સુરત: (Surat) મોટા વરાછા ડી-માર્ટની બાજુમાં રહેતા વેપારીના નામે ભેજાબાજે અમેરીકન ઍક્સપ્રેસ કંપનીનો (American Express Company) ક્રેડિટ કાર્ડ (Credit Card) મેળવી રૂપિયા 7 લાખનું ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાઈ હતી. મોટા વરાછા ખાતે શિવધારા કેમ્પસમાં રહેતા 54 વર્ષીય દિપકભાઇ હરદાસભાઇ બાવચંદભાઇ કપોપરા મુળ ગીર ગઢડા સોમનાથના વતની છે. તેઓ કાપોદ્રા વિસ્તારમાં શ્રીકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગુજરાત એમ્બ્રોડરી સ્પાર્ટસ નામની દુકાન (Shop) ચલાવે છે. તેઓ એચડીએફસીનું ક્રેડિટ કાર્ડ (Credit Card) ધરાવે છે.
- વેપારીના નામે અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ મેળવી ભેજાબાજે 7 લાખનું ટ્રાન્જેક્શન કર્યું
- મોટા વરાછાના વેપારીનો ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ, ફોટો, પાનકાર્ડ તથા આધારકાર્ડ મેળવી છેતરપિંડી કરી
ડિસેમ્બર 2021 ના તેમના ઘરે બે અજાણ્યા આવ્યા હતા. એકે પોતાની ઓળખ દિપકભાઈ ભોજ તરીકે આપી હતી. અને પોતે અમેરિકન અકેસપ્રેસ ક્રેડિટ કાર્ડ કંપની તરફથી આવ્યા હોવાનું કહ્યું હતું. અને આ કાર્ડનું 5.69 લાખ બીલ ભરવાનું બાકી હોવાનું અને બીલ ક્યારે ભરશો તેવું પુછ્યું હતું. દિપકભાઈએ ચોંકી ઉઠી આ બીલ તેઓ ભરશે નહી તેમ કહ્યું હતું. બાદમાં તેમને મેઈલ આવ્યો હતો કે જો તમે અમેરિકન એક્સપ્રેસ કંપનીનું ક્રેડિટકાર્ડ લીધુ નહીં હોય તો આ મેઈલ આઈડી પર મેઈલ કરી જાણ કરવા કહ્યું હતું. બાદમાં આ અજાણ્યાઓએ કોઈક રીતે પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાનકાર્ડ તથા આધારકાર્ડ મેળવી લીધા હતા. અને દિપકભાઈના નામ ઉપર અમેરિકન એક્સ્પ્રેસ કંપનીનું ક્રેડિટ કાર્ડ મેળવી લીધું હતું. દિપકભાઈની જાણ બહાર ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ ગમે તે રીતે મેળવી લીધો હતો. અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ 7.04 લાખનું ટ્રાન્ઝેક્શન કરીને છેતરપિંડી કરી હતી.
છાપરાભાઠામાંથી 10 જુગારી 1.31 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
સુરત : અમરોલી છાપરાભાઠા રોડ પર મધુવન સોસાયટી ખાતે પીસીબી પોલીસે 10 જુગારીઓને રોકડ ૩૧,૮૫૦ તથા મોબાઇલ મળી કુલ ૧,૩૧,૩૫૦ ની મત્તાના મુદ્દામાલની સાથે ઝડપી પાડ્યા હતા. પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમરોલી, છાપરાભાઠા રોડ, ગણેશપુરા, મધુવન સોસાયટી, પ્લોટ નં.બી/૩૯,૪૦ ની બહાર કેટલાક જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા 10 જુગારીઓને પકડી પાડ્યા હતા. તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૨૭,૩૫૦ તથા દાવના રોકડા રૂ ૪,૫૦૦ મળી કુલ રોકડા રૂ.૩૧,૮૫૦ તથા અંગ ઝડતીમાં 13 મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૩૧,૩૫૦ ની મત્તાના મુદ્દામાલની સાથે રંગે હાથે ઝડપી પાડ્યા હતા.