સુરત: (Surat) સુરતમાં વહેલી સવારે ભારે વરસાદ (Rain) વરસ્યો હતો. બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા, કાદરશાની નાળ સમેત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. હજી તો સુરતમાં ચોમાસાએ (Monsoon) એન્ટ્રી પણ નથી કરી ત્યાં તો એક ઇંચ વરસાદમાં જ સુરત મનપા (Corporation) તંત્રી પોલ ખુલ્લી પડી ગઈ હતી. વરસાદી માહોલ છવાતાં શહેરના વરાછા વિસ્તારમાં અર્ચના ખાડી પાસે પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખાડી પાસે રોડ પર ખાડીનાં પાણી ભરાઇ (Filled with water) જતા રસ્તા પરની ગટરો બ્લોક થઇ ગઇ હતી. જેના કારણે પાણીનો નિકાલ ન થઇ શકતા પાણીનો ભરાવો વધ્યો હતો. જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાત સમેત દક્ષિણ ગુજરાત અને સુરતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના પગલે સુરત શહેરમાં કેટલાક દિવસોથી સવારે અને મોડી રાત્રે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં મોડીરાતથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જે વહેલી સવાર સુધી અવિરત રહ્યું હતું. જેના કારણે શહેરના અનેક રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. વહેલી સવારે સુરત સિટીમાં બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
વરસાદના પગલે શહેરમાં વહેલી સવારે નોકરી ધંધા માટે જતાં લોકો ને પણ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જે કેટલાક વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉભા થવા પામ્યા છે. વરાછાના પુણા અને ગાયત્રીનગરમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુઠણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જૂન દરમિયાન ચોમાસું વિધિવત્ બેસી જાય એવી સંભાવના વર્તાઇ રહી છે. સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ બે વરસાદી સિસ્ટમથી ચોમાસું બેસવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે.