વર્ષ 2015માં હોલિવૂડની એક ફિલ્મ રીલિઝ થઈ હતી – આઈ ઈન ધ સ્કાય. એલેન રિચમેન, હેલેન મિરેન અને એરોન પોલ જેવા સ્ટાર્સની આ ફિલ્મ આપણને ડ્રોન પાઇલટ્સની દુનિયામાં લઈ જાય છે. દુનિયાના ખૂણે બેસીને તેઓ ખતરનાક ડ્રોન દ્વારા દુશ્મનો પર બોમ્બમારો કરતા રહે છે. તેમના માટે આ બધું એક વીડિયો ગેમ જેવું છે. અમેરિકા આ યુદ્ધમાં નિષ્ણાત છે. અમેરિકા ડ્રોન દ્વારા આતંકવાદ વિરુદ્ધ સમગ્ર યુદ્ધ લડી રહ્યું છે. તેણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાક, યમન અને સોમાલિયા જેવા દેશોમાં ડ્રોન મિસાઈલ હુમલા કર્યા હતા. અમેરિકાના સૌથી ખતરનાક ડ્રોન MQ-1 પ્રિડેટરમાં સામેલ છે. આ ડ્રોન 20 ફૂટ લાંબું અને 10 ટન વજન સાથે ઊડી શકે છે. તેઓ એક સમયે કેટલાક કલાકો સુધી હવામાં રહીને મિસાઇલોને ઘણા કિલોમીટર દૂર સુધી વરસાવી શકે છે. ડ્રોન ટેક્નોલોજીએ દુનિયાની તસવીર દરેક મોરચે બદલી નાખી છે અને હજુ પણ બદલી રહી છે. ડ્રોનની વાત અહીં એટલે કરી રહ્યા છીએ કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે વાગી રહેલાં યુદ્ધના ભણકારા એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે, જો આ યુદ્ધ થશે તો એ પહેલું સંપૂર્ણ ડ્રોન ટેક્નોલોજી સેન્ટ્રિક યુદ્ધ હશે.
પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત પણ સ્થાનિક નવીનતા અને વિદેશી ખરીદી દ્વારા અદ્યતન ડ્રોન ટેક્નોલોજી હસ્તગત કરીને તેની સૈન્ય ક્ષમતા વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)એ ત્રણેક મહિના પહેલાં ‘ડ્રોન સ્વોર્મ’નું પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં એક સાથે 25 ડ્રોનનું ટોળું ઉડાડવામાં આવ્યું હતું! ભારત તેની આક્રમક ક્ષમતા વધારવા માટે ડ્રોન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેના ઘણાં વર્ષોથી જાસૂસી ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ભારતની ડ્રોન સેનામાં મોટા ભાગના ડ્રોન ઈઝરાયલ નિર્મિત છે.
સૈન્ય ઇતિહાસમાં ઘણી વાર એવું બન્યું છે કે એક જ હથિયાર સમગ્ર યુદ્ધનું પ્રતીક બની ગયું હોય! મધ્યકાલીન યુગમાં બ્રિટિશ તીરંદાજો દ્વારા ઉપયોગમાં લેવાયેલાં લાંબા ધનુષની વાત કરીએ કે બીજા વિશ્વયુદ્ધમાં જમીન પરની લડાઈમાં ઉતારવામાં આવેલી સશસ્ત્ર ટેન્ક હોય. હવે જમાનો બદલાયો છે. હવે ફરી નવો યુગ ઊગ્યો છે. હવે યુદ્ધ માનવરહિત ડ્રોનથી લડવામાં આવે છે. અફઘાનિસ્તાન, ઇરાક અથવા અન્ય સ્થળોએ લડાયેલા આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાએ આવા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, નામ હતું – MQ-1 પ્રિડેટર અને UAV. પ્રિડેટરને હેલફાયર મિસાઇલથી સજ્જ એરક્રાફ્ટના રૂપમાં કલ્પના કરવામાં આવી ત્યારે ડ્રોને આઇકોનિક સ્ટેટસ મેળવ્યું હતું અને ત્યાર પછી તો રિપર નામના ડ્રોનને ખાસ કરીને હન્ટર-કિલર તરીકે વિકસાવવામાં આવ્યું હતું. તે પહેલાં આવેલાં કોઈ પણ ડ્રોન કરતાં વધારે રેન્જ ધરાવે છે અને તે ઘણા ભારે હથિયારો લઈ જવા માટે પણ સક્ષમ છે. આજે આ એવાં હથિયારો છે, જેનાથી અમેરિકા તેના દુશ્મનોને નિશાન બનાવવા માગે છે, તે પણ એવી જગ્યાઓ પર જ્યાં તેના દુશ્મનો કલ્પના પણ કરી શકતા નથી. તમને જો યાદ હોય તો અમેરિકાના રિપર ડ્રોને જ જાન્યુઆરી, 2020માં બગદાદ એરપોર્ટની બહાર ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીને નિશાન બનાવ્યા હતા.
