Charchapatra

રોજ નિયમિત ચાલનારા માટે

કેટલીક વ્યકિતઓ નિયમિત રીતે રોજ આખા દિવસમાં ગમે ત્યારે ગાર્ડનમાં, જોગિંગ ટ્રેક પર કે સમુદ્રકાંઠે ચાલવાનો ઉપક્રમ રાખતા હોય છે. પરંતુ તેમાંનાં કેટલાંક ચાલતાં – ચાલતાં સતત વાતો કરતા રહે છે. પણ વાંચવામાં આવ્યું છે કે ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરેલા સંશોધન પ્રમાણે ચાલતાં – ચાલતાં વાતો કરવાથી પેટના સ્નાયુઓ પર વધુ તાણ આવે છે, જેની કરોડરજ્જુની સ્થિરતા પર અસર અને ગળામાં દુખાવો થઇ શકે છે. કરોડરજ્જુના નિયંત્રણ માટે પેટના સ્નાયુ અગત્યની ભૂમિકા ભજવે છે.

ન્યુરોસાયન્ટીસ્ટોની રિસર્ચ ટીમે તો ત્યાં સુધી કહ્યું છે કે વોકિંગ દરમ્યાન માત્ર વાતો જ નહીં, ચ્યુઇંગમ ચગળવાથી, માથા પર હાથ હલાવવાથી કે પેટ પર હાથ થપથપાવવાથી ગળામાં દુખાવો થઇ શકે છે. આ આખી પ્રક્રિયા શ્વસનક્રિયા સાથે સંકળાયેલી છે. વધુમાં એવું જણાવાયું છે કે ચાલતાં – ચાલતાં વાતો કરવાથી પીઠનો દુખાવો થાય છે એવું સ્પષ્ટપણે કહેવું હજી વહેલું ગણાશે, પરંતુ આને કારણે કરોડરજ્જુના નિયંત્રણને અસર થાય છે એમ ચોક્કસ કહી શકાય. ચાલતાં – ચાલતાં વાતો કરનારાઓ માટે આ એક અગત્યનો સંદેશો છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જરૂરી વિપક્ષ
પ્રજાસત્તાક દેશમાં લોકો એવું માનતા રહે છે કે વિપક્ષ એટલે સદનમાં શાસકોનો વિરોધ કરનાર પક્ષ, પણ તે અર્ધસત્ય છે. લોકશાહીમાં વિપક્ષ રચનાત્મક સૂચનો પણ કરી શકે છે અને ભૂલો તરફ આંગળી પણ ચીંધી શકે છે. પ્રચંડ બહુમતી સાથે શાસન કરનાર પક્ષ છકી જઈને વિપક્ષની ઉપેક્ષા જ કરે, વિપક્ષની વાતોનું ખંડન જ કરતો રહે તે એક પ્રકારની તાનાશાહી બની જાય. આઝાદીના પ્રારંભિક કાળે તત્કાલીન વડા પ્રધાન નહેરૂજીનો પ્રભાવ જબરદસ્ત હતો અને સંસદમાં જે જાહેરમાં કોઈ તેમની ટીકા કરતાંયે ખંચકાતું. નહેરૂજીને એ હકીકતનો ખંચકાટ હતો અને તેથી તેમના અખબાર નેશનલ હેરલ્ડમાં ગુપ્તતા જાળવતા અન્ય કાલ્પનિક નામે પોતાની જ ટીકા છપાવી તંદુરસ્ત વિપક્ષની પ્રશંસનીય કામગીરી પણ કરતા હતા. હવે તો અભિવ્યકિતની સ્વતંત્રતા પણ જોખમી બની છે.

સદનમાં વિપક્ષના સંબોધન વખતે માઈક પણ બંધ થઈ જાય છે અથવા તો સંબોધનના અમુક મુ્દ્દાઓ કાપી નંખાય છે. સદનની કુલ સભ્યસંખ્યાના દસમા ભાગ જેટલી સભ્ય સંખ્યા હોય તો જ વિપક્ષ તરીકેની માન્યતાનો કાયદો લોકશાહીને અન્યાય કરતો છે. સદનમાં એક કરતાં વધારે વિપક્ષો કે અપક્ષો ચૂંટાયા હોય ત્યારે જે વિપક્ષની સભ્ય સંખ્યા વધુ હોય તે માન્ય વિપક્ષ ગણવો જોઈએ. જો એક જ વિપક્ષ ચૂંટાય કે તેનો એક જ સભ્ય હોય તો પણ તે વિપક્ષ દરજ્જે જ રહે અને માન્યતા મળે તો ન્યાય જળવાય. સભાત્યાગ કે સસ્પેન્શન પણ ઈચ્છનીય નથી. તો જ પ્રજાસત્તાક આદર્શ પણ જળવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top