સુરત(Surat): હાલમાં પવિત્ર રમજાન (Ramzan) મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમ (Muslim) બિરાદરો રોજા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યાં છે ત્યારે સુરતમાં આ પવિત્ર દિવસોમાં એક હિચકારી ઘટના બની છે. શહેરના લિંબાયત વિસ્તારમાં મસ્જિદની બાજુમાં લોહીની છોળો ઉડી છે. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે રાત્રે લિંબાયતના નુરાની મસ્જિદ પાસે હત્યાનો (Murder) બનાવ બન્યો હતો. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી એક મિત્રએ બીજા મિત્રને રહેંસી નાંખ્યો હતો. ઘાતક જીવલેણ હત્યારથી હુમલો કરી મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હુમલામાં મૃતકનો ભાઈ ઈજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સ્મીમેરમાં સારવાર અર્થે ખસેડાયો છે. મૃતક શહેબાજની લાશને પોસ્ટમોર્ટમ માટે સુરત સ્મીમેરમાં ખસેડી લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક શહેબાઝના ભાઈ અરબાજ ખાને લિંબાયત પોલીસને ફરિયાદ આપી છે. અરબાજ ખાને લખાવેલી કેફિયત અનુસાર પોતે લિંબાયતના આઝાદ ચોક પાસે માતા-પિતા અને ચાર ભાઈઓ સાથે રહે છે. પિતા સંચાખાતામાં મજુરી કરે છે. પોતે સાડી કટિંગનું કામ કરે છે. માતા ઘરકામ કરે છે. જ્યારે ચાર ભાઈમાં બીજા નંબરનો શહેબાઝ ખાન (ઉં.વ. 23) અને શોયેબ (ઉં.વ. 19) પાર્સલ ઉપાડવાની મજૂરી કરે છે. સૌથી નાનો અર્શદ છે. ત્રણેય નાના ભાઈના લગ્ન થયા નથી.
ગઈ તા. 31 માર્ચની સાંજે 7 વાગ્યે ઇફતારી બાદ નુરાની મસ્જિદ ખાતે નમાજ પઢવા ગયા હતા ત્યારે નાનો ભાઈ શહેબાઝ તેના મિત્ર ફૈઝલ સાકીર શેખ જે સુગરાનગર લિંબાયત રહે છે. તેની સાથે બેઠો હતો. રાત્રે પોણા નવ વાગ્યાના સમયે ઘરની નીચે બુમાબુમ થતા દોડીને ગયા હતા ત્યારે ગલીના નાકે જોધપુર સ્વીટ એન્ડ બેકરી નામની દુકાનના ઓટલા પર જ્યાં શહેબાઝ ખાન અને તેના મિત્રો બેઠા હતા ત્યાં ઝઘડો થઈ રહ્યો હતો.
શહેબાઝ અને તેના મિત્ર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આમીન કાલુ એ શહેબાઝને ચપ્પુ જેવું તિક્ષ્ણ હથિયાર પેટમાં મારી દીધું હતું. છોડાવવા જતા આમીન કાલુએ ફૈઝલને પણ ડાબા હાથ અને પેટની ડાબી બાજુ ચપ્પુ માર્યું હતું. ત્યાર બાદ આમીન કાલુ ભાગી ગયો હતો. શહેબાજના આંતરડા બહાર નીકળી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહેબાજનું મૃત્યુ થયું હતું. સમીર અને આમીન કાલુએ તેની બહેન સાથે શહેબાઝના પ્રેમસંબંધ હોવાની શંકા રાખી તેની હત્યા કરી છે.