એક વર્ષ કરચાં પણ વધુ સમય પછી ટર્ફ પર ઉતરેલી ભારતીય હોકી ટીમે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરતાં એફઆઇએચ પ્રો લીગની બે મેચમાંની પહેલી મેચમાં ઓલિમ્પિક્સ ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવ્યું હતું. અહીં શનિવારે રમાયેલી મેચમાં બંને ટીમનો સ્કોર 2-2થી સરખો રહ્યા પછી પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ટીમે આર્જેન્ટીનાને 3-2થી હરાવ્યું હતું.
મેચ દરમિયાન ભારત વતી પહેલો ગોલ હરમન પ્રીત સિંહે કર્યો હતો અને તે પછી આર્જેન્ટીનાએ સ્કોર બરોબર કરીને થોડીવારમાં જ સ્કોર 2-1 કરી લીધો હતો. જો કે મેચ પુરી થવાની છ સેકન્ડ પહેલા હરમનપ્રીતે બીજો ગોલ કરીને સ્કોર 2-2ની બરોબરી પર મુકી દીધો હતો. તે પછી પેનલ્ટી શૂટઆઉટમાં ગોલકિપર શ્રીજેશે પોતાનો કમાલ બતાવ્યો હતો અને તેના કારણે આર્જેન્ટીના પાંચમાંથી માત્ર બે ગોલ જ કરી શક્યું હતું અને તેના કારણે ભારતીય ટીમને મેચ જીતવામાં કોઇ મુશ્કેલી નડી નહોતી.
શ્રીજેશે શૂટઆઉટમાં લુકાસ વિલા, ફરેરો અને ઇગ્નેસિયો ઓટઝના પ્રયાસને મારી હટાવ્યા હતા. તે પછી દિલપ્રીત સિંહે આર્જેન્ટીનાના અનુભવી ગોલકિપર જુઆન વિવાલ્ડીને છક્કડ ખવડાવીને ગોલ કરવાની સાથે ભારતીય ટીમની જીત નિશ્ચિત બનાવી હતી. આ પરિણામની સાથે ભારતીય ટીમે બોનસ પોઇન્ટ મેળવ્યો હતો અને સાત મેચમાં 12 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને પોતાની સ્થિતિને મજબૂત કરી હતી. આર્જેન્ટીના આટલી જ મેચમાં 11 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.