ભારે વરસાદના લીધે ભારતમાં જ ખાનાખરાબી સર્જાય તેવું નથી. કુદરત નારાજ થાય ત્યારે વિકસીત યુરોપીયન દેશોની હાલત પણ કફોડી બને છે. ભારે વરસાદના લીધે અમેરિકા અને યુરોપના રસ્તાઓ પર નદી વહેવા લાગી છે. સૈંકડો લોકો પોતાની કાર અને ઘરમાં ફસાઈ ગયા છે. પૂરના પાણીના જોરના લીધે ઘણી ઈમારતોમાં તિરાડ પડી ગઈ છે. ઠેરઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ઇટાલીના જીનોઆ પ્રદેશમાં ૧૨ કલાકના સમયમાં ૨૯ ઇંચ વરસાદ ખાબકતા ભારે પૂર આવ્યું છે. આ વરસાદ એ યુરોપ ખંડનો અત્યાર સુધીનો નોંધાયેલો સૌથી ભારે વરસાદ છે.
- યુરોપમાં અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ વરસ્યો, રસ્તા પર પાણી ફરી વળતા અમેરિકામાં સૈંકડો લોકો કારમાં ફસાઈ ગયા
- ઇટાલીના જીનોઆ વિસ્તારમાં ૧૨ કલાકમાં ૨૯ ઇંચ વરસાદ: યુરોપનો અત્યાર સુધીનો સૌથી ભારે વરસાદ
- રોસિંગલાયન નામના નગરમાં તો આખા વર્ષનો ૮૨.૯ ટકા વરસાદ એક જ દિવસમાં પડી ગયો: અનેક વિસ્તારોમાં ભારે પૂર
જીનોઆ એ ઇટાલીના (Italy Genoa) ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલો પ્રદેશ છે અને તેના હાલના ભારે વરસાદથી (Flood Due to Heavy Rain) સૌથી ખરાબ અસર થઇ છે, જેના રોસિંગલાઇન વિસ્તારમાં તો આખા વર્ષના વરસાદનો ૮૨.૯ ટકા વરસાદ આટલા સમયમાં જ પડી ગયો છે. સ્થાનિક સમય પ્રમાણે રવિવારે રાત્રે અને સોમવારે જીનોઆમાં અતિભારે વરસાદ થયો હતો. ઉનાળામાં અહીં વિક્રમી ગરમી પડ્યા બાદ હવે આ વિસ્તાર અતિભારે વરસાદનો ભોગ બન્યો છે. જીનોઆના રોસિંગલાયન નામના એક નગરમાં તો એક જ દિવસમાં આખા વર્ષનો ૮૨.૯ ટકા વરસાદ પડી ગયો હતો. ફ્રાન્સ (France) સાથેની સરહદ નજીક આવેલ લિગુરીયામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. દરિયાકાંઠે આવેલા સવોનાને પણ ભારે વરસાદ અને પૂરને કારણે વ્યાપક અસર થઇ હતી.
સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલા વીડિયોઝ અને તસવીરોમાં જોઇ શકાય છે કે શેરીઓમાં અને રસ્તાઓ પર ધસમસતા પાણી વહી રહ્યા છે. કેટલીક ઇમારતોમાં તો તિરાડ પડેલી પણ દેખાય છે.
અમેરિકાના આલાબામામાં એક દિવસમાં છ ઇંચ વરસાદ: ભારે પૂર
અમેરિકાના આલાબામા (Aalabama America) રાજ્યમાં એક જ દિવસમાં છ ઇંચ વરસાદ પડી જતાં ભારે પૂર આવ્યું છે. રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે અને ડઝનબંધ લોકો પોતાની કારમાં જ ફસાઇ ગયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા હતા. બુધવારે આલાબામામાં આ ભારે વરસાદ પડ્યો હતો અને તેના ભારે વસ્તીવાળા બર્મિંગહામ (Bermigham flood) વિસ્તારમાં પૂરની ચેતવણીઓ જારી કરવામાં આવી હતી. ડાઉનટાઉન બર્મિંગહામથી ૨૦ માઇલ દક્ષિણે પેલ્હામમાં પોલીસને મદદ માટેના ૩૦ કોલ્સ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે ૧૧.૧૫ કલાક સુધીમાં મળ્યા હતા. હૂવર સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પૂર આવ્યા હતા. બુધવારે રાત્રે તો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, ડઝનબંધ લોકો પોતાની કારોમાં જ ફસાઇ ગયા હતા. મોલ્સમાં અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.