Feature Stories

201 વર્ષથી સુરતીઓનો વિશ્વાસ જીતી રહી છે ‘હાર્ડવેર’ની ટી.એ. મિઆખાન આદમજી પેઢી

શું તમે 200 વર્ષ પહેલાંનું સુરત કેવું હતું તેના વિશે જાણો છો કે સાંભળ્યું છે? કેટલાંય નો જવાબ હશે “ના”. પણ શહેરના લાલગેટ વિસ્તારમાં એક એવી દુકાન આજે પણ અસ્તિત્વમાં છે જે સુરતના 201 વર્ષના ઇતિહાસની સાક્ષી છે. આજે શહેરમાં ઠેક-ઠેકાણે હાર્ડવેરની દુકાન જોવા મળશે. પણ જ્યારે સુરત માત્ર ચોકથી લઈને રેલવે સ્ટેશન સુધી જ સિમિત હતું ત્યારે સુરતની સૌથી પહેલી હાર્ડવેરની દુકાનની સ્થાપના 1821માં થઈ હતી. એ વખતે મકાનોનું કન્સ્ટ્રકશન લાકડાનું જ હતું ખિલા બોલ્ટ-નટનું કામ લુહારી કામથી થતું હતું. પછી થી ગર્ડર-બીમના આધાર પર દુકાનોનું મકાનોનું નિર્માણ થવા લાગ્યું. હેન્ડ ટૂલ્સ પક્કડ, હથોડી, સ્ક્રુડ્રાઇવર, ટાપસેટ, રેવીટ, ફાસ્ટનિંગ આદિ હાર્ડવેરની વસ્તુઓ દેશમાં બનતી નહીં હતી ત્યારે આ દુકાનના સંચલાકો સુરતના લોકોને હકર્ડવેરની આ વસ્તુઓ કઈ રીતે ઉપલબ્ધ કરાવતા ? આજે જે ઇતિહાસ બની ગયો છે તે હોપ પુલ સાથે આ પેઢીનો શું સબંધ રહ્યાો તે આપણે આ દુકાનની છઠ્ઠી અને સાતમી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

  • વંશવેલો
  • આદમજી ડોસાભાઈ લોખંડવાલા
  • મીઆખાન આદમજી લોખંડવાલા
  • અહેમદઅલી મીઆખાન લોખંડવાલા
  • અબ્બાસભાઈ અહેમદઅલી લોખંડવાલા
  • ફિરોઝભાઈ અબ્બાસભાઈ લોખંડવાલા
  • મડયન ફિરોઝભાઈ લોખંડવાલા
  • ઉબય ફિરોઝભાઈ લોખંડવાલા
  • મુસ્તાનસીર મડયન લોખંડવાલા
  • જુઝર ઉબયભાઈ લોખંડવાલા
  • હુસૈન ઉબયભાઈ લોખંડવાલા
  • તાહેર મડયન લોખંડવાલા

વિવિધ ઇન્ડસ્ટ્રીઝનું વિસ્તરણ થતાં ધંધાનું વિસ્તરણ થયું
ફિરોઝભાઈ અબ્બાસભાઈ લોખંડવાલાના સમયમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝનું જેમકે, ડાયમંડ, ટેક્સટાઇલ આદિનું વિસ્તરણ તથા હાર્ડવેર સંબંધિત વસ્તુઓનું વેચાણ વધતા આ પેઢીના ધંધાનું પણ વિસ્તરણ થયું. હજીરા બેલ્ટ, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, સચીન સુધી ઉદ્યોગોનો વ્યાપ થતા આ પેઢીના ધંધાનો પણ વ્યાપ થયો.


