કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણોમાં હત્યા સંબંધિત કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. હવે 18 ફેબ્રુઆરીએ સજ્જન કુમારની સજા પર ચર્ચા થશે.
આ કેસ 1 નવેમ્બર 1984 ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં એક શીખ પિતા અને પુત્રની હત્યા સાથે સંબંધિત છે. આ કેસમાં સજ્જન કુમાર પર ટોળાનું નેતૃત્વ કરવાનો આરોપ છે. એવો આરોપ છે કે તેની ઉશ્કેરણી પર ટોળાએ બે શીખોને જીવતા સળગાવી દીધા હતા. ત્યાર બાદ પીડિતોના ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હતી. મારપીટમાં ઘરમાં હાજર અન્ય લોકો ઘાયલ થયા હતા.
1 નવેમ્બર 1984ના રોજ જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. આ કેસ પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં એક વિશેષ તપાસ ટીમે તપાસ સંભાળી હતી. 16 ડિસેમ્બર, 2021ના રોજ કોર્ટે કુમાર વિરુદ્ધ આરોપો ઘડ્યા અને તેમની વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ હોવાનું જણાયું હતું.
આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે ટોળાએ ફરિયાદી જસવંતની પત્નીના ઘર પર હુમલો કર્યો હતો. તેના પતિ અને પુત્રની હત્યા કરવામાં આવી હતી અને તેનો સામાન લૂંટી લેવામાં આવ્યો હતો. આ પછી તેના ઘરને આગ લગાવી દેવામાં આવી હતી.