જો કે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે માત્ર અમેરિકા અથવા ઇઝરાયેલ ડ્રોન ટેક્નોલોજી પર રાજ કરી શકે એમ નથી. એ ડ્રોનયુદ્ધનો પ્રથમ યુગ હતો. ઘણા નવા ખેલાડીઓ (દેશો) મેદાનમાં આવી ચૂક્યા છે. હવે ડ્રોનનો ઉપયોગ આતંકવાદ વિરોધી યુદ્ધમાંથી સંપૂર્ણપણે પરંપરાગત યુદ્ધ તરફ શરૂ થઈ ગયો છે. ડ્રોન ટેકનોલોજી તેમના ત્રીજા યુગની ટોચ પર પહોંચી ગઈ છે. તાજેતરમાં ટાઇગ્રે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ (TPLF)ના બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાઓનો સામનો કરવા માટે ઇથોપિયન સરકાર માટે ડ્રોન હુમલાઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇથોપિયાની સરકારે તુર્કી અને ઈરાન પાસેથી સશસ્ત્ર ડ્રોન ખરીદ્યાં છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસે સંયુક્ત આરબ અમીરાત થઈને ચીનના વિંગ લૂંગ-2 સુધી પણ પહોંચી શકે એવાં ડ્રોન છે. UAEએ લિબિયાના ગૃહ યુદ્ધમાં તેના સાથી જનરલ ખલીફા હફ્તરને ચીનમાં બનાવેલા ડ્રોન પણ પૂરા પાડ્યા હતા. તુર્કી આ ડ્રોનનો ઉપયોગ ફેબ્રુઆરી 2020માં સીરિયામાં ઓપરેશન સ્પ્રિંગ શિલ્ડ દરમિયાન અને લિબિયામાં ખલીફા હફ્તારના બળવાખોર દળો સામે કરી ચૂક્યું છે. સશસ્ત્ર ડ્રોને ઘણી વખત નિર્ણાયક ભૂમિકા પણ ભજવી છે! ડ્રોને લિબિયાની માન્યતા પ્રાપ્ત સરકારના અસ્તિત્વમાં ફાળો આપ્યો છે, જ્યારે ગયા વર્ષે નારગોનો-કારાબાખ યુદ્ધમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તુર્કી પાસેથી મળેલા ડ્રોનને કારણે અઝરબૈજાનની સેનાએ આર્મેનિયાના વિવાદિત વિસ્તાર પર કબજો જમાવ્યો હતો.
તુર્કી આ ડ્રોનનો ઉપયોગ ફેબ્રુઆરી 2020માં સીરિયામાં ઓપરેશન સ્પ્રિંગ શિલ્ડ દરમિયાન અને લિબિયામાં ખલીફા હફ્તારના બળવાખોર દળો સામે કરી ચૂક્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે, ડ્રોન ટેક્નોલોજી દુનિયાના મોટાભાગના દેશોને હાથ લાગી ચૂકી છે. ભલે અમેરિકાએ આ ટેક્નોલોજી તેના અત્યંત નજીકના સાથી દેશો સિવાય કોઈને આપી નથી છતાં 100થી વધુ દેશો અને બિન-દેશી જૂથો પાસે ડ્રોન ટેક્નોલોજી પહોંચી ગઈ છે. આમાંથી ઘણા પાસે સશસ્ત્ર ડ્રોન છે. સેન્ટર ફોર ન્યૂ અમેરિકા સિક્યોરિટીના એક્સપર્ટ કહે છે, ચીન આખી દુનિયામાં સશસ્ત્ર ડ્રોનનો સૌથી મોટો નિકાસકાર છે. ઈરાન, તુર્કી જેવા દેશો પાસે ડ્રોનની ટેક્નોલોજી છે અને તેઓ આ સિસ્ટમને વિદેશમાં વેચી રહ્યા છે. વિશ્વમાં કમર્શિયલ ડ્રોન ટેક્નોલોજી એટલી સરળતાથી ઉપલબ્ધ છે કે કોઈ પણ વ્યક્તિ અમુક ડોલર ખર્ચીને ક્રૂડ DIY એટેક ડ્રોન બનાવી શકે છે, જેમાંથી કેટલાક આતંકવાદી સંગઠનો પાસે પણ છે. તેઓ આગળ એમ પણ કહે છે કે, હવે આ ડ્રોન ટેક્નોલાજી કોઈ પણ દેશ કે આતંકવાદી સંગઠનને ઓછા ખર્ચે એક આખી વાયુસેના પ્રદાન કરી રહ્યાં છે! જે ખૂબ જ જોખમી છે!