62 વર્ષ પહેલાં બનાવેલી ડાયરીમાં કર્મચારી-ફેમેલી મેમ્બરનો ઉલ્લેખ
મડયનભાઈ લોખંડવાલાએ જણાવ્યું કે મારા દાદા અબ્બાસભાઈ લોખંડવાલાએ 62 વર્ષ પહેલા વિક્રમ સંવંત 2017માં એક ડાયરી બનાવી હતી જેમાં આજે પણ પેઢી સાથે જોડાતાં કર્મચારીઓના નામનો ઉલ્લેખ થાય છે અને દિવાળીમાં તેને અપાતા બોનસનો પણ ઉલ્લેખ થાય છે. આ ઉપરાંત ફેમિલી મેમ્બરના નામ લખાય છે. આ ડાયરી આજે પણ ખૂબ સાચવીને રાખવામાં આવે છે અને વર્ષમાં એક વખતજ ખોલવામાં આવે છે.
પહેલાં ખીલી અને નટ-બોલ્ટ ચારઆને કિલો વેચાતું
1947 પછીના સમયમાં ખીલી અને નટ-બોલ્ટ ચાર આને કિલો વેચાતું અને અત્યારે 70 રૂપિયાથી લઈને 180 રૂપિયે કિલો સુધી વેચાય છે. એ સમયે લોખંડ નોનફેરસના ભાવ પણ આનામાં હતાં જે હવે 300-400 રૂપિયે કિલોના ભાવે વેચાય છે.

હાર્ડવેરનો સામાન ખરીદવા ગ્રાહકોની લાઇન લાગતી: શબ્બીર કિનખાબવાલા
આ પેઢીમાં છેલ્લાં 60 વર્ષથી નૌકરી કરતા શબ્બીરભાઈ કિનખાબવાલાએ જણાવ્યું કે હું 12 વર્ષની ઉંમરનો હતો ત્યારથી આ પેઢી સાથે જોડાયો છું. 60 વર્ષ પહેલાં પણ સુરતમાં 2-3 જ હાર્ડવેરની દુકાન હતી ત્યારે હાર્ડવેરનો સામાન ખરીદવા માટે લાંબી લાઇન લાગતી. દુકાન ખોલવામાં 15 મિનિટ પણ મોડું થાય તો તેનું કારણ ગ્રાહકો પૂછતાં. મારો નાનો ભાઈ કાઈદ ઝોહર પણ આ દુકાનમાં 50 વર્ષથી સેવા આપી રહ્યો છે. આ દુકાન હજી પણ સાંજે 7 વાગે બંધ કરવામાં આવે છે. પેઢીની સ્થાપના થઈ ત્યાર બાદ લોકો બળદગાડા અને ઘોડાગાડીના વ્હિલ પર પટ્ટી લાગતી તે પણ ગામે-ગામથી લેવા આવતા. ઘોડાગાડી અને બળદગાડા પાછળના દરવાજાની સાંકળ અને પિત્તળનો સામાન તથા ઘોડાગાડીના લેમ્પના ફિટિંગ અહીંના જ રહેતા.

હોપપુલના નિર્માણમાં આ પેઢીનો માલ વપરાયો હતો: મડયન લોખંડવાલા
આ દુકાકનના છઠ્ઠી પેઢીનાં સંચાલક મડયન ફિરોઝભાઈ લોખંડવાલાએ જણાવ્યું હતું કે સુરતનો સૌથી પહેલો બ્રિજ હોપપુલ 1878માં અંગ્રેજોએ બનાવ્યો હતો ત્યારે આ બ્રિજના કન્સ્ટ્રકશન માટે અમારી આ દુકાનમાંથી નટ-બોલ્ટ, રેવીટ અને ફાસ્ટનિંગનો સામાન ઉપરાંત સ્ટ્રકચરલ સ્ટીલ અને લીફટિંગ માટે દોરડા અંગ્રેજો એ લીધા હતા. મારો નાનો ભાઈ ઉબય લોખંડવાલાએ પણ M.B.A. કર્યું છે તે પણ મારી સાથે પેઢીનું સંચાલન કરે છે અને ટી.એ.મીઆખાન પેઢીનું વિકેન્દ્રીકરણ કરી ફર્નીશીંગ સેન્ટર ચાલુ કરેલું છે જેમાં ઘર સજાવટની ચીજો જેમકે પડદા, પડદાનું કાપડ, વોલ ટૂ વોલ કાર્પેટ, વુડન ફ્લોરિંગનું વ્યાપાર ક્ષેત્ર સંભાળે મારો નાનો ભાઈ ઉબય છે. તેમની સાથે તેમનો દીકરો હુસૈન લોખંડવાલા કે જે આર્કિટેકચર છે તેઓ પણ પેઢીનાં સંચાલન સાથે સંકળાયેલા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ 1972માં બનાવવામાં આવ્યો હતો ત્યારે આ દુકાનમાંથી હાર્ડવેરનો સામાન લેવામાં આવ્યો હતો.

