SURAT

સુરતના સર્કિટ હાઉસમાં એવું શું થયું કે પૂર્વ ધારાસભ્યોએ બેગબિસ્તરાં લઈ રૂમની બહાર નીકળવું પડ્યું

સુરત: સુરત શહેરમાં માર્ગ અને મકાન વિભાગ સંચાલિત રાજય સરકારની નવનિર્મિત સરકીટ હાઉસનું મોટાપાયે રિનોવેશન કરીને વિશાળ બનાવ્યા પછી પણ સમસ્યા ઠેરની ઠેર છે. સુરતના અતિથી બનેલા કોંગ્રેસી માજી ધારાસભ્યોને રૂમ ફાળવી દીધા પછી ખાલી કરાવી તેમનું અપમાન કરાતા મામલો ગરમાયો છે.

  • સુરત સર્કિટ હાઉસમાં અતિથિ બનેલા માજી ધારાસભ્યો બેઆબરૂ: રૂમ ફાળવી દીધા પછી ખાલી કરાવાયા
  • 69 રૂમ છતાં માજી ધારાસભ્યોને બિસ્તરા પોટલા સાથે બહાર કાઢી બીજે વ્યવસ્થા કરવા કહેવાતા મામલો ગરમાયો

રાહુલ ગાંધી આવે તે પહેલાં સુરતના સર્કિટ હાઉસમાં બની આવી ઘટના બનતા રોષ

શહેરમાં અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસમાં ભાજપ માટે જાજમ પાથરવામાં આવે છે પરંતુ અન્ય પક્ષો માટે અલગ નીતિ અપનાવાઈ રહી હોય તેવું હાલની સ્થિતિ જોતા લાગે છે. અહીં વહીવટીની દ્રષ્ટિએ પોલમપોલ છે. બન્યું એવું છે કે કોંગ્રેસ રાજકિય નેતા રાહુલ ગાંધી સુરત ન્યાયાયલયમાં હાજરી આપવા રહ્યાં હોવાથી કોંગી નેતાજનો એડવાન્સમાં ઉમટી પડયા છે.

રાહુલ ગાંધી સર્કિટ હાઉસમાં રોકાણ કરે તેવી શકયતા છે. જેને પગલે સર્કિટ હાઉસમાં રૂમ ધડાધડ પેક થઇ રહ્યાં છે. આજે દિવસ દરમિયાન સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કેટલાંક માજી ધારાસભ્યોને રૂમ ફાળવી દેવાયા હતા. પરંતુ પાછળથી રૂમ ખૂટી પડતા અને પાટનગરથી પ્રેશર આવતા ફાળવેલા રૂમ ખાલી કરાવાયા હતા.

આ ઘટનાને લઈને સુરત સર્કિટ હાઉસમાં ભારે બખેડો થયો હતો. સર્કિટ હાઉસના મેનેજર જીગ્નેશ પટેલ ઘરે નીકળી ગયા હતા. પરંતુ વિધાનસભામાંથી વધુ 17 કોંગ્રેસી ધારાસભ્યોનું લીસ્ટ આવતા મેનેજર ફરી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તેઓએ માજી ધારાસભ્યોને કોલ કરી કરીને રૂમ ખાલી કરાવી જણાવી બધા પાસે રૂમ ખાલી કરાવ્યા હતા. આ ઘટનાને લઇને માજી ધારાસભ્યોમાં ભારે અપમાનની લાગણી ફેલાઇ ગઇ છે.

સુરત સર્કિટ હાઉસમાં 69 રૂમ છતાં વીસ રૂમ અનામતના નામે બંધ રાખવાનો હઠાગ્રહ
સુરત અઠવાલઇન્સ સ્થિત સર્કિટ હાઉસમાં 69 રૂમ બનાવાયા હતા. પહેલા જૂની સર્કિટ હાઉસમાં રૂમ ઓછા હતા. પરંતુ તાજેતરમાં સર્કિટ હાઉસ રિનોવેટ કરી સુવિધાસભર બનાવી રૂમની સંખ્યા પણ વધારી હતી. રૂમ વધારયા પછી સર્કિટ હાઉસમાં આવતા વ્યકિતઓને રૂમ સરળતાથી મળી રહે તેવી આશા હતી. પણ આ તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.

સર્કિટ હાઉસમાં મેનેજર જીગ્નેશ પટેલ ખુદ કહે છે કે તેમની પાસે 69 રૂમ છે. પરંતુ 20 રૂમ અનામત છે. તે રૂમ વીઆઇપી માટે છે. જો આ રૂમ સુરતના મહેમાન બનેલા માજી ધારાસભ્યોને ખોલી અપાયા હોત તો અતિથિઓનું અપમાન ન થાત. કયા કારણોસર વીસ -વીસ રૂમ અનામત રાખવાનો હઠાગ્રહ સેવવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે.

કેમ કે આ સરકારી માલિકીની જાગીર છે. કોઇ પણ પક્ષની માલિકીની આ મિલકત નથી. આ મામલે આગામી દિવસોમાં ભારે વિવાદ થાય તેવા એંધાણ વતાઇ રહ્યાં છે. વળી આવી મિલકતોમાં વહેલા તે પહેલા અને સરકારમાંથી આવે તે લિસ્ટ મુજબ રૂમ ફાળવણી થાય છે.

Most Popular

To Top