ગણદેવી : ગણદેવી (Gandavi) પોલીસે ( Police) બાતમીના આધારે સેલવાસ ( Selvas) થી કામરેજ( Kamrej) તરફ જતી વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારને (Car ) ૭ કીમી સુધી ફિલ્મી ઢબે પીછો કરી સાલેજ ગામ પાસેથી ઝડપી હતી. જેમાંથી પોલીસે 75 હજારનો વિદેશી દારૂ મળી આવતા 2 ને ઝડપી પાડ્યા હતા. જયારે અન્ય 2 ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસ પેટ્રોલિંગમાં હતી.. દરમિયાન બાતમી મળી હતી કે, સિલ્વર રંગની સ્કોડા કારમાં સેલવાસથી વિદેશી દારૂ ભરી ગણદેવી અજરાઈ થઇ સુરત કામરેજ તરફ જનાર છે.
ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ સાલેજ માયાતલાવડી નહેર પાસે તે કારને આંતરી કોર્ડન કરી
બાતમી આધારે પોલીસે ગણદેવી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી સ્કોડા કાર આવતા પોલીસે ઉભી રાખવા તેને ઇશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી દીધી હતી. જેના પગલે પોલીસે તે કારનો પીછો કર્યો હતો. 7 કીમી ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ સાલેજ માયાતલાવડી નહેર પાસે તે કારને આંતરી કોર્ડન કરી હતી. જેમાંથી પોલીસને 75,600 રૂપિયાની વિદેશી દારૂની 90 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના પારડી મોટી તંબાડી ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા હેમુનભાઈ અરવિંદભાઈ પટેલ અને પારડીના નાની તંબાડીમાં રહેતા કેતન પ્રવિણભાઇ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે હેમુનભાઈ અને કેતનભાઈની પૂછપરછ કરતા સંદીપ છોટુ પાંડેએ દારૂ ભરાવી આપ્યો હતો અને મોહસીમે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે સંદીપ અને મોહસીમને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 1.50 લાખની કાર અને 5500 રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 2,31,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ગણપતિ બાપ્પાના વિસર્જનની પૂર્વ સંધ્યાએ ગણદેવીમાં પોલીસની ફ્લેગ માર્ચ
ગણદેવી : ગણદેવીમાં ગણેશ વિસર્જન યાત્રા સુચારૂ પાર પાડવા ડીવાયએસપી-1, પીએસઆઇ-2 સહીત કુલ 141 જવાનોનો કાફલો તૈનાત કરાયો હતો. પોલીસે ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ફ્લેગ માર્ચ કરી હતી.
ગણદેવીમાં વિવિધ મંડળોએ ગણેશોત્સવ પર્વે ગણપતિ બાપાની સ્થાપના કરી હતી. વિધ્નહર્તા દુંદાળા દેવની 10 દિવસ પૂજા અર્ચના બાદ શુક્રવારે ગણપતિ બાપ્પા મોર્યાના ગગનભેદી નાદ સાથે વિસર્જન યાત્રા નીકળશે. જેને સુચારૂ રીતે પાર પાડવા ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારની ગણદેવી પાલિકા અને 40 ગામોમાં ડીવાયએસપી, પીએસઆઇ-2, પોલીસ-35, હોમગાર્ડ 50, જીઆરડી-45 અને ટીઆરબી 9 તૈનાત કરાયા છે.
નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન જોષીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી ગણદેવી ચાર રસ્તા સર્કલથી બસસ્ટેન્ડ, બંધારા પૂલ થઈ બીલીમોરા જતો આવતો માર્ગ પ્રતિબંધિત કર્યો હતો. જે અંગે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ગણદેવી ચાર રસ્તાથી ધનોરી નાકા સુગર ફેકટરી રોડ થઈ બીલીમોરા જવા આવવાનો માર્ગ જાહેર કર્યો છે. દરમિયાન ગુરૂવાર સાંજે ગાજવીજ, કડાકા ભડાકા અને પવન સાથે વરસાદી ઝાપટું તૂટી પડતા ગણેશ આયોજકોમાં દોડધામ મચી હતી. ગણદેવી વેગણિયા નદી ઓવારે વિસર્જન માટે પાલિકાએ તૈયારીઓ કરી લીધી હતી.