણસોએ તલવારથી હુમલો કર્યો હતો.
ભજન સરદાર આજે બપોરે પોતાની બહેનના ઘર પાસેથી નીકળ્યો હતો ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર પાસે ભાઉ સરદાર અને તેના માણસોએ ભજન સરદારની સ્કોર્પિયોને બ્લોક કરી દીધી હતી અને તલવાર લઈ તેની પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોથી બચવા ભજન સરદાર ભાગ્યો હતો, ત્યારે ખુલ્લી તલવાર લઈ હુમલાખોરો તેની પાછળ દોડ્યા હતા અને દિનદહાડે જાહેર માર્ગ પર હાથ, પગ અને ગળું કાપી ભજન સરદારની ઘાતકી હત્યા કરી હતી.
સાતથી આઠ હુમલાખોરોએ ભજન સરદારને રસ્તા પર પાડી દઈ રહેંસી નાંખ્યો હતો, જેના લીધે રસ્તા પર માંસના લોચા અને લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ભજન સરદારની હત્યા કર્યા બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. મર્ડને નજરોનજર જોનારા લોકોની કંપારી છૂટી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
સ્કોર્પિયો આંતરી ભજનસિંગની હત્યા થઈ
મૃતક ભજનસિંગના નાનાભાઈ અર્જુનસિંગે કહ્યું કે, મોટા ભાઈ ભજનસિંગની દગાથી હત્યા કરાઈ છે. ભાઉસિંગની ગેંગ દ્વારા આ મર્ડર કરાયું છે. આગળ બોલેરો અને પાછળ પણ વાહનો ઉભા રાખી મારા ભાઈની સ્કોર્પિયોને આંતરી લેવામાં આવી હતી ત્યાર બાદ ભાઉસિંગ, સોનુસિંગ, ગોપાલ સહિતના લોકોએ ઘેરી લઈ મોતને ઘાટ ઉતાર્યો છે. ભાઉ પોતાના ઘરમાં માણસો રાખે છે. દારૂ, ભૂંડ સહિતની ગેરકાયદે પ્રવૃતિ કરતો હોવાના આક્ષેપ વધુમાં તેણે કર્યા હતાં.
બે મહિના જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ
પોલીસ સૂત્રોએ કહ્યું કે, બે મહિના પહેલાં મૃતક ભજનસિંગ મહારાષ્ટ્રના પુણે ગયો હતો. ત્યાં ઝઘડો થયો હતો. કિરપાણ જેવા હથિયારથી ભજનસિંગે ત્યારે હુમલાખોરોને ઈજા પહોંચાડી હતી. તે વાતની અદાવત રાખીને હુમલાખોરે કાવતરું ઘડી હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રની અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતાં હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.