આણંદ : પેટલાદમાં રેડીમેટ કપડાંનો હોલસેલ વેપાર કરતાં દુકાનદારને અમદાવાદના શખસે રૂ.3.19 લાખનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર પ્રમાણે દુકાનદારે માલ મોકલી આપ્યો હતો. પરંતુ આ વેપારીએ નાણા ચુકવ્યાં નહતાં. આ અંગે રૂ.3.19 લાખની છેતરપિંડીની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. પેટલાદની મધુવન પાર્ક સોસાયટીમાં રહેતા અને બ્રીજ એવન્યુ શોપીંગ સેન્ટરમાં રેડીમેડ કાપડનો હોલસેલ વેપાર કરતાં દિવકુમાર અશોકભાઈ કેવલ રામાણી સાથે રૂ.3.19 લાખની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. દિવકુમારનો પરિચય હાર્દીકભાઈ શાહ (રહે.અમદાવાદ) નામના વેપારી સાથે પરિચય થયો હતો.
હાર્દિકભાઈ અવાર નવાર પેટલાદ આવતા હતા અને દિવકુમાર પાસેથી માલ ખરીદતાં હતાં. હાર્દિકભાઈની રાયપુરમાં કોટન હબ નામની રેડીમેઇડ કપડાંની દુકાન આવેલી છે. તેમની દુકાનમાં ભાવેશ રાજેશભાઈ જૈન (રહે.અમદાવાદ) પણ નોકરી કરતાં હતાં. પેટલાદ ખાતે હાર્દિકભાઈ સાથે ક્યારેક ભાવેશ જૈન પણ આવતો હતો. જેથી તેમની સાથે દિવકુમારને પરિચય થયો હતો. આ પરિચયનો લાભ લઇ ભાવેશે ઓગષ્ટ મહિનામાં દિવકુમારને 5313 ટી શર્ટ કિંમત રૂ.4,51,605, 1068 જીન્સ પેન્ટ કિંમત રૂ.3,63,120 અને 285 શર્ટ કિંમત રૂ.71,250 અસારવા અભિષેક એસ્ટેટમાં માલ મોકલી આપવા જણાવ્યું હતું.
આથી, દિવકુમારે બે ટેમ્પીમાં મોકલી આપ્યો હતો. જ્યાં આ માલ પેટેની રકમ આરટીજીએસ કરી આપવા ભાવેશે વાયદો કર્યો હતો. જોકે, એક ટેમ્પામાં ભરેલો રૂ.3,19,961નો માલ તેમના સુધી પહોંચી ગયો હતો. બાદમાં તેઓએ ફોન રિસિવ કરવાનો બંધ કરી દીધો હતો. આથી, કંઇક ગડબડ લાગતા દિવકુમારે તાત્કાલિક બીજા ટેમ્પાના ચાલકને ફોન કરી માલ ન આપવા જણાવી દીધું હતું. આ વાતને એક મહિનો થવા છતાં ભાવેશે વાયદા પ્રમાણે રૂ.3.19 લાખની રકમ ચુકવી નહતી. આથી, દિવકુમારે આ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.