ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, સાથે ઉત્તમ બંધારણ છે. બંધારણમાં દેશના નાગરિકોને અનોખી વાણી સ્વતંત્રતા મળી છે. કેટલાય લોકો સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા છે એમ સમજીને વાણી-વિલાસ કરે છે. આમ કરનારાઓની સંખ્યા મોટી છે. બેફામ લવારો કોઈને ગમતો નથી. ક્યારેક જાહેરમાં ન બોલવાના શબ્દો- વાક્યોનો પ્રયોગ થતો હોય છે, જે સાંભળવા ખટકે છે. જાહેર જીવનમાં કાર્યરત વ્યક્તિઓ આ બાબતે વધારાની છૂટ લેવામાં મોખરે છે.
સ્વચ્છંદ બની જાહેરમાં ગાળાગાળી કરવી, હાથ ઉપડવો જેવા કરતુત શોભસ્પદ નથી જ. ખોટું બોલે, તેને સાચવવા બીજા દિવસે સ્પષ્ટીકરણ પણ કરે, અંતે માફી સુધી વાત પહોંચી જતી હોય છે. આવા સંજોગોમાં શબ્દોની ભારે કિંમત ચૂકવવી પડે છે. સારું અને મધુર બોલો જે અન્યોને સાંભળવું ગમે. કેટલીકવાર તો એમ થાય કે વકતાને આયોજકોએ ઓછો સમય ફાળવ્યો છે. જો કે વક્તા સમય પાલન કરે તે પણ ઇચ્છનીય છે.જરૂરિયાત જેટલું બોલો, વાણીમાં યોગ્ય શબ્દોની પસંદગી કરો તે સમયની માંગ છે. સારા વકતાને સારા શ્રોતાઓ મળી રહે છે અને વક્તવ્યને આનંદથી વધાવે છે.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.