બારડોલી: (Bardoli) બારડોલી નગરપાલિકા દ્વારા શનિવારે બપોર બાદ ફાયર સેફ્ટી (Fire Safety) અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી કોમર્શિયલ હાઈરાઇઝ બિલ્ડિંગ (Highrise Building) સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરની મિલેનિયમ મોલ શોપિંગ સેન્ટર અને રવિરાજ કોમ્પ્લેક્સની દુકાનો (Shops) સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 67 જેટલાં કોમ્પ્લેક્સ પણ સીલ કરવામાં આવશે એમ નગરપાલિકાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી પીઆઇએલ 118/2020 અન્વયે તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા બાબતે કોમર્શિયલ હાઈરાઇઝ બિલ્ડિંગોને વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. જે અંતર્ગત જે બિલ્ડિંગોએ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી ન હોય તેમની સામે કડક કાર્યવાહી કરી બિલ્ડિંગ સીલ કરવા માટે પ્રાદેશિક અગ્નિશમન કાર્યાલય દ્વારા જે-તે નગરપાલિકાને લેખિત સૂચના આપવામાં આવી હતી.
જે સૂચનાને આધારે બારડોલી નગરપાલિકા શનિવારે બપોર બાદ નોટિસ છતાં ફાયર સેફ્ટી ઊભી ન કરનાર મિકલતોને સીલ કરવા માટે નીકળી હતી. બારડોલી નગરપાલિકાની ટીમ દ્વારા સૌપ્રથમ સ્ટેશન રોડ પર આવેલા મિલેનિયમ મોલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં અંદાજિત તમામ 80 જેટલી મિલકતને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજની બાજુમાં આવેલા રવિરાજ કોમ્પ્લેક્સમાં પણ નગરપાલિકા દ્વારા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
બારડોલી શહેર વિસ્તારમાં આવી 67 જેટલી મિલકત છે. જેને વારંવાર નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટી અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યું નથી. આ તમામ મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. શનિવારે મોડી સાંજ સુધીમાં શહેરનાં ત્રણથી વધુ શોપિંગ સેન્ટર અને કોમ્પ્લેક્સની 200 જેટલી દુકાનને સીલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત રહેણાક બહુમાળી ઇમારતોને પણ હાલ નોટિસ આપવામાં આવી રહી છે. જો તેમાં પણ અગ્નિશમનની સુવિધા ઉપલબ્ધ ન થાય તો રહેણાક ઇમારતોને પણ સીલ કરવામાં આવશે એમ બારડોલી ફાયર વિભાગના અધિકારી પી.બી.ગઢવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે,ફાયર સેફ્ટીને વારંવાર નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.છતાં સુવિધા ઊભી નહીં થતાં પ્રાદેશિક કચેરીની સૂચના મુજબ સીલિંગ કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
નવસારીમાં ફાયર એન.ઓ.સી. નહીં લેનારી મિલ્કતો સીલ
નવસારી : નવસારી-વિજલપોર નગરપાલિકાએ ફાયર એન.ઓ.સી. નહીં લેનાર નવસારીમાં 2 અને વિજલપોરમાં 1 મિલ્કત સીલ કરી દેતા ફાયર એન.ઓ.સી. નહીં લેનારા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
ગુજરાત સરકારના આદેશ મુજબ નવસારી-વિજલપોર નગરપાલિકા ફાયરની સુવિધા કરી ફાયર એન.ઓ.સી. લેવા માટે શાળા-કોલેજ અને હોસ્પિટલોને નોટિસો આપી હતી. જોકે પાલિકા વિસ્તારની શાળા-કોલેજો અને હોસ્પિટલોમાં ફાયરની સુવિધા કરી ફાયર એન.ઓ.સી. લેવામાં આવી છે. પરંતુ ત્યારે નવસારીની કોમર્શિયલ મિલ્કત અને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સુવિધાની માત્ર ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે ફાયરની સુવિધા નહીં કરનાર સામે પગલાં ભરવામાં આવ્યા ન હતા. દરમિયાન નવસારીમાં કેટલીક કોમર્શિયલ મિલ્કતમાં આગ લાગવાની ઘટના બની હતી. પરંતુ સરકારનો આદેશ નહીં હોવાથી નગરપાલિકાનો ફાયર વિભાગ લાચાર બની બેસી રહ્યા હતા.
આજે નવસારી-વિજલપોર નગરપાલિકાએ નવસારીમાં આવેલી પ્રભાકુંજ હાઈટ્સ બિલ્ડિંગમાં ચકાસણી કરી હતી. પરંતુ તેમણે ફાયર એન.ઓ.સી. નહીં લેતા ફાયર વિભાગે પ્રભાકુંજ હાઈટ્સ સીલ કરી દીધું હતું. ત્યારબાદ નવસારી રંગવિહારની બાજુમાં આવેલી મિલ્કત અને વિજલપોર ફાયર બ્રિગેડની સામે આવેલી બિલ્ડીંગની દુકાનને ફાયર એન.ઓ.સી. નહીં લેતા સીલ કરવામાં આવી છે. પાલિકાના ફાયર વિભાગની આ કામગીરીને પગલે ફાયર એન.ઓ.સી. નહીં લેનાર લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
ફાયર NOC મામલે ઉમરગામ નગરપાલિકાનું તંત્ર હરકતમાં
ઉમરગામ: ફાયર NOC મુદ્દે ઉમરગામ નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને બે બિલ્ડિંગોની ઓફિસો સીલ કરવામાં આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત સૂત્ર પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી નહીં હોય તેવી બિલ્ડીંગો એપાર્ટમેન્ટ સામે પગલા ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં આવેલી વૃંદા રેસીડેન્સી સહિત બે બિલ્ડીંગ એપાર્ટમેન્ટની ઓફિસને તાળુ મારી સીલ કરી ઉમરગામ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.