રાજસ્થાન: ચક્રવાતી તૂફાન બિપોરજોય (Biporjoy) ગુજરાતમાં (Gujarat) તબાહી મચાવ્યા પછી હવે રાજસ્થાનમાં (Rajasthan) તબાહી મચાવી રહ્યું છે. ધણાં જિલ્લાઓમાં છેલ્લાં 24 કલાકથી ધોધમાર વરસાદ (Heavy rain) સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. રાજસ્થાનના બાડમેરમાં પૂરની સ્થિત સર્જાઈ છે. જાણકારી મુજબ બાડમેરમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બાડમેરમાં સ્થિત હજું ખરાબ થાય તેવા પણ અણસાર છે. જ્યારે સિરોહી અને જાલોરમાં ભારે વરસાદના કારણે સ્થિત કફોળી થઈ છે. રાજસ્થાનમાં બિપોરજોયે મચાવેલી તબાહીના કારણે 500 કરતા પણ વધારે ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. NDRF અને SDRFની ટીમ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડી રહી છે. હવામાન વિભાગ દ્વારા પ્રદેશના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે સ્થિત વધુ વણસી થાય તેવી આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાનમાં બિપોરજોયની અસરના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં 10 થી 13 ઇંચ વરસાદ નોંધાયો છે. જાલોર જિલ્લાના સાંચોરમાં સુરવા ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ડેમ તૂટવાને કારણે નર્મદા કેનાલમાં પાણી વધવાથી તે પણ તુટી ગઈ છે. હવે સૌથી વધુ ખતરો જયપુરથી 500 કિમીના અંતરે આવેલા સાંચોર શહેર પર મંડરાયો છે.
જોધપુર શહેરમાં છેલ્લા 10 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જોધપુરના મહામંદિર રોડ, પરકોટા શહેરના રોડ અને સોજતીગેટ રોડ પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં. ઉપરાંત બિપોરજોય વાવાઝોડાએ કરેલી તબાહીના પગલે રેલવેએ રવિવાર માટે ભીલડી, બાડમેર અને મુનાબાઓ રેલ સેક્શન પર 6 ટ્રેનો રદ કરી છે. બાડમેરથી પસાર થતી 14 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. પાલી જિલ્લામાં, તોફાનના કારણે નીચે પડેલા ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં એક સગીર સહિત બે લોકોનાં મોત થયાં હતાં.
હવામાન વિભાગે બાડમેર, જાલોર અને સિરોહીમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાલી અને જોધપુરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઝુંઝુનુ, જેસલમેર, બિકાનેર, અજમેર, ચુરુ, સીકર, ઉદયપુર, નાગૌર, જયપુર, જયપુર સિટી, રાજસમંદ, અલવર, કરૌલી, સવાઈ માધોપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, ટોંક, દૌસા, કોટા અને બુંદી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી સામે આવી છે કે બિપોરજોય વાવાઝોડું વર્ષ 2021માં આવેલા તાઉ-તે વાવાઝોડા અને 1998માં આવેલા ચક્રવાત કરતાં વધુ ખતરનાક છે. કારણ કે તે સમયે રાજસ્થાનમાં ભારે વધારે વરસાદ થયો ન હતો. અને જે તબાહી બિપોરજોય વાવાઝોડાએ મચાવી છે તે તાઉ-તે વાવાઝોડું આવ્યું તેણે પણ મચાવી ન હતી.