National

‘પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી, તો અમે ગુંડા છે’, 20 વર્ષ બાદ ભેગા થયેલા ઠાકરે બંધુઓની ગર્જના

આજે તા. 5 જુલાઈને શનિવારના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. લગભગ બે દાયકા પછી ઠાકરે પરિવારના બે પિતરાઈ ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક જ મંચ પર દેખાયા. વર્લીના NSCI ડોમ ખાતે આયોજિત ‘આવાઝ મરાઠીચા’ નામની મેગા રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ ત્રણ ભાષાના ફોર્મ્યુલાને પાછો ખેંચવાના સરકારના નિર્ણયને મરાઠી ઓળખનો વિજય ગણાવ્યો અને આ નિર્ણય પાછળ મરાઠી એકતાને શ્રેય આપ્યો.

મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે મુંબઈમાં એક સંયુક્ત રેલી કરી. તેને ‘વિજય રેલી’ નામ આપવામાં આવ્યું હતું. રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે 20 વર્ષ પછી ઉદ્ધવ અને હું સાથે આવ્યા છીએ. બાળાસાહેબ જે ન કરી શક્યા તે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું છે. આપણા બંને (રાજ અને ઉદ્ધવ) ને સાથે લાવવાનું કામ. રાજના આ નિવેદનથી આખા પંડાલમાં તાળીઓનો ગડગડાટ થયો. કોઈનું નામ લીધા વિના તેમણે સ્પષ્ટપણે કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં. જો કોઈ મુંબઈ પર હાથ નાંખવાની હિંમત કરશે તો મરાઠી લોકો લોકોની સાચી શક્તિ જોશે.

ઉદ્ધવે કહ્યું- જો પોતાની ભાષા માટે લડવું ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ
ઉદ્ધવે કહ્યું અમે હિન્દુ છીએ. અમને હિન્દુ ધર્મ શીખવવાની જરૂર નથી. મુંબઈમાં 92ના રમખાણોમાં મરાઠી લોકોએ જ હિન્દુઓને બચાવ્યા હતા. જો પોતાની ભાષા માટે લડવું ગુંડાગીરી છે, તો હાં અમે ગુંડા છીએ.

અચાનક હિન્દી પર આટલો બધો ભાર કેમ?
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાજ ઠાકરેએ પૂછ્યું, અચાનક હિન્દી પર આટલો ભાર કેમ આપવામાં આવી રહ્યો છે? આ ભાષા પ્રત્યેનો પ્રેમ નથી પણ એક એજન્ડા છે. આપણા પર હિન્દી લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે આ સહન કરીશું નહીં. જ્યારે આપણા બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે, ત્યારે આપણી મરાઠી ઓળખ પર પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ જ્યારે ભાજપના નેતાઓ મિશનરી શાળાઓમાં અભ્યાસ કરે છે, ત્યારે કોઈએ તેમના હિન્દુત્વ પર આંગળી ઉઠાવી નથી. આ દંભ કામ કરશે નહીં.

તેમણે કહ્યું કે બાળાસાહેબ ઠાકરે અને તેમના પિતા શ્રીકાંત ઠાકરે પણ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા પરંતુ ક્યારેય મરાઠી છોડી ન હતી. તેમણે બાળાસાહેબ સાથે જોડાયેલી એક જૂની વાત કહી જ્યારે 1999માં ભાજપની શિવસેનાની સરકાર બનવાની શક્યતા હતી અને ભાજપના નેતા સુરેશ જૈન બાળાસાહેબને મુખ્યમંત્રી બનાવવાની વાત લઈને મળવા આવ્યા હતા.

બાળાસાહેબે ત્યારે સ્પષ્ટપણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફક્ત મરાઠી માણસ જ બનશે. દક્ષિણ ભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, સ્ટાલિન, કનિમોઝી, જયલલિતા, એન. લોકેશ, એ.આર. રહેમાન, સૂર્યા, બધાએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. શું કોઈ તેમના તમિલ પ્રેમને ઓછો આંકે છે? રહેમાન એક વાર હિન્દીમાં ભાષણ સાંભળીને સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા.

