ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે રાજ્યમાં (Gujarat) 93 તાલુકાઓમાં હળવાથી ભારે કમોસમી વરસાદ (Unseasonal rains) થયો છે. શીત લહેરની અસર હેઠળ રાજ્યમાં ઠંડીના (Winter) પ્રમાણમાં વધારો થયો છે. જ્યારે કચ્છના નલીયામાં (Kutch Naliya) ગુરૂવારે 14 ડિગ્રી ઠંડી (Cold) નોંધાવવા પામી છે.
- 21મી નવે. સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની ચેતવણી યથાવત: રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલીયામાં 14 ડિગ્રી
- રાજ્યમાં સૌથી વધારે નર્મદાના તિલકવાડામાં પડ્યો: ખેડૂતોના રવિ સીઝનના પાકને નુકસાન
- અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું
રાજ્યમાં સૌથી વધારે નર્મદાના તિલકવાડામાં (Narmada Tilakwada) 3 ઈંચ જેટલો વરસાદ ઝીંકાયો છે. તે પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. તિલકવાડામાં 3 ઈંચ, ઈડરમાં 2.6 ઈંચ (66 મી.મી.), વડાલીમાં 2.4 ઈંચ (60 મી.મી.), મહેસાણાના ખેરાલુમાં સવા બે ઈંચ (52 મી.મી.), ખેડબ્રહ્મામાં 46 મી.મી., સતલાસણામાં 40 મી.મી., પોશીનામાં 38 મી.મી., વિજયનગરમાં 31 મી.મી., રાધનપુરમાં 29 મી.મી., પાટણના સાંતલપુરમાં 29 મી.મી., નર્મદાના નાંદોદમાં 28 મી.મી. , ઊંઝામાં 28 મી.મી., સુરતના બારડોલીમાં 27 મી.મી., વાપીમાં 26 મી.મી., વડનગરમાં 25 મી.મી. વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત દિવસ દરમિયાન 1 ઈંચથી ઓછો વરસાદ થયો હોય તેમાં કાંકરેજ, હારીજ, ચાણસ્મા, બેચરાજી, ભરુચ, કડી, પાટણ, દાંતા, શંખેશ્વર, પાલનપુર, સિદ્દપુર, વિસનગર, દીયોદર, વડગામ, દેહગામ, કુકરમુંન્ડા, વઘાઈ, કપરાડા, સમી, ભાભર ખાતે પણ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજયના વિવિધ ભાગોમાં માવઠુ થયું હતું. માવઠાના કારણે રાજ્યમાં ખેડૂતોના રવિ પાકને નુકસાન થયું છે. તેવી જ રીતે વરસાદની સાથે શીત લહેરની અસર પણ જોવા મળી છે.
વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ તથા દા.ન.હ.માં રાત્રે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો
વડોદરા, ભરુચ, સુરત, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલીમાં રાત્રીના સમયે પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના પગલે વરસાદ પણ થયો હતો. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે માવઠાની સાથે રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 23 ડિ.સે., ગાંધીનગરમાં 21 ડિ.સે., ડીસામાં 21 ડિ.સે., વડોદરામાં 21 ડિ.સે., સુરતમાં 25 ડિ.સે., વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 21 ડિ.સે., નલિયામાં 14 ડિ.સે., અમરેલીમાં 22 ડિ.સે., ભાવનગરમાં 23 ડિ.સે.,રાજકોટમાં 22 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 22 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.