SURAT

મોબાઈલ પર આવેલો મેસેજ જોઈ સચીનની મહિલા હાંફળીફાંફળી થઈ, બધું કામ પડતું મૂકી દોડી

સુરત : સચિનમાં એટીએમમાં રૂપિયા નીકળતા નહીં હોવાનું કહીને અજાણ્યાએ એક મહિલાના ખાતામાંથી રૂા. 50 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તાપી જિલ્લાના વતની અને સુરતના સચિનના સુડા સેક્ટરમાં રહેતા હિનાબેન બિતેશભાઇ ગામિત સંચા ખાતામાં નોકરી કરે છે. હિનાબેન સચિન સ્લમબોર્ડ વિસ્તારમાં આવેલા હીતાચી કંપનીના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા, પરંતુ રૂપિયા ઉપડ્યા ન હતા. આ દરમિયાન ત્યાં એક યુવક આવ્યો હતો. આ યુવકે હિનાબેનને રૂપિયા છે કે નહીં..? તેમ પુછ્યું હતું. ત્યારબાદ અજાણ્યાએ હિનાબેનનું એટીએમ કાર્ડ અને પાસવર્ડ નાંખીને રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રૂપિયા નીકળ્યા ન હતા. હિનાબેન એટીએમ કાર્ડ લઇને ઘરે ચાલ્યા ગયા હતા અને સાંજે તેમના મોબાઇલમાં રૂા. 50 હજાર ઉપાડી લેવાયાના મેસેજ આવ્યા હતા. આ બાબતે તેઓએ બેંકમાં તપાસ કરીને અજાણ્યાની સામે સચિન પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કાપડના વેપારીએ ખરીદેલો ફ્લેટ બિલ્ડરે બારોબાર વેચી માર્યો
સુરત: સૈયદપુરામાં રહેતા અને ગ્રે-કાપડનો વેપાર કરતાં વેપારીએ 40 લાખમાં ખરીદ કરેલો ફ્લેટ બિલ્ડરે તેના સાગરીતો સાથે મળી બારોબાર વેચી નાખતા લાલગેટ પોલીસ મથકમાં જે.કે. ડેવલોપર્સ સહિત 6 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લાલગેટ પોલીસના જણાવ્યાં મુજબ, સૈયદપુરા ભંડારીવાડ ખાતે રહેતા અને વેડરોડ ખાતે પાવરલુમ્સ ચલાવતા વેપારી જાવેદ અબ્દુલરબ સલામ જરીવાલાએ સૈયદપુરા તુરાવા મહોલ્લામાં જે.કે.ડેવલપર્સના બિલ્ડર ઈમરાન ઈકબાલ જરીવાલા, સમાંજ ઈસ્માઈલ મેમણ, રજજબ જાવેદ મોહમદ સલીમ અને મો. આરીફ સાબીર કુરેશીના બાગે યુસુફ નામના પ્રોજેક્ટની ઍ-વિંગમાં 401 નંબરનો ફ્લેટ 40 લાખ રૂપિયામાં ખરીદ કર્યો હતો. જુન 2020માં કબજા સહિત નોટરાઇઝ વેચાણ કરાર કરી આ ફ્લેટનો કબજો લઈ પોતાનું તાળું માર્યું હતું. ફ્લેટનો કબજા લીધા પછી જાવેદ જરીવાલા પોતાના ફ્લેટમાં અવર જવર કરતાં ન હોવાથી એનો લાભ ઉઠાવી બિલ્ડરોએ બારોબાર આ ફ્લેટ ઈલ્યાસ મોહમંદ સફી મેમણ અને ઈમરાન સફી મેમણને કબજા રસીદ સહિતનો વેચાણ કરાર બનાવી વેચી નાંખ્યો હતો. આ મામલે જાવેદ જરીવાલાએ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top