એક રાજાને ત્યાં રાજકુંવરનો જન્મ થયો, ઉત્સવ થયો અને રાજા રાણીની દેખરેખ હેઠળ કુંવર મોટો થવા લાગ્યો. રાણી પોતાના કુંવરને રોજ જાતે જમાડતાં અને પછી જ રાજા રાણી પોતે જમતાં. એક દિવસ રાજા વહેલા ભોજનશાળામાં આવ્યા. જોયું તો રાણી કુંવરની થાળી પીરસી રહ્યાં હતાં. કુંવરને ભાવતાં ભોજની થાળી સજેલી હતી. કુંવરને જમાડવાનું શરૂ કરવા પહેલાં રાણીએ કુંવરને હાથ પગ ધોવા કહ્યું…પછી હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના કરવા કહ્યું. રાજા દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. પ્રાર્થના થઈ જતાં રાણીએ પહેલો કોળિયો કુંવરને ખવડાવ્યો…પહેલા કોળિયા રૂપે રાણીએ કુંવરને માત્ર રોટલીનો નાનો ટુકડો ખવડાવ્યો!!
રાજાએ આ જોયું, તેમને ન ગમ્યું કે થાળમાં આટલાં કઠોળ, શાક ,દાળ હોવા છતાં રાનીએ કુંવરને સાવ સૂકી રોટલી કેમ ખવડાવી? રાજા રાણી પાસે ગયા અને તરત જ સવાલ કર્યો કે ‘‘મહારાણી, તમે આપના કુંવરને સૂકી રોટલી કેમ ખવડાવી? થાળ તો વિવિધ પકવાનોથી ભરેલો છે.’’ કુંવર તરત બોલ્યો, ‘પિતા મહારાજ, આ તો માતાએ બનાવેલો નિયમ છે. હું રોજ સૌથી પહેલાં સૂકી રોટલીનો કોળિયો ખાઉં છું. પછી જે હોય તે ખાઉં છું.’’રાજાએ રાણીની સામે જોયું અને પૂછ્યું, ‘‘મહારાણી આપણા કુંવરે પહેલો કોળિયો સૂકી રોટલીનો ખાવો પડે એવો કેવો નિયમ અને શા માટે?’’ રાણીએ કહ્યું, ‘‘મહારાજ, શાંત થાવ અને બેસો.
આ નિયમ અને કારણ બંને સમજાવું છું.આપણો કુંવર જ્યારથી સમજણો થયો ત્યારથી હું આ નિયમ પાળું છું અને પહેલો કોળિયો સૂકી રોટલીનો જ ખવડાવું છું અને તમારું ધ્યાન નહિ હોય, આ નિયમ હું પણ વર્ષોથી પાળી રહી છું.’’ રાજા બોલ્યા, ‘‘પણ આવો વિચિત્ર નિયમ શા માટે?’’ રાણીએ કહ્યું, ‘‘રાજાજી, આ વિચિત્ર નિયમ નથી. આ પાયાની સમજ છે.આપણો કુંવર આવતી કાલનો રાજા છે એટલે તેને દુનિયાની હકીકતથી વાકેફ કરાવવો જરૂરી છે એટલે તેને યાદ રહે કે તેની પ્રજામાં ઘણાં એવાં છે કે જેઓ માત્ર સૂકી રોટલી ખાઈને ગુજારો કરે છે અને દુનિયામાં એવા પણ ઘણા લોકો છે જેમને સૂકી રોટલી પણ ખાવા મળતી નથી.
જેથી તેને રોજ એક કોળિયો ખવડાવી હું બે વાત યાદ અપાવું છું. એક કે તેને આટલા પકવાન રોજ મળે છે. તેને માટે ઈશ્વરના આભારી રહેવું અને તેણે રાજા બની પોતાની સૂકી રોટલી ખાતી પ્રજાના કલ્યાણ માટે સતત સારાં કામ કરવાનાં છે.’’ રાજાએ કહ્યું, ‘‘મહારાણી, એક માતા સો શિક્ષક બરાબર હોય તે તમે આજે સાબિત કર્યું છે. આપણા કુંવરને તમે રોજ પહેલા કોળિયા સાથે પાયાની સમજ આપો છો.’’ પહેલો કોળિયો માત્ર સૂકી રોટલીનો ખાઈને ઈશ્વરનો આભાર માનવો કે આપણે નસીબદાર છીએ કે ભોજનની થાળી મળે છે અને જીવનમાં જેને સૂકી રોટલી પણ માંડ મળે છે તેમને કૈંક મદદ કરવા તત્પર રહેવું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.