સુરત(Surat): કામરેજ-કઠોદરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં (FarmHouse) રવિવારની રાત્રે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ (Firing) થતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા કામરેજ પોલીસ સહીત જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવતા તપાસ ચાલુ કરાઈ હતી. રોડ પર રિલ્સ બનાવવા ને લઇ થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મારામારી અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
- કઠોદરાના ફાર્મ હાઉસમાં રવિવારની રાત્રે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ : કોઈ જાનહાનિ નહી
- રોડ પર રિલ્સ બનાવવા ને લઇ થયેલો ઝગડો ફાયરિંગ સુધી પહોંચ્યો : કામરેજ પોલીસે તપાસ હાથ ધરી
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ફાયરિંગ ફાર્મ હાઉસના માલિકે કર્યું હતું જેને લઈ અફરાતફરીનો માહોલ ઉભો થઇ ગયો હતો. દારૂની મહેફિલ બાદ નશામાં ફાયરિંગ કરાયું હોવાની વાત સામે આવી રહી છે. આ ઘટનામાં જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નથી પણ જાહેરમાં ફાયરિંગ એ કોઈ પણ નિર્દોષનો જીવ લઈ શકે છે એ વાત ને નકારી શકાય નહીં.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે ભાઈઓ વચ્ચે આંતરિક ઝઘડામાં એક ભાઈએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બંન્ને પક્ષકારો એ સામ સામી ફરિયાદ નોંધાવતા ત્રણ સામે ગુનો નોંધાયો છે. ઘટના બાદ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. હાલ શાંતિનો માહોલ છે તપાસ ચાલી રહી છે.