કોઈ પણ દેશ કે સંગઠન, જેને ફાઈટર જેટ ખરીદવાનું પોસાય તેમ નથી તેઓ ડ્રોન ખરીદી શકે છે. ભલે આ ડ્રોન લડાયક જેટ જેટલાં સક્ષમ ન બની શકે પણ તે કેટલીક હવાઈ શક્તિઓને મજબૂત બનાવી શકે છે. ડિજિટલ ટેક્નોલોજીની મદદથી જાસૂસી અને ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતાવાળા ડ્રોન્સ ઘાતક સાબિત થઈ શકે છે. તમને ખબર હોય તો પાકિસ્તાન તરફથી વારંવાર સીમા પર ડ્રોન મોકલવામાં આવી રહ્યાં છે. આવાં અનેક ડ્રોન આપણી સેનાએ તોડી પાડ્યાં હતાં. અલબત્ત, આ રીતે ડ્રોનનો ઉપયોગ ભવિષ્યના યુદ્ધમાં ડ્રોન દ્વારા ભજવવામાં આવનારી મહત્ત્વની ભૂમિકાની માત્ર એક ઝલક છે. તાજેતરમાં અમેરિકા અને તેના સાથી દેશો આતંકવાદ વિરોધી કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે રશિયાએ સીરિયામાં ડ્રોનની મોટી એક્સરસાઇઝ કરી હતી! રશિયાએ તેનો ઉપયોગ મોટા યુદ્ધમાં કેવી રીતે કરી શકાય તે ધ્યાનમાં રાખીને સીરિયાને પરીક્ષણ સ્થળ તરીકે પસંદ કર્યું હતું!
લશ્કરી બાબતોના નિષ્ણાતો કહે છે, સીરિયામાં રશિયાના ડ્રોન કાફલાએ મહત્ત્વપૂર્ણ ખુફિયા માહિતી, જાસૂસી મિશન હાથ ધર્યા હતા. ડ્રોન દ્વારા સર્વે કરાયા પછી રોકેટ લોન્ચર સિસ્ટમ, એરક્રાફ્ટ દ્વારા લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આજે જયારે યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે ફરી એક વાર એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કેવી રીતે રશિયન સૈન્ય આજે અને ભવિષ્યમાં ડ્રોનની મદદથી યુદ્ધભૂમિમાં ઊતરશે. એક્સપર્ટનું કહેવું છે કે, મોટી સંખ્યામાં ડ્રોનથી હુમલો કરવામાં આવે તો આ સ્થિતિમાં તેને રોકવો એક મોટો પડકાર હશે કારણ કે ઓછી કિંમતનાં ડ્રોન મોટી સંખ્યામાં બનાવી શકાય છે. અમે મોટી સંખ્યામાં ડ્રોન હુમલા જોયા છે, જ્યારે 2018માં સીરિયન બળવાખોરોએ 13 ડ્રોનની મદદથી રશિયન એર બેઝ પર હુમલો કર્યો હતો. અલબત્ત, આવા હુમલાઓ ડ્રોનની સંખ્યા દ્વારા તેની તાકાત પુરવાર કરતા નથી પણ માનવ હસ્તક્ષેપ વિના લોન્ચ કરવાની તેમની ક્ષમતા દ્વારા તેની ક્ષમતા દર્શાવે છે. એક સાથે અસંખ્ય ડ્રોન છોડીને કરાતા આ હુમલાને ડ્રોન સ્વોર્મ્સ કહેવામાં આવે છે. ડ્રોનના ઉપયોગથી જુદી જુદી દિશામાં અને સતત હુમલા થઈ શકે છે. ડ્રોનનો ઉપયોગ ભવિષ્યમાં યુદ્ધની દશા અને દિશા બદલી નાખશે.