આણંદ : આણંદ શહેરના વધતા ટ્રાફિકના ભારણને પહોંચી વળવા માટે બોરસદ ચોકડી પર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેમાં સર્વિસ રોડ માટે નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં દુકાનો હટાવ્યાં બાદ મંગળવારે બળિયાદેવ મંદિર હટાવવા જેસીબી સાથે તંત્ર પહોંચ્યું હતું. જોકે, સ્થાનિક લોકોએ વિરોધ કરતાં કામગીરી અટકી પડી હતી. આખરે સમજાવટથી કામ લઇ મંદિર હટાવવામાં આવ્યું હતું. જોકે, જ્યાં સુધી મંદિરની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેને લોટેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ સ્થાપવામાં આવી છે.
આણંદ શહેરની બોરસદ ચોકડી પરના રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થવા આવી છે. હાલ તેના સર્વિસ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રોડને નડતરરૂપ દુકાન અને ધાર્મિક દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે. ત્રણેક દિવસ પહેલા 42 જેટલી દુકાન અને નડતરરૂપ કોમ્પ્લેક્સનો ઓટલો તોડી પાડવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે બળિયાદેવ મંદિરમાં ધાર્મિકવિધિ બાકી હોવાથી તેને ન તોડવાનો નિર્ણય લીધો હતો અને બે દિવસની મુદત આપવામાં આવી હતી.
આ મુદત મંગળવારે પૂર્ણ થતાં વહીવટી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું હતું. જોકે, આસપાસના લોકો ભેગા થયા હતા અને મંદિર તોડતા પહેલા વૈકલ્પિક જગ્યા આપવા માગણી કરી હતી. આ સમયે કોઇએ નજીકનો પાલિકાના પ્લોટની ભલામણ કરતાં ત્યાં મૂર્તિ સ્થાપવના તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, આ પ્લોટ વિવાદીત હોવાથી કામગીરી અટકાવતા મામલો વધુ ગરમ થયો હતો. આખરે દોડી આવેલા ઉચ્ચ અધિકારીઓએ મામલાને થાળે પાડી વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી મૂર્તિનું લોટેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપના કરાવ્યું હતું અને ઝડપથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી. બાદમાં મંદિર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકીય નેતાઓએ ફોન રિસિવ ન કરતાં લોકો ભડક્યાં
બળિયાદેવ મંદિર તોડવાની કામગીરી અટકાવવા આસપાસના લોકો મોટી સંખ્યામાં ધસી આવ્યાં હતાં. તેમને સમજાવવા મુશ્કેલ હતાં. આ સમયે રાજકીય નેતાઓ દરમિયાનગીરી કરે તે માટે ફોન જોડ્યાં હતાં. પરંતુ કોઇ રાજકીય નેતાએ ફોન રિસિવ ન કરતાં લોકો વધુ રોષે ભરાયાં હતાં.
આણંદ પાલિકાના પ્લોટ પર કાયદાકીય લડાઇ ચાલી રહી છે
આણંદ પાલિકાની માલિકીનો પ્લોટ નજીકમાં જ આવેલો છે. જોકે, આ પ્લોટ પર દસેક વરસ પહેલા પાલિકાએ શોપીંગ સેન્ટર બનાવવાનું નક્કી કર્યું હતું અને કોઇ પણ ટેન્ડરીંગ વગર બારોબાર કામ પણ સોંપાઇ ગયું હતું. જેના કારણે ભ્રષ્ટાચારની ગંધ આવતા જાગૃત નાગરિક તાત્કાલિક કલેક્ટરમાં પહોંચ્યાં હતાં અને સ્ટે લાવ્યાં હતાં. જેના કારણે હાલ આ પ્લોટ વિવાદીત છે.