SURAT

સુરતમાં કોલેરાનો પહેલો કેસ નોંધાયો, પાંડેસરાની સગર્ભા મહિલાને સિવિલમાં દાખલ કરાઈ

સુરત: છેલ્લાં કેટલાંક દિવસો સુરત શહેરમાં ઝાડા ઉલટીના (Diarrhea Vomiting) કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. પાછલા પાંચ દિવસમાં ઝાડા ઉલટીના લીધે મોતના બનાવ સામે આવી રહ્યાં છે ત્યારે સુરતમાં કોલેરાનો (Cholera) પહેલો કેસ બહાર આવતા સુરત મનપા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

ઝાડા ઉલટીની ફરિયાદ બાદ સુરતની સગર્ભા મહિલાને (pregnant woman) કોલેરા થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતી આ મહિલાને હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Hospital) દાખલ કરવામાં આવી છે. કોલેરા અંગે સુરત મનપાને જાણ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરામાં રહેતી નીતુ વર્મા નામની સગર્ભા મહિલાને ઝાડા ઉલટીની સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરાઈ હતી. અહીં તેનો બ્લડ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેમાં મહિલાને કોલેરા થયો હોવાનું બહાર આવ્યું હતું.

દર્દી નીતુ વર્માના પતિ ચંદ્રબલી વર્માએ જણાવ્યું હતું કે 12 મીની રાત્રે અચાનક તેણીને ઝાડા-ઉલટી શરૂ થઈ જતા ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક તેણીને લઈ સિવિલ દોડી આવ્યા હતા. જ્યાં નીતુને તાત્કાલિક દાખલ કરી દેવાઈ હતી. ત્યારબાદ સતત સારવાર ચાલી રહી હતી.

દરમિયાન આજે કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ડોક્ટરો એ જણાવતા માનસિક તણાવમાં આવી ગયા હતા. જોકે ડોક્ટરોએ વિશ્વાસ આપતા હાલ રાહત અનુભવી રહ્યા છે. નીતુની તબિયત સારી છે. સારવાર પણ યોગ્ય રીતે ચાલી રહી છે.

દર્દીના પતિએ વધુમાં જણાવ્યું હતું કે નીતુને 7 માસ નો ગર્ભ છે. પહેલું જ બાળક છે. ભાઈ-ભાભી અને એક દીકરી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેઓ મિલમાં લોડિંગ-અનલોડિંગ ઓપરેટર તરીકે કામ કરે છે. મૂળ બિહારના વતની છે.

સિવિલના તબીબોએ જણાવ્યું હતું કે કોલેરા ગંભીર બીમારી છે. આ પાણીથી થતી બીમારી છે. જે સ્થળ પર કોલેરાગ્રસ્ત મહિલા રહેતી હોય એ વિસ્તાર ના ઝાડ-ઉલ્ટીના તમામ કેસો ની યોગ્ય સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. તેમજ કોલેરાના રિપોર્ટ પણ કઢાવવા જરૂરી છે. જે તે વિસ્તારમાં પાણી સપ્લાયની લાઈન પણ ચેક કરાવી જરૂરી છે. હાલ કોલેરાના કેસ અંગે સુરત પાલિકાને જાણ કરી દેવામાં આવી છે અને સગર્ભા મહિલાની સિવિલમાં સારવાર ચાલી રહી છે.

ડો. આશિષ નાયક (આરોગ્ય અધિકારી પાલિકા) એ જણાવ્યું હતું કે મારા ધ્યાન પર નથી પરંતુ જો કોલેરા પોઝિટિવ હશે તો ચોક્કસ સર્વે કામગીરી કરાશે અને પાણીના સેમ્પલ લેવાશે.

Most Popular

To Top