હથોડા: કોસંબા (Kosmaba) જકાત નાકા નજીક સાવા રોડ પર એક પૂરપાટ ઝડપે ધસી આવેલા કાર (Car) ચાલકે પાંચ વર્ષના માસૂમ બાળકને અડફેટે લઇ ગંભીર ઇજા (Serious injury) પહોંચાડતાં બાળકને સુરત સારવાર માટે ખસેડતાં મોત (Death) થયું હતું.
મૂળ ડેડિયાપાડાનો રહેવાસી અને હાલ કોસંબા જકાતનાકા પાસે ઝૂપડું પાડીને રહેતા શ્રમજીવી નિતેશ વિજેસિંગ વસાવાનો આર્યન નામનો પાંચ વર્ષનો પુત્ર ઘરના ઝૂંપડાં બહાર રોડ પર રમતો હતો. ત્યારે સાવા રોડ પરથી ધસી આવેલી જીજે 16 ડીસી 0340 નંબરને સ્વિફ્ટ કારના ચાલકે પાંચ વર્ષના માસૂમ આર્યનને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં સુરત સારવાર માટે ખસેડતાં નજીવી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માત (Accident) સર્જીને કારચાલક ભાગી ગયો હતો. પરંતુ ઘટનાને નજરે નિહાળનારા લોકોએ કારનો નંબર પોલીસને આપતાં પોલીસે કારના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
અંકલેશ્વરના ખરોડ હાઇવે પર અકસ્માતના બે બનાવમાં બેનાં મોત
અંક્લેશ્વર: અંકલેશ્વરના નેશનલ હાઇવેને અડીને આવેલા ખરોડ ગામ નજીક જુદાં જુદાં બે સ્થળે અજાણ્યા વાહનની ટક્કરે સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતમાં બે ઈસમોનાં મોત નીપજ્યાં હતાં.
સુરતના માંગરોળના પીનપુરના ૪૯ વર્ષીય ગીરીશ ગોવિંદ વસાવા પોતાની સાઈકલ લઇ અંકલેશ્વર ખરોડ વચ્ચે નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. એ દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે તેમની સાઈકલને ટક્કર મારી વાહન લઇ ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં ગીરીશ વસાવાને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજા અકસ્માતમાં અંકલેશ્વરના કાપોદ્રા ગામના ૩૪ વર્ષીય શરીફ ઐયુબ પટેલ પોતાની એક્ટિવા લઇ નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા. એ દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી વાહન લઇ ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં શરીફ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.