Business

સતત બીજા દિવસે શેરબજાર નવી ઐતિહાસિક સપાટીએ, સેન્સેકસ 54000 અને નિફ્ટી 16200ને પારઃ બેન્ક નિફ્ટી 36000ને પાર

વાણિજ્ય :અમદાવાદ, તા. 4: ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે લાલચોળ તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઐતિહાસિક સપાટી રચી હતી, તેની સાથે બેન્ક નિફ્ટીએ પણ 36000 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી હતી. આજે એસબીઆઇના પ્રથમ કવાર્ટરના પરિણામ જાહેર થયા છે અને તે અનુમાન કરતાં સારા આવ્યા હોવાના પગલે આવતી કાલની વીકલી એકસપાયરી બાદ બેન્ક શેરોમાં નવી તેજી આવી શકે છે. આજે સેન્સેક્સ 54000 અને નિફ્ટી 16200 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સેન્સેક્સ-નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં પાંચેય બેન્ક શેરો છે.

બજારના વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર આજે આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક તથા એસબીઆઇની આગેવાની હેઠળ શેરબજારમાં તેજી જોવા મળી હતી, જ્યારે બાકીના સેકટરો સાઇડ લાઇન થતાં જોવા મળ્યા હતા. આમ, શેરબજારમાં સેકટરવાઇઝ રોટેશન ચાલી રહ્યું છે. જોકે, સતત બીજા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નિરસ હવામાન જોવાયું હતું. આજે પણ ફ્રન્ટલાઇન શેરોમાં તેજી જોવાઇ હતી.

જોકે, આવતીકાલે વીકલી એકસપાયરી છે, ત્યારે હજુય બજારમાં શોર્ટ સેલ છે. જેથી શેરબજારમાં વધઘટે તેજીનો માહોલ જોવા મળી શકે તેવું અનુમાન કરાઇ રહ્યું છે.

  • સેન્સેક્સ 546 પોઇન્ટ અને નિફ્ટી 148 પોઇન્ટ ઉછળીને નવી ઐતિહાસિક સપાટી બનાવી

ભારતીય શેરબજારમાં સેન્સેકસ 546.41 પોઇન્ટ એટલે કે 1.02 ટકા ઉછળીને 54000 પોઇન્ટની સપાટી કૂદાવીને 54369.77 પોઇન્ટના મજબૂત બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેકસ 54465.91 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો, જ્યારે નીચામાં 54034.31 પોઇન્ટ સુધી ઘટયો હતો. નિફ્ટી 128.05 પોઇન્ટ એટલે કે 0.79 ટકા વધીને 16258.80 પોઇન્ટની મજબૂત બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 16290.20 પોઇન્ટ સુધી ઉછળી હતી, જ્યારે નીચામાં 16176.15 પોઇન્ટ સુધી ઘટી હતી. બેન્ક શેરોની આગેવાની હેઠળ બેન્ક નિફટીમાં તેજીનું તોફાન જોવાયું હતું. આજે બેન્ક નિફ્ટી 820.60 પોઇન્ટ એટલે કે 2.33 ટકા ઉછળીને 36028.05 પોઇન્ટ સુધી ઉછળી હતી.

બોર્ડર માર્કેટમાં આજે સતત બીજા દિવસે નિરસ વલણ જોવાયું હતું. ફ્રન્ટ લાઇન શેરોની સરખામણીએ બોર્ડર માર્કેટમાં નબળું પ્રદર્શન જોવાયું હતું. બીએસઇ મિડકેપ ઇન્ડેકસ 1.05 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.06 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જેના લીધે માર્કેટ બ્રેડથ પણ નેગેટિવ જોવાઇ હતી. બીએસઇ ખાતે કોફોર્જ 43.69 ગણા, આવાસ ફાઇ. 9.25 ગણા, આઇઆઇએફએલ વેલ્થ 6.87 ગણા, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ 6.77 ગણા અને એકસીસ બેન્ક 6.41 ગણા કામકાજ થયા હતા. એનએસઇ ખાતે આઇઆઇએફએલ વેલ્થ 25.82 ગણા, કોફોર્જ 12.39 ગણા, હુત્હુમાકી ઇન્ડિયામાં 9.64 ગણા, ગોદરેજ ઇન્ડ.માં 9.27 ગણા અને આવાસ ફાઇ.માં 9.01 ગણા કામકાજ થયા હતા.

  • નીક્કીને બાદ કરતાં એશિયન-યુરોપિયન બજારો પોઝિટિવ

વૈશ્વિક સ્તરે ચીનમાં ડેલ્ટા વેરીએન્ટની અસર જોવા મળી હતી. જેની સાથે ચીન અને અમેરિકામાં મેન્યુફેકચરીંગના નબળા ડેટાના પગલે મેટલ્સ દબાણમાં જોવાયા હતા. આજે વૈશ્વિક બજારોમાં જાપાનના નીક્કીને બાદ કરતાં અન્ય બજારોમાં પોઝિટિવ વલણ જોવાયું હતું. જોકે, ગઇકાલે અમેરિકન બજારો મજબૂત બંધ રહ્યા હતા. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સે નવા શિખરો બનાવ્યા હતા, જ્યારે ટેક અને હેલ્થકેર શેરોમાં તેજી રહી હતી. જોકે, આજે અમેરિકાના ફયુચર બજારો લાલ નિશાનમાં ચાલી રહ્યા છે. યુરોપિયન બજારોમાં પોઝિટિવ ચાલ જોવા મળી રહી છે.

રૂપિયો વધુ 11 પૈસા સુધર્યો, પાઉન્ડ 103 અને ઓસ્ટ્રેલિયન ડોલર 55ને પાર

વાણિજ્ય :અમદાવાદ, તા. 4: ડોલરની સામે રૂપિયામાં મજબૂત શરૂઆત થઇ હતી અને આજે રૂપિયો 74.29ની સામે 74.16ના સ્તરે મજબૂત ખુલ્યો હતો. જે છેલ્લે 74.18ના સ્તરે બંધ રહ્યો હતો. આજે રૂપિયો 11 પૈસા વધુ સુધર્યો હતો. જ્યારે ગત સેસન્સમાં ડોલરની સામે રૂપિયો 74.29ના સ્તરે બંધ રહ્યો હતો. અન્ય કરન્સીઓમાં 87.98, પાઉન્ડ 103.37, ઓસ્ટ્રેલિયન ડોલર 55.04, જાપાનીઝ યેન 0.6795 અને સીંગાપોર ડોલર 54.99ના સ્તરે બંધ રહ્યા હતા.

Most Popular

To Top