વ્યારા: (Vyara) સોનગઢના ખેરવાડાના જંગલમાંથી આશરે અઠવાડિયા પહેલાં શિકાર (Hunting) કરાયેલી હાલતમાં આશરે બે વર્ષનો દીપડો મળી આવ્યો હતો. શિકારીઓએ આ દીપડાના શરીર પરથી ચામડુ, પંજા અને દાંત કાઢી લીધા હતા. તેની મૂંછ પણ ગાયબ હોવાથી પ્રાથમિક તબક્કે કોઇ તાંત્રિક વિધિ માટે તેનાં અંગો ઉપયોગમાં લેવાયાં હોવાનું જણાતું હતું. વન વિભાગે દીપડાની હત્યા મામલે કોઇ શિકારી ગેંગનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. દીપડાના શિકાર પ્રકરણમાં ખેરવાડાના સ્થાનિકોની પૂછપરછમાં મહિલાઓને પણ પકડી લાવ્યા હતા. જો કે, પાછળથી તેમને છોડી મૂકવામાં આવી હતી. વનવિભાગ સામે પકડાયેલા શંકાસ્પદ વ્યક્તિઓને ઢોર માર માર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે આંખ લાલ કરી તમામ આરોપીઓના મેડિકલ તપાસના આદેશ કર્યા હતા.
- તમામ આરોપીઓના મેડિકલ તપાસના આદેશ, અઠવાડિયા પહેલાં શિકાર કરાયેલી હાલતમાં દીપડો મળી આવ્યો હતો
- શિકારીઓએ દીપડાનું ચામડું, પંજા અને દાંત કાઢી લીધા હતા, મૂંછ પણ ગાયબ હતી
ખેરવાડા રેંજમાં દીપડો પકડાયો તેના બીજા દિવસથી જ ગામમાંથી શંકાસ્પદ ૮થી ૧૦ લોકોને પૂછપરછ માટે વન વિભાગે ઊંચકી લીધા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ શંકાસ્પદ ઇસમોને પકડવાની શરૂઆત વન વિભાગે ૪થી એપ્રિલે કરી હતી, જેમાં મહિલાઓની પણ અટકાયત કરાઇ હતી. જો કે, ગ્રામજનોએ આ મામલે વિરોધ કરતાં સઘન પૂછપરછ બાદ તેમને સાંજે છોડી મૂકવામાં આવી હતી. બાકીના ઇસમોને ૯મી એપ્રિલે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં આરોપીઓને વન વિભાગના અધિકારીએ ઢોર માર માર્યાની ફરિયાદ કરાઇ હતી. જે સંદર્ભે મેડિકલ તપાસના આદેશ થયા હતા. તમામને સોનગઢ સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
ગ્રામજનોનું કહેવું છે કે, ગામના આ ઇસમો આરોપી છે કે કેમ? એ મુદ્દે કોર્ટ ન્યાય કરશે, પણ ઢોર માર મારવાનો અધિકાર વન વિભાગને કોણે આપ્યો? આ મામલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. કોઈપણ આરોપીને ૨૪ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનો હોય છે. ત્યારે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાને બદલે વન વિભાગે ત્રણથી ચાર દિવસ સુધી પોતાની કચેરીમાં જ કેમ ગોંધી રાખ્યા? એ મોટો સવાલ ઊભો થયો છે. ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલા દીપડાના શિકાર મામલે વન વિભાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યાં હતાં. રિમાન્ડની માંગણી કરી હતી, પણ આરોપીઓએ માર માર્યા અંગેની કોર્ટને ફરિયાદ કરતાં તમામના મેડિકલ તપાસના આદેશ કરાયા હતા. હાલ તેમને કોર્ટ કસ્ટડીમાં મૂક્યા છે. દીપડાના શિકાર પ્રકરણમાં ખેરવાડા ગામના બાબુભાઈ રૂમસિંગભાઈ, કુંવરજી ઝીણાભાઈ, ફતેહસિંગ કાથુડિયાભાઈ, ચંદુભાઈ સંજીવભાઈ, મગતિયા રૂપાભાઈ, બાલુ જમસીભાઈને વન વિભાગ ઊંચકી ગયાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
વિવાદાસ્પદ આરએફઓ સામે મુખ્યમંત્રીથી લઈ છેક રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ
ખેરવાડા ગામના સિંગાભાઈ જેઠિયાભાઈ ગામીતે જણાવ્યું હતું કે, ખેરવાડા રેન્જના વિવાદાસ્પદ આરએફઓ અશ્વિના પટેલ વિરુદ્ધ વન સંરક્ષક તેમજ મુખ્યમંત્રીથી લઈ છેક રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરાઇ છે. એક જ જગ્યાએ ચાર વર્ષ કરતાંય વધારે સમયથી તેઓ ફરજ બજાવી રહ્યાં છે. કાર્યવાહી તો દૂરની વાત તેમની બદલી સુધ્ધા કરાઇ નથી. સામાન્ય રીતે ચૂંટણી સમય એક જ જગ્યાએ ચાર વર્ષ સુધી ફરજ બજાવી ચૂકેલા કર્મચારીઓની બીજા જિલ્લામાં બદલી કરી દેવામાં આવે છે. જેથી ચૂંટણીમુક્ત, નિષ્પક્ષ, ન્યાયિક અને મુક્ત, શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ સગાવાદ કે ભેદભાવ વિના યોજાઇ શકે. પણ આ વન અધિકારીના મામલામાં ચૂંટણીના કાયદાની પણ ઠેકડી ઊડતી જોવા મળે છે.
ખેરવાડા રેન્જના આરએફઓનો સંપર્ક ન થયો
ખેરવાડા રેન્જના આરએફઓ અશ્વિના પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ ફોન બંધ આવ્યો હતો.