તેમણે સ્પષ્ટ કહ્યું, જો હું કાલે હિબ્રુ શીખીશ, તો કોઈને શું વાંધો છે? દક્ષિણ ભારતમાંથી શીખો તેમણે પોતાની ભાષા માટે એકતા બતાવી. દક્ષિણ ભારતમાં લોકોએ તમિલ અને તેલુગુ ભાષાઓ માટે એકતા બતાવી, પરંતુ મહારાષ્ટ્રમાં લોકોને વિભાજીત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર એક થઈ ગયું છે, હવે આ લોકો જાતિગત રાજકારણ શરૂ કરશે. જેથી મરાઠી ભાષા માટે બનેલી એકતા તૂટી જાય.

મરાઠી રેજિમેન્ટની જેમ એકતામાં રહો
ભારતીય સેનાનું ઉદાહરણ આપતા રાજ ઠાકરેએ કહ્યું, સેનામાં એક મરાઠા રેજિમેન્ટ, એક બિહાર રેજિમેન્ટ અને એક નાગા રેજિમેન્ટ છે. બધા અલગ છે, પરંતુ જ્યારે યુદ્ધ થાય છે, ત્યારે તેઓ એક થાય છે અને ભારત માટે લડે છે. મરાઠી સમાજે પણ એ જ રીતે એક થવું જોઈએ.

મીરા રોડ ઘટનાને અતિશયોક્તિ કરવી ખોટું છે: રાજ
તાજેતરની મીરા રોડ ઘટનાનો ઉલ્લેખ કરતા રાજ ઠાકરેએ કહ્યું, જો કોઈને ઝઘડામાં થપ્પડ વાગી જાય અને તે ગુજરાતી હોય તો શું કરવું જોઈએ? શું કપાળ પર લખેલું છે કે તે કોણ છે? કારણ વગર કોઈ પર હાથ ઉપાડો નહીં પણ જો કોઈ વધારે પડતું કરે તો ચૂપ બેસો નહીં. અને હા, ઝઘડાના વીડિયો બનાવવાનું બંધ કરો. કારણ વગર કોઈને મારશો નહીં, પણ જો કોઈ ભૂલ કરે તો તેને પાઠ ભણાવો. તેમણે કહ્યું કે તેમના ઘણા ગુજરાતી મિત્રો છે જે મરાઠીને પ્રેમ કરે છે. તેમણે કહ્યું, હું ગુજરાતીને ‘ગુજ-રથી’ કહું છું કારણ કે તે હૃદયથી મરાઠી સાથે જોડાયેલો છે. મારા ઘણા ગુજરાતી મિત્રો પણ છે જે શિવાજી પાર્કમાં મારા ભાષણો સાંભળે છે.

અંતમાં તેમણે કહ્યું કે સરકારો આવતી અને જતી રહેશે, ગઠબંધનો બનતા અને તૂટતા રહેશે પરંતુ મરાઠી ભાષા અને સંસ્કૃતિના મુદ્દા પર કોઈ સમાધાન થશે નહીં. આ બાળાસાહેબનું સ્વપ્ન હતું અને આ અમારી પ્રતિબદ્ધતા છે.

કેમ ઉઠ્યો વિવાદ?
મહારાષ્ટ્રમાં એપ્રિલમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવામાં આવી હતી. આ નિર્ણય રાજ્યની તમામ મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં લાગુ કરવામાં આવ્યો હતો. નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020ના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રમાં આ વર્ગો માટે ત્રણ ભાષાની પોલિસી લાગુ કરવામાં આવી હતી. વિવાદ વધ્યા પછી, અપડેટેડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. ધોરણ 1 થી 5 સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે હિન્દી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓ પસંદ કરી શકે છે.

Most Popular

To Top