Columns

આતંકવાદીઓને પાળવા તરફ ધ્યાન આપનાર પાકિસ્તાનમાં લોટ 160 રૂપિયે કિલો થઇ ગયો

પાકિસ્તાન અને ભારત બંને દેશ એક સાથે જ આઝાદ થયા હતા પરંતુ એક તરફ ભારત વિકાસ કૂચમાં રોજ નવા નવા પુષ્પગુચ્છ ઉમેરાઇ રહ્યાં છે તો બીજી તરફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા દિન પ્રતિદિન નીચે પડતી જાય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, પાકિસ્તાનમાં ક્યારેય સ્થિર સરકાર રહી જ નથી. પાકિસ્તાનના અત્યાર સુધીમાં બનેલા વડાઓની અથવા તો હત્યા કરી નાંખવામાં આવી છે અથવા તો તેઓ દેશ છોડવા માટે મજબૂર બન્યા છે. બીજુ સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાનની સરકારો ઉપર સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇની મજબૂત પકડ રહી છે. સરકાર તેમને પૂછ્યા વગર પાણી પણ પી શકે તેમ નથી.

અને આ બંનેના ચીફ ભારતમાં ભાંગફોડ પ્રવૃત્તિ કરવા સિવાય બીજુ કંઇ જ ઉકાળી શક્યા નથી. ભારત અને પાકિસ્તાનમાં સૌથી મોટો ફેર એ છે કે, ભારત તેની સેનાનો ઉપયોગ પાકિસ્તાન તરફથી થતાં આતંકવાદી હુમલાઓ રોકવા, ઘૂસણખોરી રોકવા માટે કરે છે જ્યારે પાકિસ્તાન તેની સેનાનો ઉપયોગ આતંકવાદી કેમ્પ ઉભા કરવા અને આતંકવાદીઓને ભારતમાં ભાંગફોડ પ્રવૃત્તિ કરવા માટે કરે છે. વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિથી ભારતનો તો વાળ પણ વાંકો થયો નથી પરંતુ પાકિસ્તાનની કમર તૂટી ગઇ છે. હવે પાકિસ્તાનની હાલત એવી છે કે તેની પાસે જેટલું વિદેશી હુંડિયામણ બચ્યું છે તે એક મહિનો પણ ચાલી શકે તેમ નથી. અને સૌથી ખરાબ સ્થિત તો અનાજની છે.

ત્યાં લોકોને લોટ પણ પાકિસ્તાન સરકાર પૂરો પાડી શકતી નથી અને એજ કારણ છે કે, પાકિસ્તાનમાં એક કિલો લોટનો ભાવ 160 રૂપિયા થઇ ગયો છે અને તે મેળવવા પણ વલખાં મારવા પડે છે. 20 કિલો લોટ માટે પાકિસ્તાનીઓ દિવસો સુધી રસ્તા ઉપર બેસીને રાહ જુએ છએ છતાં પણ તેમને લોટ મળશે કે કેમ તે નક્કી નથી. બલૂચિસ્તાનમાં છેલ્લા બે અઠવાડિયામાં લોટનું સંકટ ઘેરાયું છે. તેના કારણે રાજધાની ક્વેટામાં 20 કિલો લોટની કિંમત 2800 પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તો આ કિંમત 3200 રૂપિયાના રૅકર્ડ સ્તરે પહોંચી ગઈ છે. જે લોકો સરકારી ભાવે લોટ ખરીદવા માગે છે તેઓએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા બે અઠવાડિયાથી લોકો દિવસો સુધી લોટ ખરીદવા માટે દોડધામ કરી રહ્યાં છે. ઘરમાં કમાનાર એક વ્યક્તિ મજૂરી કરવા જાય છે. જ્યારે મહિલા લોટ માટે રઝળપાટ કરે છે. પાકિસ્તાનના ઇતિહાસમાં આવા કપરા દિવસો ક્યારેય નહીં આવ્યા તેવું ખુદ પાકિસ્તાનની જનતા કબૂલે છે. બલૂચિસ્તાનમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી લોટની અછતના કારણે તેની કિંમત સતત વધી રહી છે. પણ ખુદ બલૂચિસ્તાન સરકાર અને લોટના કારોબાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ વખતે સ્થિતિ વધુ ગંભીર છે.

વીતેલાં બે અઠવાડિયામાં જ 20 કિલો લોટની થેલીની કિંમતમાં 700 રૂપિયાનો વધારો થયો છે. બલૂચિસ્તાનને હાલ વસતી પ્રમાણે 100 કિલોગ્રામની દોઢ કરોડ ગૂણોની જરૂર છે. જ્યારે બલૂચિસ્તાનની વાર્ષિક ઉપજ લગભગ એક કરોડ ગૂણોની છે. એટલું ઓછુ હોય તેમ ડૉલરનો ભાવ વધવાથી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સરકારી ભાવોની તુલનામાં ઓપન માર્કેટમાં ઘઉંની કિંમતો વધારે હતી. જેથી ખેડૂતો પોતાના ઘઉં પ્રાઇવેટ લોકોને વેચી દીધા હતાં. પાકિસ્તાનમાં લોટ માટેની ધક્કામુક્કીમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. સિંઘ રાજ્યના મીરપુર ખાસ જિલ્લામાં ફૂડ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રકમાં લોટનાં પેકેટ મોકલવામાં આવ્યાં હતાં અને તે ઓછી કિંમતે વેચાવાનાં હતાં.

ટ્રક ભરીને પેકેટ આવ્યાં છે, તે જોઈને લોકોની ભીડ ઊમટી અને જોતજોતામાં ભીડ વધવા લાગી. લોટનાં પેકેટ લેવા ધક્કા-મુક્કી થઈ અને એકબીજાના હાથમાંથી પેકેટ ઝૂંટવી લેવા ધમાલ મચી હતી. આ ધમાલમાં કેટલાય લોકો ઘાયલ થયા હતાં. 35 વર્ષના એક મજૂરને લોકો પગ હેઠળ કચડતા રહ્યા ત્યાં તે મૃત્યુ પામ્યો છે તેનું પણ કોઈને ધ્યાન ન રહ્યું. બીજા એક બનાવમાં શહીદ બેનઝિરાબાદ જિલ્લાના સકરંદ નામના ગામડામાં અનાજ દળવાની મિલ બહાર સસ્તો લોટ ખરીદવા ભીડ જમા થઈ હતી અને ત્યાં પણ ઝૂંટાઝૂંટી અને ભાગદોડ થઈ હતી. આ બનાવમાં ત્રણ મહિલાનાં મોત થયાં હતાં. આ તો વાત થઇ માત્ર લોટની પરંતુ પાકિસ્તાન સરકાર લોકોને સરખી વીજળી પણ પૂરી પાડી શકતી નથી એટલું જ નહીં આગામી દિવસોમાં જો પાકિસ્તાનનું વિદેશી હુંડિયામણ નહીં વધે અને જો ખાડીના દેશો તેની મદદ નહીં કરે તો શ્રીલંકાની જેમ પાકિસ્તાનના પેટ્રોલ પંપ ઉપર પણ લોકોની લાઇ જોવા મળશે.

Most Popular

To Top