Gujarat

તૂટેલા રસ્તાઓની મળેલી ફરિયાદોમાંથી 90 ટકા ફરિયાદનો નિકાલ કરી દેવાયો- માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી

સુરત: (Surat) સુરતમાં વરસાદ અટક્યા બાદ પણ હાલ શહેરના રસ્તાઓની (Roads) હાલત જેમની તેમ છે. તંત્ર રસ્તાઓની કામગીરી લગભગ પૂરી થવાની વાત કરી રહી છે ત્યારે કયા રસ્તાઓનું રિપેરિંગ થયું છે તે બિલ્લોરી કાંચ લઈને શોધવું પડે તેવી સ્થિતિ છે. સુરતના ખાડાઓ હજી પુરાયા નથી તેવામાં કેબિનેટમંત્રી પૂર્ણેશ મોદીએ (Cabinet Minister Purnesh Modi) આપેલ રસ્તાઓના રિપેરિંગ અંગેના નિવેદને વિવાદ સર્જયો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અને યાત્રા ધામ વિકાસના મંત્રી પુર્ણેશ મોદીએ ગઈકાલની જન આર્શિવાદ યાત્રા બાદ સોમવારે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે વરસાદ બાદ પડેલા ખાડાની (Pits) સમસ્યા 90 ટકા દુર થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તાર, હાઈવે સિવાયના વિભાગમાં આવતા ખાડાની જે ફરિયાદ મળી હતી તેમાંથી 90 ટકા ફરિયાદનો નિકાલ થયો છે અને બાકીની દસ ટકા ફરિયાદનું નિરાકરણ થઈ રહ્યું છે.

ચોમાસા દરમિયાન રાજ્યના રસ્તાઓ બિસ્માર બન્યા હતા. તેને લઈને માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા તમામ ફરિયાદો પોતાના વોટસએપ પર મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર અમારા વિભાગ દ્વારા વરસાદ જ્યારે પણ થોડા સમય માટે રોકાયો હતો ત્યારે રસ્તા રિપેરિંગની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી હતી. તેના પરિણામે અમે 90 % જેટલા રોડ રસ્તાઓ રીપેરીંગની કામગીરી પૂર્ણ કરી શક્યા છે.

પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, તેમના મંત્રાલયમાં જે પાંચ વિભાગ છે તે તમામ વિભાગની ફરિયાદ લોકો ઘર બેઠા કરી શકે તે માટે એક એપ્લીકેશન બનાવી છે. આ એપ્લીકેશનનો ઉપયોગ કરી લોકો ફરિયાદ કરશે તો મંત્રાલય દ્વારા આ ફરિયાદ પર ગંભીરતાથી ધ્યાન આપીને ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. લોકોની ફરિયાદના નિરાકરણ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને તેઓએ ફરિયાદ કરવા ઓફિસ કે ગાંધીનગર સુધી આવવાની જરૂર રહેશે નહીં.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ડાંગના સુબિર વિસ્તાર જ્યાં ભગવાન રામ અને શબરીમાતાનુ મિલન દશેરાના દિવસે થયું હતું ત્યાં આ વર્ષે દશેરા ઉત્સવનું આયોજન કરવામાં આવશે. ભગવાન રામને શબરી માતા જ્યાં મળ્યા હતા તે સ્થળ અંગેની વધુ માહિતી લોકોને મળે અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તેવું આયોજન પણ થઈ રહ્યું છે. અહીં દશેરા મહોત્સવમાં મહા આરતી, રાવણ દહન સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે.


Most Popular

To Top