World

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી, 24 લોકોના મોત

નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) દક્ષિણપૂર્વના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના (Rain) કારણે વિનાશ સર્જાયો છે. વરસાદના કારણે પૂર (Flood) અને ભૂસ્ખલનમાં (Landslides) 24 લોકોના મોત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે બ્રાઝિલના દક્ષિણ-પૂર્વના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું છે. જેના કારણે લગભગ 2 ડઝન લોકોના મોત થયા અને સેંકડો લોકો બેઘર બન્યા છે.

દક્ષિણપૂર્વના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે તબાહી થતા પૂરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બચાવકર્મીઓ સમગ્ર વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. જે સ્થળોનો સંપર્ક અન્ય સ્થળોથી તૂટી ગયો છે તે સ્થાનોને પુનઃસ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પૂર અને ભૂસ્ખલન જેવા કુદરતી આફતના કારણે રસ્તાઓ અને ઘણા વિસ્તારનો સંપર્ક તૂટ્યા છે. તેથી બચાવકર્મી સહિત અનેક મોટી એજન્સીઓ રસ્તાઓની સફાઈની સાથે તૂટેલા રસ્તાઓનું સમારકામ કરી છે. આમ છતાં હજુ પણ ઘણા રસ્તાઓ બંધ છે. આનાથી બ્રાઝિલના કાર્નિવલની ઉજવણીમાં ભાગ લેવા માટે મુસાફરી કરતા અસંખ્ય પ્રવાસીઓ ફસાયેલા છે. બ્રાઝિલના સૌથી ધનાઢ્ય રાજ્ય, સાઓ પાઉલો રાજ્યની સરકારે દરિયાકાંઠાના પ્રદેશમાં 600 મિલીમીટર (23.62 ઇંચ) કરતાં વધુ વરસાદને કારણે 24 લોકોના મોત અને 566 લોકો બેઘર થયાની પુષ્ટિ કરી છે.

ભારે વરસાદ પડવાની સંભાવના
જો કે, હવામાનની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે સાઓ પાઉલોના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે. જેના કારણે બચાવકર્તાઓ સામે પડકાર વધશે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. બ્રાઝિલની સંઘીય સરકારે પૂર પીડિતોની મદદ કરવા, માળખાકીય સુવિધાઓ પુનઃસ્થાપિત કરવા અને પુનઃનિર્માણ શરૂ કરવા માટે અનેક મંત્રાલયોને એકત્ર કર્યા છે. જ્યારે સાઓ પાઉલો રાજ્યે 6 શહેરો માટે 180 દિવસ માટે ડિઝાસ્ટર સ્ટેટ જાહેર કર્યું છે. જેને નિષ્ણાતો અભૂતપૂર્વ ભારે હવામાન ઘટના ગણાવી રહ્યા છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે
અહેવાલો અનુસાર, લેટિન અમેરિકાના સૌથી મોટા બંદર સેન્ટોસ પર શનિવારે 55 કિલોમીટર પ્રતિ મિનિટ (34.18 માઇલ પ્રતિ કલાક)થી વધુની ઝડપે પવન ફૂંકાતા અને એક મીટરથી વધુ ઊંચા મોજાઓ વચ્ચે કામગીરીને અસર થઈ હતી. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેઓ સોમવારે મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

Most Popular

To Top