તા. ૧૬-૧-૨૦૨૧ “સામાજિક પરિવર્તન” નામનું આરતીબેન પઢિયારનું ચર્ચાપત્ર વાંચ્યું. એમનો પ્રશ્ન એ છે કે બીજી કોઈ બાબતમાં નહીં અને લગ્નની બાબતમાં જ કેમ નાત-જાત જોવામાં આવે છે. તો મારું માનવું છે કે બીજી કોઈ બાબતમાં એટલા માટે નાતજાત જોવામાં નથી આવતાં કારણ કે એમની સાથે તમારે કાયમ ઘરમાં નથી રહેવાનું હોતું. અને તેમનો બીજો પ્રશ્ન એ છે કે શું આમાં પરિવર્તન લાવી શકાય? તો ચોક્કસપણે લાવી શકાય. પણ નાત જાત અલગ હોય તો ઘણી બધી સમસ્યાઓનો સામનો બંને પક્ષે કરવો પડે છે (૧)રીતિ-રિવાજ…. દરેક જ્ઞાતિના રીતિ રિવાજો અલગ અલગ હોય છે.
જો સંબંધ બંધાય તો પહેલાં રીતિ રિવાજોમાં જ વિખવાદ ઊભો થાય છે. એવું બને છે કે ઘણી વખત એક જ જ્ઞાતિના હોય તોપણ આવું થાય છે. તો જો આ રીતિરિવાજો છોડી દેવામાં આવે તો શક્ય બને (૨)ખાણીપીણી..ખાણીપીણીમાં પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે અને ખાસ કરીને જે વ્યક્તિ નોનવેજ ન ખાતી હોય અને નોનવેજ ખાતું હોય એ ઘરમાં જાય તો પ્રશ્ન ઊભો થાય.
જ્યારે પાત્ર એકબીજાને ગમતું હોય ત્યાં સુધી તો વાંધો ન આવે બધું એડજસ્ટમેન્ટ કરવા પણ તૈયાર હોય પણ લગ્ન પછી ધીરે ધીરે એ અઘરું થઇ જાય છે. જો સ્વીકારી શકતા હોય તો આ શક્ય બને. (૩) સંયુક્ત કુટુંબ….. જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેવાનું આવે ત્યારે જો નાત જાત અલગ હોય તો રહેણીકરણીમાં પણ મોટો તફાવત ઊભો થાય છે.
થોડા સમય પછી એ કુટુંબ વિભક્ત થઈ જાય છે. અપવાદરૂપ સંજોગોમાં એવું બને છે કે લગ્ન પછી જો સાસુ- સસરા, પુત્ર- પુત્રવધૂ કે ઘરમાં રહેતી બધી વ્યક્તિ એકબીજા સાથે જો એડજસ્ટમેન્ટ કરે તો આ શક્ય બને છે અને સંયુક્ત કુટુંબ માટે તો એવું કહેવાય કે ફક્ત અલગ-અલગ નાત-જાત હોય કે ન હોય, ઘરમાં રહેતી દરેક વ્યક્તિએ એકબીજા જોડે એડજસ્ટમેન્ટ કરવું જ જોઈએ.
તો જ એ કુટુંબ સંયુક્ત રહે. વિભક્ત ન બને.આમ વાર તહેવાર,લગ્ન સિવાયના બીજા અનેક રીતિરિવાજો જેવાં અનેક કારણો આમાં કારણભૂત બનતાં હોય છે. એટલે જ જ્યારે લગ્નની બાબત આવે ત્યારે એક પાત્ર બીજા પાત્રને ગમતું હોય તો પણ આવાં બધાં પરિબળોને કારણે તે શક્ય બનતું નથી અને એના ઉપર પૂર્ણવિરામ મૂકવું પડે છે અને જો તેમ ના કરવું હોય તો આનો એક જ સચોટ ઉપાય બંને પક્ષે એક સમાન એડજસ્ટમેન્ટ.
સુરત – તૃપ્તિ કલ્પેશ ગાંધી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.