અમદાવાદ: અમદાવાદના બોપલ બ્રિજ નજીક આજે વહેલી સવારે ભયાનક અકસ્માત થયો છે. તથ્યકાંડની ગોઝારી યાદોને ફરી તાજી કરતો આ અકસ્માત બે કાર વચ્ચે થયો હતો. વહેલી સવારે બોપલ બ્રિજ પાસેથી 200ની સ્પીડે ફોર્ચ્યુનર કાર દોડી રહી હતી, જે થાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી સાંપડી છે.
આજે સોમવારે તા. 1 જુલાઈની વહેલી સવારે અમદાવાદના બોપલ બ્રિજ નજીક બે કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ નિપજયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વધુમાં મળતી માહિતી અનુસાર 200ની સ્પીડે દોડતી ફોર્ચ્યુનર કારમાં દારૂ ભરેલો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં બેઠેલા એક વ્યક્તિનું જ્યારે થારમાં બેઠેલાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત વખતે ફોર્ચ્યુનરની સ્પીડ ખૂબ વધારે હતી. કાર ટકરાઈ ત્યાર બાદ તેના સ્પીડ મીટર પર 200ની સ્પીડ દર્શાવતું હતું. સ્પીડોમીટર 200 પર અટક્યું હતું. જે સૂચવે છે કે કારની સ્પીડ 200ની આસપાસ હતી. સ્પીડ વધારે હોવાના લીધે અકસ્માત બાદ થાર 150 ફૂટ અને ફોર્ચ્યુનર 300 ફૂટ દૂર ફેંકાઈ હતી. આ અકસ્માતના લીધે એક ટ્રક ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું અને તેની ટ્રક ખાડામાં ઉતરી ગઈ હતી. પોલીસે એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરવા માંડ્યા છે. ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હતા તેવી વિગતો બહાર આવી છે.
પોલીસ અનુસાર ફોર્ચ્યુનર વૈષ્ણોદેવી તરફથી બોપલ તરફ જઈ રહી હતી. આ ફોર્ચ્યુનરમાં ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ(રાજસ્થાન) અને રાજુરામ બિશ્નોઈ(રાજસ્થાન) નામના બે ઈસમો હતા. બોપલ બ્રિજ તરફથી થાર આવી રહી હતી. થારમાં અજીત કાઠી અને મનીષ ભટ્ટ સવાર હતા. થાર રાજપથ ક્લબ રોડ તરફ એટલે કે જમણી બાજુ ટર્ન લઈ રહી હતી ત્યારે ફોર્ચ્યુનર અથડાઈ હતી. આ અકસ્માતમાં મનીષ ભટ્ટ, અજીત કાઠી અને ઓમ પ્રકાશના મોત નિપજ્યાં છે, જ્યારે રાજુ રામ બિશ્નોઈ સારવાર હેઠળ છે.
ફોર્ચ્યુનરમાં દારૂની બોટલોથી ખચોખચ ભરેલી હતી, નંબર પ્લેટ પણ ખોટી હતી
અકસ્માત થયો તે ફોર્ચ્યુનર કારમાં પોલીસને દારૂની બોટલો મળી છે. આખી ગાડીમાં ખચોખચ દારૂની બોટલો ભરેલી હતી. આ કારની નંબર પ્લેટ પણ ખોટી હતી. તેની પર અલ્ટોની નંબર પ્લેટ હતી, જેનો નંબર જીજે18બીકે9808 હતો. જે દર્શાવે છે કે બુટલેગરો દ્વારા આ કારનો ખેપ મારવા માટે ઉપયોગ કરાતો હતો.
એરબેગ ખુલી છતાં કારમાં બેઠેલાં ત્રણ જણા બચી શક્યા નહીં
અકસ્માત એટલો ભયાનક હતો કે ફોર્ચ્યુનરની ટક્કર બાદ થારનું પડીકું વળી ગયું હતું. ફોર્ચ્યુનરની હાલત પણ એવી જ હતી. ટક્કર થયા બાદ બંને કારની એરબેગ ખુલી ગઈ હતી, છતાં અંદર બેઠેલાં 3 જણા બચી શક્યા નહોતા. મૃતકો પૈકીના એક મનીષ ભટ્ટને વિરમગામમાં રિઅલ એસ્ટેટનો બિઝનેસ છે. વહેલી સવારે સાબરમતી ખાતેના પોતાના ઘરેથી કામ અર્થે બહાર નીકળ્યા હતા, ત્યારે યુ ટર્ન લેતી વખતે ફોર્ચ્યુનરે ટક્કર મારી હતી.