રાજીવ એમ.બી.એ. થયો.તેના મનમાં એમ કે ઘણી મહેનત કરી ભણ્યો છું બસ હવે સરસ મોટા પગારની નોકરી મેળવી આરામથી જીવન જીવીશ અને સફળતાનો સ્વાદ માણીશ….પણ તેનાં આ સપનાં બહુ જલ્દી તૂટી ગયાં.ઘણા ઇન્ટરવ્યુ આપ્યા પણ મનગમતી નોકરી ન મળી.હવે તે હતાશ થવા લાગ્યો.પિતાએ સલાહ આપી મનગમતી નોકરી ન મળે તો કંઈ નહિ, જે મળે તે સ્વીકારી લે.રાજીવે કમને એક ન ગમતી નોકરી સ્વીકારી લીધી, જેમાં પગાર થોડો ઓછો હતો અને કામ ઘણું રહેતું.
રાજીવને નોકરી ગમતી ન હતી એટલે તેને દરેક કામ અઘરું લાગતું, થોડું વધારે કામ હોય તો પણ તેનો ભાર બહુ લાગતો અને તે હંમેશા દબાણમાં રહેતો.ઘડી ઘડી નોકરી છોડવાના વિચાર આવતા, પણ માતા પિતાનાં સપનાં તેને આમ કરતાં રોકતાં હતાં અને તે રોજે રોજ પરાણે દબાણમાં રહીને નોકરીનો ભાર અનુભવતો હતો.રાજીવને સતત નિરાશ અને દબાણમાં જોઇને પિતાએ એક દિવસ કહ્યું, ‘દીકરા, જે કામ મળ્યું છે તેને પ્રેમથી કર તો ભાર નહીં લાગે.’
પિતાની સલાહ સાંભળી રાજીવ બોલ્યો, ‘પપ્પા, તમારી વાત માની જે મળી તે નોકરી લીધી છે પણ કામનું બહુ દબાણ રહે છે અને પગાર પણ જે મળવો જોઈએ તેના કરતાં ઓછો છે.મને આ નોકરી ગમતી નથી. દબાણમાં રહીને કામ કરવાનો કંટાળો આવે છે.વિચારું છું, નોકરી છોડી દઉં. અહીં તો આગળ મને અંધકાર જ દેખાય છે. પ્રગતિ દેખાતી નથી. ’ પિતાજીએ કહ્યું, ‘દીકરા, તને ખબર છે ને કે દ્રાક્ષ કે અન્ય કોઈ ફળમાંથી વાઈન બનાવવા માટે તેને છુંદી નાખવામાં આવે છે.
છૂંદાયા બાદ તેમાંથી વાઈન બને છે અને તેની કિંમત અનેકગણી વધી જાય છે.વર્ષો સુધી કાર્બન જમીનના ઊંડાણમાં દબાયેલો રહે છે ત્યારે તે ચમકતો હીરો બની જાય છે.કોઈ પણ બી તલ, શીંગ કે ઓલીવણે પીસીને તેમાંથી તેલ કાઢવામાં આવે છે અને જયારે નાનકડા બી ને માટીની અંદર અંધકારમાં ધરબી દેવામાં આવે છે ત્યારે તેમાંથી નવી કૂંપળ ફૂટીને માટીને ભેદીને બહાર આવે છે.’
રાજીવે કહ્યું, ‘હા, પપ્પા આ બધી મને ખબર છે.’ પિતાજીએ તરત કહ્યું, ‘તો પછી તું નોકરીમાં દબાણ અનુભવે છે તેનાથી દૂર ભાગવાનું શું કામ વિચારે છે? યાદ રાખ અને બરાબર સમજી લે કે જે સ્થળે, જે કામમાં તને ભાર લાગે, દબાણ અનુભવાય,ચારે બાજુ અંધકાર લાગે તે એવી જગ્યા અને એવા સંજોગ કે પરિસ્થિતિ અને પ્રક્રિયા હોય છે, જેમાંથી તમે જયારે બહાર આવો છો ત્યારે તમારામાં અને તમારા જીવનમાં અમૂલ્ય પરિવર્તન આવે છે.
આ પ્રક્રિયામાં વિશ્વાસ રાખ. અહીં કામ કરીને મેળવેલો અનુભવ તને ચોક્કસ સફળતાના માર્ગે આગળ લઈ જશે.’ પિતાની સમજાવટે રાજીવના મનનો ભાર ઓછો કર્યો અને તે મન દઈને કામ કરવા લાગ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.