1 ફેબ્રુઆરીએ શરૂ થનાર બજેટસત્ર અગાઉ નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારામણે (Nirmala Sitharaman) પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેઓએ કોંગ્રેસના સમયમાં થયેલ એન્ટ્રીક્સ દેવાસ સોદાના મામલે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે કોંગ્રેસે કરેલો આ સોદો ભારત સાથેની છેતરપિંડી છે તેમજ આ એક ખૂબ મોટું કૌભાંડ હતું. આ કૌભડમાં રાષ્ટ્રીય હિતોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. કોગ્રેસે ખાનગી કંપનીને આ ખાસ સ્પેકટ્રમ આપી દીધું છે. તેમજ આ ખાસ સ્પેક્ટ્રમને તેના સાગરિતોને નકામા ભાવે વેચી દીધું અને આ અંગેની જાણકારી કેબિનેટને પણ ન આપી કેબિનેટને અંધારામાં રાખ્યું છે.
મળતી માહિતી મુજબ 90 ટકા સેટેલાઇટ ખાનગી પાર્ટીને આપી દેવામાં આવી કે જે હજુ લોન્ચ થઈ નથી. 2011માં એક ઈન્ટરવ્યૂમાં તે સમયના ટેલિકોમ મિનિસ્ટર કપિલ સિબ્બલે કહ્યું હતું કે કેબિનેટને તેની કોઈ જાણ નથી. ઈસરો પીએમઓ હેઠળ આવે છે. એન્ટ્રીક્સ દેવાસ મામલો ભારતના લોકો સાથે થયેલી છેતરપિંડી હતી તેમજ આ આખા દેશ વિરૃદ્ધની છેતરપિંડી છે. તેમણે જણાવ્યું કે 2005ની સાલમાં થયેલો દેવાસ સોદો દેશની સુરક્ષા વિરૃદ્ધનો હતો. તેમણે આ સોદા માટે તત્કાલીન યુપીએ સરકારને જવાબદાર ઠેરવી છે. યુપીએ સરકારની લાલચને કારણે મોદી સરકારને ઘણા આંતરરાષ્ટ્રીય કેસ લડવા પડ્યાં.
2005 માં થયેલી ફ્રોડ ડીલને રદ્દ કરવામાં 6 વર્ષ લાગ્યા
2005માં અંતરિક્ષ અને દેવાસની ડીલ થઈ હતી. ત્યારે દેશમાં યૂપીએ સરકાર હતી. સરકારને ડીલ બાદ તેને રદ્દ કરવામાં છ વર્ષ લાગી ગયા. ફેબ્રુઆરી 2011માં યૂપીએએ આ એગ્રીમેન્ટને રદ્દ કરી. ત્યારે કોંગ્રેસના મંત્રીઓએ ઘણા નિવેદન આપ્યા હતા. એક ખાનગી કંપનીને ખાસ સ્પેક્ટ્રમ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસની સરકાર હોવાની લીધે આ ફ્રોડ ડીલને રદ્દ કરવામાં 6 વર્ષ લાગ્યા. સુપ્રીમ કોર્ટે NCLTના નિર્ણયને યથાવત રાખ્યો હતો, જેની સરકાર દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેવાસને લિક્વિડેશનની પ્રક્રિયા શરૂ થશે. નાણામંત્રીએ જણાવ્યું કે અમે કરદાતાઓના પૈસા બચાવવા માટે લડી રહ્યા છીએ.
એન્ટ્રીક્સ દેવાસ સોદા મામલે કેબિનેટને ગેરમાર્ગે દોરવામાં આવી
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે દેવાસ 579 કરોડ રૂપિયાનું રોકાણ લાવતો હતો. આ રોકાણમાંથી તે 85 ટકા રકમ વિદેશ મોકલી આપતો હતો. જે દેશ સાથે કરવામાં આવેલી છેતરપિંડી છે. કેબિનેટની સામે ગેરમાર્ગે દોરનારી નોટ રજૂ કરવામાં આવી, જેનાથી સ્પષ્ટ રીતે જોય શકાય છે કે કંપનીનો કારોબાર ફ્રોડ હતો. તેથી કોંગ્રેસને ક્રોની કેપિટેલિઝ્મ પર વાત કરવાનો કોઈ હક નથી. નાણામંત્રીએ કહ્યું કે સીબીઆઈ અને ઈડી પણ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ તેઓ આ મામલે કંઈ કહી શકે તેમ નથી. કોંગ્રેસ સરકારે રાષ્ટ્રહિત માટે કોઈ કાર્ય કર્યુ નથી. આજે મોદી સરકાર દ્વારા આ રાષ્ટ્રહિતનું કામ કરવામાં આવી રહ્યું છે.