World

ભંયકર પૂરથી પાકિસ્તાનમાં 3 કરોડ લોકો પ્રભાવિત, હજારથી વધુ લોકોએ ગૂમાવ્યો જીવ

પાકિસ્તાન: પાકિસ્તાનના (Pakistan) સિંધ (Sindh) અને બલૂચિસ્તાનમાં (Balochistan) પૂરના (Flood) કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. એક દાયકાના ભયંકર પૂર સામે ઝઝૂમી રહેલા દેશના ઘણા રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે શનિવારે કહ્યું કે સેનાને પ્રભાવિત વિસ્તારોમાં મદદ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પૂરના કારણે 3.30 કરોડ લોકો પ્રભાવિત થયા છે.

પાકિસ્તાનમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 982 લોકોના મોત થયા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અનુસાર, છેલ્લા 24 કલાકમાં 45 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 113 લોકો ઘાયલ થયા છે. આ સાથે ઘાયલોની સંખ્યા વધીને 1,456 થઈ ગઈ છે.

સિંધ અને બલૂચિસ્તાન પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અહીં મોટાપાયે પૂરે વિનાશ સર્જ્યો છે. પાકિસ્તાન રેલ્વેએ સિંધ અને બલૂચિસ્તાનના ઘણા વિસ્તારોની ટ્રેનો રદ કરી દીધી છે. ત્યારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે ખરાબ હવામાનને કારણે શુક્રવારે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી.

ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે ભંયકર પૂરથી લોકોને બચાવવા માટે સેનાને બોલાવવામાં આવી છે. હાલ પાકિસ્તાનમાં ઈમરજન્સી લગાવવામાં આવી છે જેથી આવા સમયે સેના સ્થાનિકો લોકોની મદદ કરી શકશે. પૂરને કારણે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખરાબ રીતે અસર થઈ છે. NDMA એ અહેવાલ આપ્યો છે કે પૂરમાં 3,161 કિમીથી વધુ રસ્તાઓને નુકસાન થયું હતું અને 149 પુલ ધોવાઈ ગયા હતા, જ્યારે 682,139 મકાનોને પૂરમાં સંપૂર્ણ અથવા આંશિક નુકસાન થયું હતું. પાકિસ્તાનમાં અભૂતપૂર્વ વરસાદને કારણે આવેલા પૂરમાં અડધાથી વધુ દેશ ડૂબી ગયો છે. 110 જિલ્લાઓમાં 57 લાખથી વધુ લોકો ખોરાક અને આશ્રય વિના જીવવા મજબૂર છે.

192 ટકાથી વધુ વરસાદ
NDMA ડેટા દર્શાવે છે કે છેલ્લા 30 વર્ષો દરમિયાન, પાકિસ્તાનમાં સરેરાશ ચોમાસાનો વરસાદ 132.3 મીમી હતો, જ્યારે આ વર્ષે 14 જૂનથી, તે 385.4 મીમી નોંધાયો છે. તે છેલ્લા ત્રણ દાયકા કરતાં લગભગ 192 ટકા વધુ છે. પાકિસ્તાનના પર્યાવરણ મંત્રી શેરી રહેમાને કહ્યું કે દેશમાં સામાન્ય રીતે દર વર્ષે ત્રણથી ચાર વખત મુશળધાર વરસાદ પડે છે. જો કે, આ વર્ષે અત્યાર સુધીમાં આઠ વખત વરસાદ પડી ચૂક્યો છે અને હજી વધુ વરસાદ પડવાની સંભાવના છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે ઈસ્લામાબાદ સ્થિત રાજદ્વારી કોર્પ્સના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો અને અન્ય વરિષ્ઠ સભ્યોના જૂથ સાથેની બેઠકમાં દેશમાં પૂરની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

Most Popular

To Top