ઉચ્ચ શિક્ષણ છતાં પેઢી ચાલું રાખવા સંચાલન હાથમાં લીધું: મુસ્તનસીર લોખંડવાલા
આ દુકાનના સાતમી પેઢીનાં સંચાલક મુસ્તનસીર લોખંડવાલાએ જણાવ્યું કે મેં B.E.. ઈલેક્ટ્રિકલની ડીગ્રી મેળવી છે અને M.B.A. માં ગોલ્ડ મેડલ મેળવ્યું છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ આ પેઢીનો ધંધો આગળ વધારવા માટે મેં દુકાનનું સંચાલન હાથમાં લીધું છે. હું ટેબીલ ટેનીસ પ્લેયર પણ છું. અમારી દુકાનમાં નવા યુગ પ્રમાણેના હાર્ડવેર પાવર ટૂલ્સ, ફાસ્ટનર, લીફટિંગ ઇકવીપમેન્ટ્સ, નોનફેરસ મેટલ આદિ સાધન વેચાય છે. અમે તમામ કસ્ટમરને એક સમાન ગણીએ છીએ કસ્ટમરને તેના વારા પ્રમાણે હેન્ડલ કરીએ છીએ ગરીબ હોય કે પૈસાદાર, ઊચ્ચ શિક્ષિત હોય કે ઓછો ભણેલો અમારા માટે તમામ કસ્ટમર એક સમાન ગણવાની અમારી પોલિસી દુકાનના સ્થાપનાના સમયથી જ છે.

કોરોના આઇસોલેશન સેન્ટર ઉભા કરવા માટે સામાન લેવાયો હતો: તાહેર લોખંડવાલા
આ દુકાનની સાતમી પેઢીનાં સંચાલક તાહેર મડયન લોખંડવાલાએ જણાવ્યું કે કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર દરમિયાન દર્દીઓની સારવાર માટે શહેરમાં આઇસોલેશન સેન્ટર ઉભા કરાયા હતા. આ સેન્ટર ઉભા કરવા માટે અમારી દુકાનમાંથી પણ સામાન ગયો હતો. ગવર્નમેન્ટ ઓફિસો અને હોસ્પિટલને પરમિશન લઈને સામાન સપ્લાય કરેલો. મેં પણ M.B.A. ની ડીગ્રી મેળવી છે અને હું ફૂટબોલનો સારો પ્લેયર પણ છું. અમારું ગોડાઉન ખાંડબજાર નાણાવટમાં આવેલું છે. અમારી દુકાનમાં ત્યારના સમયથી લઈને અત્યારે પણ સાયણ,મરોલી, નવસારી, બારડોલી, વલસાડ, વાપી અને મહારાષ્ટ્રના નવાગામથી પણ કસ્ટમર આવે છે. કસ્ટમરોનું કહેવું છે કે ફાસ્ટનરની કેટલીક આઈટમ જો આ દુકાનમાં નહીં મળે તો આખા સુરતમાં કશેય નહીં મળે.

1821માં પેઢીનો પાયો આદમજી ડોસાભાઈ લોખંડવાલાએ નાંખ્યો હતો
1821માં ટી.એ.મીઆખાન આદમજી પેઢીનો પાયો આદમજી ડોસાભાઈ લોખંડવાલાએ નાંખ્યો હતો. આ પેઢીનું આખું નામ તૈયબભાઈ અહેમદઅલી મીઆખાન આદમજી છે. આ દુકાનમાં ચેકોસ્લાવીયા, જર્મની, ગ્રેટ બ્રિટનથી આવતો હાર્ડવેરનો સામાન વેચાતો. ગર્ડર, આઈબીમ ગ્રેટ બ્રિટનથી આવતા. આ દુકાનની સ્થાપના તે વખતના સૈયદના સાહેબના હાર્ડવેરના બિઝનેસમાં ઝંપલાવવાના સુચનથી થઈ હતી. સમય જતાં અહેમદ અલીના બીજા દીકરા મુંબઈ સ્થાયી થતાં ત્યાં પણ મીઆખાન આદમજીના નામથી પેઢી ચાલુ કરી હતી.

