ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર નજીક આવેલા પેથાપુરની સ્વામીનારાયણ ગૌ શાળા નજીક એક માસૂમ બાળકને (Child) તરછોડી દેવાની ઘટનામાં પોલીસ દ્વ્રારા ધરપકડ કરાયેલા બાળકના પિતા સચીન દિક્ષિતને (Sachin Dixit) સોમવારે પોલીસ (Police) દ્વ્રારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ અરજી પર સુનાવણી બાદ સ્પે. કોર્ટ દ્વ્રારા આરોપી સચિનને 14મી નવે. સુધીના રિમાન્ડ પર પોલીસને સુપ્રત કરાયો છે. સચિનની સામે બાળકને તરછોડી દેવાનો અને પત્નીની હત્યાનો ગુનો દાખલ થયો છે.
પોલીસ દ્વ્રારા સચિનની પુછપરછમાં એવો ખુલાસો થયો હતો કે,સચિને તેની પ્રેમિકા મહેંદી ઉર્ફે હિનાની હત્યા કરી નાંખી હતી. સચિન તેની લાશ કારમાં મૂકીને તેને નાશ કરવા લઈ જવાનો હતો પણ તેને ઉચકી નહીં શકતા તે લાશને રસોડામાં બેગમાં પેક કરીને મૂકીને બાળક શિવાંશને લઈને ગાંધીનગર આવ્યો હતો. એટલું જ નહીં બાળકને ગૌશાળાની બહાર મુકી ત્યાંથી તે કોટા તરફ નાસી છૂટયો હતો. જો કે સીસીટીવી ફૂટેજના આધારે સચિનની કાર ઓળખાઈ જતાં તેને ઝડપી લેવાયો હતો.
સ્પે. કોર્ટ સમક્ષ ગાંધીનગર પોલીસ દ્વ્રારા એવી રજૂઆત કરાઈ હતી કે કયા કારણોસર સચિનને તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી? કેવી રીતે સચિન તેના પુત્ર શિવાંશને ગાંધીનગર લાવ્યો? મહેંદીની લાશનો કયાં નિકાલ કરવાનો હતો? સચિન તથા પ્રેમિકા મહેંદી ક્યારે તથા કયાં મળ્યા હતા? આ તમામ બાબતોના પુરાવા એકત્ર કરવાના હોવાથી તેને ગાંધીનગર તથા વડોદરા લઈ જવો પડશે. આ માટે રિમાન્ડની જરૂરત છે. ગાંધીનગરના એસપી મયૂર ચાવડાએ કહયું હતુ કે હજુ સુધી સચિનના માતા- પિતા દ્વ્રારા બાળક શિવાંશની કસ્ટડી માંગવામા આવી નથી. સચિન બાળકને ગાંધીનગર ગૌશાળા પાસે મૂકીને તેની પત્ની અનુરાધા સાથે શોપિંગ મોલમાં ખરીદી કરવા ગયો હતો. તે પછી તે નાસી છૂટયો હતો.
પેથાપુરની ગૌશાળા પાસે સચિનને લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
એક માસુમ બાળકને તરછોડી દેવાની ઘટનાની તપાસ કરી રહેલી પોલીસ ટીમ સોમવારે સચિનને પેથાપુરની ગૌ શાળા પાસે લઈ ગઈ હતી. જયાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતુ. સીનીયર પોલીસ અધિકારીએ કહયું હતું કે સમગ્ર ઘટનાની તપાસમાં સચિન પોલીસને પૂરતો સહકાર આપતો નથી. કોર્ટ દ્વ્રારા 14મી નવે. બપોર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા. તપાસમાં હજુ સચિનનો મોબાઈલ ફોન પણ કબ્જે લેવાનો બાકી છે. સચિનને ભાગવામાં કોણે કોણે મદદ કરી તે બાબતે પણ પુછપરછ કરવાની છે.