ગાંધીનગર: ઉડાન યોજના હેઠળ જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ ખાતે એરપોર્ટ (Airport) ઓથોરિટી દ્વારા રૂપિયા 25 કરોડના ખર્ચે એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેનું આવતીકાલ 16મી એપ્રિલ- 2022ના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન કરશે. કેશોદ વિમાની મથકેથી સપ્તાહમાં ત્રણ દિવસ કેશોદ- મુંબઈ- કેશોદ વચ્ચે વિમાની સેવાનો લાભ મળશે
કેશોદ એરપોર્ટના નવીનીકરણથી સૌરાષ્ટ્રમાં વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સાથે સાથે વિમાની સેવાનો પ્રારંભ થતાં દેશ-વિદેશના પ્રવાસીઓને મુસાફરીમાં વધુ લાભ મળશે. જુનાગઢ જિલ્લા અને તેની આસપાસના પ્રવાસન સ્થળો પર આવતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે, અને પ્રવાસનને વેગ મળશે. સાસણ, ગીર, ગિરનાર, સોમનાથ અને દિવ વચ્ચે ટુરીઝમ સર્કીટના વિકાસમાં પણ કેશોદની આ વિમાની સેવાનો ફાળો મહત્વનો સાબીત થશે.