લોહયાવાલાના નામે પણ ઓળખાય છે
મડયન લોખંડવાલાએ જણાવ્યું કે વ્યાપારી સર્કલમાં અમને મીઆખાનની અટકથી ઓળખવામાં આવે છે વ્યાપારી ગ્રાહકોને કહે છે કે મીઆખાનને તયાં ચાલ્યા જાઓ આ રીતે મીઆખાન અટક પડી. બીજી અટક અમારી કોમ્યુનિટીમાં લોહયાવાલા અટકથી અમે ઓળખાઇએ છીએ. મારા દાદાએ સિગ્નેચરમાં લોહયાવાલા અટકનો ઉપયોગ કરેલો. અમારી લોખંડવાલા અટક દરેક ડોક્યુમેન્ટમાં લખાય છે. આ ઉપરાંત એક લકબ જેમાં અમે સઈદ તરીકે ઓળખાઈએ છીએ. અમારી આ પેઢીની સિસ્ટર કન્સર્ન સઈદ એન્ટરપ્રાઇઝના નામથી 30 વર્ષથી ચાલે છે

125 વર્ષ પહેલાં લંડનથી લવાયો હતો વજનકાંટો
આ દુકાનમાં આજે પણ 125 વર્ષ પહેલાં અબ્બાસભાઇ અહેમદઅલી લોખંડવાલાના સમયમાં લંડનના બર્મિંગહામથી લાવવામાં આવેલો વજન કાંટો હજી પણ છે. તે પ્લેટફોર્મ મેન્યુઅલ કાંટો છે તેને સમુદ્રમાર્ગે લાવવામાં આવ્યો હતો તે હજીપણ છપાય છે અને સ્ટેમ્પ થાય છે તેને વજન કરવાના કામમાં હજી પણ ઉપયોગમાં લેવાય છે. આ દુકાનમાં એક પંખો પણ છે જે 100 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડથી લાવવામાં આવ્યો હતો અને તે હજી પણ વર્કિંગ કન્ડિશનમાં છે.

જુના જમાનામાં કેરેજ અને કોચ બોલ્ટ વપરાતા જે હવે જૂજ દેખાય છે
મડયન લોખંડવાલાએ જણાવ્યું હતું કે 200 વર્ષ પહેલાં ખિલા, ખીલી, બોલ્ટ-નટ લાકડાના બાંધકામમાં કેરેજ બોલ્ટ અને કોચ બોલ્ટ વપરાતા. કોચ બોલ્ટ લાકડામાં ડાયરેકટ ફિટ થતા જે હવે જૂજ પ્રમાણમાં વપરાય છે. અત્યારે તેની જગ્યાએ હેગઝાગોન બોલ્ટ-નટ વપરાય છે તે ઉપરાંત સેલ્ફ ડ્રિલિંગ બોલ્ટ વપરાય છે અને સેલ્ફ ડ્રિલિંગ સ્ક્રુ વપરાય છે. પહેલાં ઘરના બાંધકામમાં લાકડું વપરાતું જ્યારે હવે લાકડાનો ઉપયોગ ઘટી ગયો છે. આ ઉપરાંત અત્યારે એન્કર ફાસ્ટનરનો ઉપયોગ થાય છે જે કોન્ક્રીટમાં ડાયરેકટ ફિટ થાય છે. આ ઉપરાંત હાઈ એન ટેનસઇલ ફાસ્ટનર અને સ્ટેનલ્સ સ્ટીલના ફાસ્ટનર અત્યારે વપરાય છે તેને કારણે કાટ નથી લાગતો હેન્ડ ટુલ્સની જગ્યાએ ન્યુમેટિક ટૂલ્સ વપરાય છે. આ દુકાનમાં જ્યારે તમે પ્રવેશો ત્યારે તમને એવું જ લાગે કે તમે 200 વર્ષ પહેલાંની સુરતમાં પહોંચી ગયા છો. આજે પણ આ દુકાનનું સ્ટ્રક્ચર જુના જમાના જેવું જ દેખાય છે.

Most Popular

To Top