સંતરામપુર : સંતરામપુર પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે નાની ભુગેડી ગામ નજીક કમળના સિમ્બોલ લગાડેલી ગાડીમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. જોકે, ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી ચાલકની શોધખોળ હાથ ધરી છે. સંતરામપુર પોલીસને રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક ગાડીમાં ફતેપુરાથી દારુ ભરીને બલૈયા ચોકડીએથી મોટીભુગેડી થઇને ચીંચાણી ગામે થઇને પસાર થઇ રહી છે. આથી સંતરામપુર પોલીસની ટીમે ચીંચાણી રોડ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમીવાળી ગાડી આવતા તેને રોકવા ઇશારો કર્યો હતો. પરંતુ ચાલકે પોલીસને જોઇ વધુ ઝડપે ભગાડી હતી અને આગળ જઇ ગાડી બિનવારસી મુકી અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો.
આથી, પોલીસે આ ગાડીમાં તપાસ કરતાં ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વિવિધ પ્રકારનો બોટલ 912 આશરે કિંમત રુપિયા 91,200નો વગર પાસપરમીટે આ ગાડીમાં ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જવાતો હતો. તે દારુ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં વપરાયેલી ગાડી નં.જીજે. 15.એડી. 7310ની આશરે કિંમત રુપિયા પાંચ લાખ મળીને કુલ મુદ્દામાલ 5.91 લાખનો કબજે કરીને કાર્યવાહી હાથ ધરીને આ ઘટના સંદર્ભમાં સ્થાનિક પોલીસ દ્વારા ગાડીનો ચાલકને તેની સાથેની વ્યક્તિને મુકેશ શંકર પારગી (રહે. ડુંગર તા.ફતેપુરા જી.દાહોદ)ના વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દારુની હેરાફેરીમાં પકડાયેલી ગાડીની પાછળના કાચ પર કમળમા નિશાન અને પ્રેસીડન્ટ લખ્યું હતું. આમ, ગાડી પકડાતાં અનેક પ્રશ્ન ઉભા થયા છે.