આણંદ: કોરોના રસીકરણનો સમગ્ર રાજય સહિત રાજયમાં તા.૧૬મીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોના સામેના યુધ્ધમાં જીવનને હોડમાં મૂકી કોરોનાના દર્દીઓની સારવારમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર આરોગ્ય કર્મીઓને પ્રથમ તબકકે કોરોનાની વેકિસન આપવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં તા. ૧૬મીના રોજ કોરોના વેકિસનનો જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નર્મદા વિકાસ રાજય મંત્રી યોગેશભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કોરોના વેકિસનનો પ્રારંભ થતાં તા.૧૬મીના રોજ આણંદના તબીબ ડૉ. ભરત પટેલ અને આણંદની જનરલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ નર્સ તરીકે ફરજ બજાવતા વર્ષાબેન પટેલે કોરનાની વેકિસન મૂકાવી હતી. જયારે આજે ડૉ. જયેશ પટેલ અને ડૉ. નિલેશ ટાંકે કોરોનાની વેકિસન લીધી હતી.
કોરોનાની આ વેકિસન લેનાર તબીબો અને આરોગ્ય કર્મીઓનો એક જ સૂર હતો કે આ રસીની કોઇ આડઅસર નથી, કોઇ તકલીફ નથી, રસી લીધા બાદ કોઇ કોમ્પ્લીકેશન થયેલ નથી કે કોઇ દુ:ખાવો થયો નથી.
સામાન્ય રીતે જેમ છોકરાઓને રસી આપવામાં આવે છે અને સામાન્ય તાવ આવે છે તેમ જો આ રસીમાં સામાન્ય તાવ આવે તો તેને આડઅસર ન કહેવાય, કોઇ ગંભીર આડઅસર પણ જોવા મળેલ નથી જેથી જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, ખોટા ભ્રમમાં ન આવી જવું અને ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ અને રસી મૂકાવવી જોઇએ.
આ રસી સારી રીતે સક્ષમ રીતે આપવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના નાગરિકોએ આ રસી સેઇફ હોઇ રસી મૂકાવીને સુરક્ષિત થવું જોઇએ તેમ પણ આ તબીબોએ જણાવ્યું છે.