Gujarat

ગુજરાતની 25 બેઠકો પર મતદાનને પગલે કડક સુરક્ષા, 25 હજારથી વધુ મતદાન મથકોથી થશે લાઈવ વેબકાસ્ટિંગ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં 7મી મે ના રોજ ગુજરાતની (Gujarat) 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાનર છે ત્યારે આ મતદાનને લઈ રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં જુદા જુદા મતદાન કેન્દ્રો પર મતદાન કરશે. રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

  • આજે મતદાનને પગલે રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
  • SPGની ટીમે મતદાન મથકની મુલાકાત લીધી
  • રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે
  • વડાપ્રધાન અમદાવાદના રાણીપમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે જ્યારે અમિત શાહ નારણપુરામાં એએમસી સબ ઝોનલ કચેરી ખાતે મતદાન કરશે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદમાં મતદાન કરનાર હોવાથી સુરક્ષાની ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરનાર છે તે મતદાન મથકે એસપીજીની ટીમ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. મતદાન કેન્દ્રની આસપાસના તમામ વિસ્તારો તેમજ મતદાન રૂમમાં પણ એસપીજી દ્વારા સુરક્ષાની ચકાસણી કરવામાં આવી હતી. તેવી જ રીતે નારણપુરામાં પણ મતદાન મથકની સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવી હતી.

રાજ્યભરમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા વધારી છે. મતદાનમાં કોઈ પણ વ્યક્તિ અડચણ ન ઊભી કરે તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક તત્વો કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે માટે તેઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ જો કોઈ પણ જગ્યાએ મતદાનમાં કોઈ અવરોધ રૂપ બને તો તેની સામે તાત્કાલિક પગલાં ભરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યા છે.

ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત
ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં આશરે 90 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ તા. 7 મે ના રોજ સવારે 5.30 વાગ્યાથી શરૂ કરી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. સાત જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

Most Popular

To Top